'છોટીકાશી'માં ઐતિહાસિક જનમેદની વચ્ચે ભવ્યાતિભવ્ય ૪૩ મી રામ સવારીનું સમાપન

  • April 18, 2024 10:01 AM 

હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટનું આયોજન


છોટીકાશીનું બીરૂદ પામેલા જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ઐતિહાસિક જનમેદનીની વચ્ચે ભવ્યાતિભવ્ય રામ સવારી નિકળી હતી, અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જે તળાવની પાળ પર આવેલા સુપ્રસિધ્ધ બાલા હનુમાનજી મંદિરેથી પ્રારંભ થઇ હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ અને પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના ૧.૦૦ વાગ્યે પૂર્ણ થઇ હતી. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર હજારોની સંખ્યામાં રામભક્તોએ ભગવાનશ્રી રામ લક્ષ્મણ જાનકીજીની પાલખીના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી હતી. શોભાયાત્રા દરમ્યાન વિવિધ સંસ્થાઓ દ્વારા ૨૬ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા. ઉપરાંત રામ ભકતો દ્વારા વિવિધ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો સાથે રામધૂનના નારા ગજવતાં સમગ્ર શહેર ''રામમય" બન્યું હતું.


જામનગર શહેરમાં પરંપરાગત રીતે મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ અને હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ તેતાલીસમી રામસવારીનું આયોજન હાથ ધરાયું હતું. ગઇકાલે રામનવમીના પવિત્ર તહેવારને અનુલક્ષીને ભવ્ય રામ સવારી યોજાઇ હતી. સુપ્રસિધ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી રામ સવારીનો પ્રારંભ થયો હતો. જેમાં બાલા હનુમાન મંદિરના પુજારી ઉપરાંત મંદિરના ટ્રસ્ટી ગણીના શ્રી, વિનુભાઇ તન્ના વિગેરેએ પાલખીનું સ્વાગત અને પૂજન કર્યું હતું, આ વેળાએ હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા, જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ રીવાબા જાડેજા, ખંભાળિયા વિસ્તારના પૂર્વ કોંગી ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, જામનગર લોકસભા વિસ્તારના કોંગી ઉમેદવાર જે.પી. મારવીયા ભાજપના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, સ્ટે. ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના દંડક કેતનભાઇ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી ભરતસિંહ વાળા, તથા કોંગ્રેસ પાર્ટીના અન્ય હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા, અને પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ શોભાયાત્રાના માર્ગ પર શ્રી રામ - લક્ષ્મણ - જાનકીની પાલખીનું પૂજન કર્યુ હતુંં. 


આ વર્ષે રામસવારીમાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામ - લક્ષ્મણ - જાનકીની મુખ્ય પાલખી વન્ય કુટિર સાથેનો લીલા રંગથી સુશોભીત એવા અત્યંત આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો, અને સમગ્ર ફલોટ્સને લીલા વસ્ત્રો થી તેમજ ફૂલ ઝાડ સાથે અને ભવ્ય લાઇટીંગ સહિત સુશોભન સાથેનો આકર્ષક રથ તૈયાર કરવામાં આવ્યો હતો. સાથો સાથ ડીજે સીસ્ટમ - પ્રસાદ વિતરણ સહિતના અલગ અલગ ફલોટસ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત,શિવ સેના, તાડીયા હનુમાન મિત્ર મંડળ, ઓમ યુવક મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રંગતાલી ગ્રુપ અને સહિયર ગ્રુપ, મહા સેના, હિન્દુ સેના, પ્રણામી યુવક મંડળ, ઓમ યુવક મંડળ, ડી. જે.સી.વાય. ગ્રૂપ, નાગેશ્વર મિત્ર મંડળ, વિરાટ બજરંગ દળ, રાજા મેલડી ગ્રુપ, શિવ શક્તિ ગ્રુપ, શ્રીરામ પ્રભુ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગવા રક્ષક ગ્રુપ, પી.જે. એકેડેમી ગ્રુપ હિન્દુ સેના બાળ ગ્રૂપ સહિતના ૨૬ જેટલા સુંદર અને આકર્ષક ચલિત ફલોટ્સ જોડાયા હતા. જેના દર્શનનો લ્હાવો લેવા માટે સમગ્ર શોભાયાત્રાના રૂટ પર રામ ભકતોની હકડેઠઠ જનમેદની ઉમટેલી જોવા મળી હતી.


