તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાંથી આજે રવિવારે 21 જૂન 2026 ના રોજ એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીંના પેરીયાપાલયમ નજીક આવેલા કન્નીગઈપેર વિસ્તારમાં એક સી-ફૂડ એક્સપોર્ટ ફેસિલિટીમાં અચાનક એમોનિયા ગેસ લીક થતા મોટો હાહાકાર મચી ગયો હતો. આ ભીષણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 મહિલાઓના કરુણ મોત નીપજ્યા હોવાના અહેવાલ છે.
ઘટનાની ગંભીરતા અને રાહત કામગીરી
પ્રાપ્ત માહિતી અનુસાર ગેસ લીકેજની ઘટના એટલી તીવ્ર હતી કે આસપાસ કામ કરતા અનેક લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં અંદાજે 67 જેટલા લોકો અસરગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
NDRF ની ટીમ ઘટનાસ્થળે તૈનાત
ઘટનાની જાણ થતા જ તંત્ર દોડતું થયું હતું. જિલ્લા વહીવટીતંત્રની તાત્કાલિક વિનંતીને પગલે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ચોથી બટાલિયનને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. NDRF ના સિનિયર કમાન્ડન્ટ અખિલેશ કુમારના નેતૃત્વમાં એક વિશેષ CBRN (કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર) રિસ્પોન્સ ટીમને તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે, જે પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહી છે.