જામનગરમાં એડવોકેટની હત્યા પ્રકરણમાં એક આરોપીની અટકાયત

  • March 20, 2024 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શખ્સોની શોધખોળ માટે અલગ અલગ દિશામાં તપાસ

 જામનગરના એડવોકેટની હત્યામાં સંડોવાયેલા સાયચા ગેંગના ૧૫ આરોપીને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. અને તપાસ દરમિયાન એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. જયારે અન્ય આરોપીઓ અંગે જુદી જુદી દીશામાં ચક્રો ગતીમાન કર્યા છે, પકડાયેલા એક શખ્સની રીમાન્ડ સહિતની કાર્યવાહી માટે તજવીજ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના બેડી વિસ્તારમાં ગત બુધવારે સાંજે  એડવોકેટ હારુનભાઈ પલેજાની શખ્સો દ્વારા એક સંપ કરીને હત્યા નિપજાવી હતી. સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સાયચા ગેંગના ૧૫ સાગરીતો સામે પૂર્વયોજિત કાવતરું ઘડી હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ બનાવના ઘેરા પડઘા પડયા પછી પોલીસે તમામ આરોપીઓને પકડી પાડવા શરૃ કરેલી તજવીજ દરમિયાન રેન્જ આઈજી અશોકકુમાર યાદવની સૂચના થી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટની રચના કરી છે. જેમાં સાત  પોલીસ અધિકારી-કર્મચારીનો સમાવેશ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, હત્યામાં સંડોવાયેલી સાયચા ગેંગ સામે એક શિક્ષિકાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા તથા લેન્ડ ગ્રેબિંગના બે ગુન્હા નોંધાયા પછી તંત્રએ તેના રહેણાંકોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
દરમિયાન પોલીસની સ્પેશિયલ ટીમ દ્વારા હત્યા પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી બેડી વિસ્તારમાં ધામા નાખ્યા છે, અને બે ડઝનથી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. દરમિયાન ગઇ મોડી સાંજે એક આરોપી બસીર  જુસબ સાઇચાની અટકાયત કરી લેવામાં આવી છે. જેની પૂછપરછ ચલાવાઇ રહી છે. અને અન્ય આરોપીઓને પકડવા માટે જુદા જુદા વિસ્તારમાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application