આ ઉપરાંત રામ સવારીના શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર રામ સવારીનું ભવ્ય સ્વાગત કરવા માટે તેમજ શોભાયાત્રામાં જોડાનારા રામ સેવકો માટે ઠંડા પીણા - સરબત - છાસ તેમજ પ્રસાદનું વિતરણ કરવા માટે પાણીના પરબ અને સ્થાનિક જગ્યાએ વિવિધ ઝાંખીઓના સ્થાયી ફલોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં બાલા હનુમાન સંકિર્તન મંડળ ટ્રસ્ટ દ્વારા સ્વાગત પછી, ચૈતન્ય વાસણ ભંડાર, મોબાઇલ ઝોન (હવાઇ ચોક), હવાઇ ચોક મિત્ર મંડળ, હાલારી ભાનુશાળી જ્ઞાતિ ના સર્વે હોદ્દેદારો, લાયન્સ ક્લબ ઓફ જામનગર, બ્રહ્મદેવ સમાજ, સતી માતા મિત્ર મંડળ, તુલસી સેવા મંડળ, ભવાની યુવક મંડળ, નાગર ચકલા વેપારી એસોસીએશન, શકિત યુવક મંડળ, ગજકેસરી ગ્રુપ, શિવ મિત્ર મંડળ, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, જય માતાજી હોટલ ગ્રુપ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, ગોકુળીયા હનુમાન મિત્ર મંડળ, શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ યુવક મંડળ, શ્રી હરીદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, શીવ મિત્ર મંડળ, શ્રી યુવક મંડળ, સેન્ટ્રલ બેંક મીઠાઇ-ફરસાણ વેપારી એસોસીએશન, આશુતોષ મહાદેવ મિત્ર મંડળ, ઓમ યુવક મંડળ, પતંગીયા ફળી મિત્ર મંડળ, બર્ધન ચોક ગ્રૂપ  (નિરવભાઇ), બ્રહ્મ ક્ષત્રિય યુવક મંડળ, બ્રહ્મક્ષત્રિય કંસારા મંડળ, સુખરામદાસ ગ્રૂપ, સીંધી માર્કેટ વેપારી એસોસીએશન, બજરંગ મિત્ર મંડળ, રાણા મિત્ર મંડળ, દાજીબાપુ શેરી ગ્રૂપ, જામના ડેરા મિત્ર મંડળ, સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર), રાજેન્દ્ર રોડ વેપારી એસો., ગણેશ મરાઠા મંડળ, શ્રીરામ પરિવાર, શિવ શકિત હોટલ ગ્રૂપ, વાઘેશ્વરી માતાજી મંદિર (સોની સમાજ), ગણેશફળી મિત્ર મંડળ, કોમી એકતા ગ્રૂપ (અલુ પટેલ યુનુસ શમા), પંકજ સોઢા ફાઉન્ડેશન, સમસ્ત ભોઈરાજ ગ્રુપ, દિપક ટોકીઝ રીક્ષા એસો., પંજાબ બેંક રીક્ષા એસો., ચૌહાણ ફળી મિત્ર મંડળ, હર્ષીદા ગરબી મંડળ, ત્રિશુલ મિત્ર મંડળ, શિવશકિત સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ, જયદેવભાઇ ભટ્ટ, સ્વામિનારાયણ મંદિર- કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ, સમસ્ત કડિયા જ્ઞાતિ (નવીનભાઈ- પીન્ટુભાઇ) બનાસ અલ્પાહર (નારસંગભાઇ ગ્રુપ), વંડાફળી યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ-જામનગર, યંગ સોશ્યલ ગ્રુપ - પંચેશ્વર ટાવર, ઓમ કાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, રામજી મંદિર લોહાણા મહાજન જ્ઞાતિ - પંચેશ્વર ટાવર દ્વારા શોભાયાત્રાના રૂટ પર ઠંડાપીણાં - સરબત - પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ વિવિધ ઝાંખી ઊભી કરવામાં આવેલ હતી. જેના દર્શનનો લ્હાવો લેવા માટે તેમજ પ્રસાદ મેળવવા માટે અનેક રામભકતોએ ઠેર ઠેર ભીડ જમાવી હતી, અને શહેરમાં રામમય વાતાવરણ જોવા મળ્યું હતું.


મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજેશ વ્યાસ (રાજુભાઇ મહાદેવ) ના માર્ગદર્શન હેઠળની આ વખતે સતત તેતાલીસમાં વર્ષે યોજાનારી રામસવારીના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં હતી છે. જેના કન્વીનર તરીકે પી.એમ. જાડેજા તથા સહ કન્વીનર તરીકે મૃગેશભાઈ દવે તેમજ ધવલભાઈ નાખવાની નિયુકતી કરવામાં આવી હતી. જેમની આગેવાનીમાં સર્વશ્રી રાજેન્દ્રસિંહ સોઢા, જીગર રાવલ, ચંદ્રવદન ત્રિવેદી, વ્યોમેશ લાલ, ભાર્ગવ પંડયા,  પ્રતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, ધિમંતભાઇ દવે, માંડણભાઇ કેશવાલા, હેમલ ગુસાણી, સંદીપ વાઢેર, મનોજભાઇ પરમાર, નંદલાલભાઇ કણઝારીયા, જીતુભાઇ ઝાલા, વૈભવ રાવલ, રાહુલ ચૌહાણ, જય બખતરીયા, વિજયસિંહ જાડેજા, હાર્દિક ગોપીયાણી, વિશાલ પંડયા, અમર દવે, ચિરાગ જીંઝુવાડીયા, રાજ ત્રિવેદી, યોગેશ ઝાલા, મિતેશ મહેતા, યોગેશ જોશી, યજુર્વેન્દ્રસિંહ જાડેજા સહિતના ૫૩ સભ્ય કાર્યકરોની સમિતિ દ્વારા રામસવારીનું સંચાલન કરાયું હતું. 


શોભાયાત્રાની પૂર્ણાહુતિ પંચેશ્વર ટાવર પાસે આવેલા શ્રી રામ મંદિર પાસે કરાઇ હતી. જયાં લોહાણા મહાજન વાડીમાં આવેલ રામચંદ્રજી મંદિર ખાતે રામધુન તથા સંગીતમય હનુમાન ચાલીસા તથા સુંદર કાંડના પાઠ રાખવામાં આવ્યા હતા.


પૂર્ણાહુતિ સમયે લોહાણા સમાજ મહામંત્રી રમેશભાઇ દત્તાણી, ઉપરાંત મનોજ અમલાણી, લોહાણા મહાજન જ્ઞાતિના કારોબારી સભ્ય હેમલ ચોટાઇ, નિલેષ ચંદારાણા, અનિલ ગોકાણી, નિલેશ ઠકરાર, રાજુભાઇ હિંડોચા, મધુભાઇ, અતુલભાઈ, રાજુ પતાણી, રાજુ ગોંદિયા, ભરતભાઇ કાનાબાર,  તથા બહેનો સહિતના લોહાણા મહાજન અગ્રણીઓએ ફૂલહારથી રામરથનું સ્વાગત કરી પૂર્ણાહુતિ કરાવી હતી.



અયોધ્યાની પ્રતિકૃતિ સમાન ભગવાન શ્રીરામની વેશભૂષામાં સજ્જ બનેલા નગરના કલાકાર મોનું શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા


જામનગરમાં ગઈકાલે યોજાયેલી પરંપરાગત રામ સવારીમાં આ વખતે નગરના જ મોનું નામના કલાકાર કે જેઓ પ્રત્યેક શોભાયાત્રામાં અલગ અલગ વેશભૂષામાં સજ્જ થઈને જોડાય છે. જેઓ આ વખતે અયોધ્યા માં બિરાજમાન રામલલ્લાની પ્રતિકૃતિ સમાન જ વેશભૂષામાં સજજ થઈને રામ સવારીમાં જોડાયા હતા, જે ભગવાન શ્રી રામ ના નવા સ્વરૂપ ના રથ સાથે જોડાયા હતા. જેનો ભવ્ય નજારો નિહાળવા માટે શહેરના અનેક રામભક્તોએ કતાર લગાવી હતી, તેમ જ કેટલાક રામભક્તોએ શ્રી રામ સાથે સેલ્ફી પડાવીને પણ ધન્યતા અનુભવી હતી. અયોધ્યામાં બિરાજમાન બાલકરામ જેવી જ પ્રતિકૃતિના દર્શન નિહાળીને શહેરના અનેક રામભક્તો અભિભૂત થયા હતા, અને ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


શોભાયાત્રા માં મોટા કદના બજરંગ બલી અને મંકી મેન બાળકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહ્યા

જામનગરમાં યોજાયેલી ૪૩મી રામસવારીમાં નવા આકર્ષણના ભાગરૂપે રાજા મેલડી ગ્રુપ દ્વારા મોટા કદના બજરંગ બલીને ઉતારવામાં આવ્યા હતા, જે બજરંગબલીની હરકતો નિહાળીને નગરના અનેક બાળકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. જે હનુમાનજીની સાથે અનેક ભાવિકોએ સેલ્ફી પડાવી હતી. આ ઉપરાંત ભાવનગર ના કલાકાર કે જેઓ મંકી મેનની ભૂમિકામાં જોડાયા હતા, તેઓની એન્ટ્રી ખૂબ જ બાળકો માટે આનંદ પમાડે તેવી રહી હતી. જેના હેરત ભર્યા પ્રયોગો તેમજ રમૂજ નિહાળીને અનેક રામભક્તો અચંબામાં પડી ગયા હતા, અને હાસ્ય પણ જોવા મળ્યું હતું.


રામ સવારીને જિલ્લા પોલીસવડા સહિતના વિશાળ પોલીસ કાફલાએ લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડ્યું

જામનગરમાં યોજાયેલી રામ સવારીમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ અન્ય પોલીસ અધિકારીઓની મોટી ટીમ દ્વારા લોખંડી અને સજ્જડ પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો. બાલા હનુમાન મંદિરથી શોભાયાત્રા શરૂ થઈ ત્યારથી પંચેશ્વર ટાવર સુધીના તમામ રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેમાં જામનગરના દરબારગઢ વિસ્તારથી લઈને અનેક વિસ્તારોમાં ખુદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ જાતે જ શોભાયાત્રામાં જોડાયા હતા. જેઓની સાથે શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પોલિસ ઇન્સ્પેક્ટર, એલસીબી અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર, અન્ય સ્ટાફ, શહેરના તમામ ડિવિઝનના  પીએસઆઇ તથા અન્ય પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોસ્ટેબલ સહિતના કર્મચારીઓની મોટી ટીમ શોભાયાત્રા ના સમગ્ર રૂટ પર ખડે પગે રહી હતી, અને શોભાયાત્રામાં સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. મહિલા પોલીસ કર્મચારી પણ મોટી ટીમ સાથે રહી હતી, જ્યારે ટ્રાફિક શાખાની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક બંદોબસ્ત જાળવ્યો હતો, જેના કારણે શોભાયાત્રા ખૂબ જ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી.


ચાંદી બજારના ચોક મધ્યે ૩૦ ફૂટના કદની ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ તૈયાર કરાઈ

જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં હરહંમેશા શ્રીરામ સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી પરિવાર તેમજ શ્રી ગણેશ મરાઠા મંડળ વગેરે દ્વારા રામસવારી નું ભવ્યાતીભવ્ય સ્વાગત થાય છે. જેમાં આ વખતે શ્રી ગણેશ મરાઠા મંડળ, તેમજ વિપુલભાઈ મહેતા (ભુરાભાઈ) ની ટીમ દ્વારા ભગવાન શ્રીરામનું ૩૦ ફૂટનું કટ આઉટ તૈયાર કરીને ચાંદી બજાર ચોકની મધ્ય સુશોભીત કરીને રખાયું હતું, અને તેની ફરતે રોશની કરાઈ હતી. સાથોસાથ અયોધ્યા ના રામ મંદિરની પ્રતિકૃતિ પણ કંડારવામાં આવી હતી, જેના દર્શનનો લાભ લેવા માટે ચાંદીબજારના ચોકમાં અનેક ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડી.જે. ના તાલે રામ ધુન માં અનેક ભાવિકોએ સાથ આપ્યો હતો, અને રામમય વાતાવરણ બન્યું હતું.


ચાંદી બજારના ચોકમાં ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા રામ સવારીનું અદકેરૂં સ્વાગત કરાયું: સંસદસભ્ય-ધારાસભ્ય- મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ ને લઈને સમગ્ર ચાંદી બજાર વિસ્તાર રામમય બન્યો...

પ્રતિ વર્ષ મુજબ જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં શહેર ભાજપ પરિવાર તેમજ સ્થાનિક નગર સેવકો દ્વારા રામસવારીનું ભવ્યાતીભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના અગ્રણી અને ડીસ્ટ્રીક બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સ્થાનિક કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, તેમજ વોર્ડ નંબર ૯ ના અન્ય કોર્પોરેટરો કુસુમબેન પંડ્યા, ધર્મીનાબેન સોઢા, ધીરેનભાઈ મોનાણી, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન મનીષભાઈ કટારીયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલભાઈ સોરઠીયા, પ્રદેશ અગ્રણી સુરેશભાઈ વસરા, બાબુભાઈ ચાવડા, તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, કોર્પોરેટર હકાભાઇ ઝાલા, પ્રભાબેન ગોરેચા, પાર્થ જેઠવા, મુકેશભાઈ માતંગ, પરાગભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના અન્ય હોદ્દેદારો મહિલા મોરચાના હોદ્દેદારો સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓની ઉપસ્થિતિમાં ચાંદી બજારના ચોકમાં ભગવાન રામ લક્ષ્મણ જાનકીની પાલખી આવી પહોંચી ત્યારે રામધુન બોલાવાઈ હતી, અને સમગ્ર ચાંદી બજારનો ચોક રામમય બન્યો હતો. અન્ય નગરજનોએ પણ બહોળી સંખ્યામાં ચાંદી બજારના ચોકમાં હાજરી આપી હોવાથી રામ મય વાતાવરણ બન્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application