ચેલા-દરેડના અમુક સર્વે નંબરને ખેતીઝોનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા સામે વિપક્ષી નેતાની વાંધા અરજી

  • August 13, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયના શહેરી વિકાસ ખાતાના અગ્ર સચીવને લખેલા પત્રમાં ચેલાના સર્વે નં.677, 678 (નવા), 615 (જુના) તેમજ દરેડના સર્વે નં.51 થી 57, 66, 68 થી 71, 75, 23 તથા 120 વાળી જમીનમાં વિપક્ષી નેતા ધવલ નંદાએ વિરોધ નોંધાવ્યો


જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ (જાડા) જામનગર દ્વારા માહે-07/2024 માં જાડાની સામાન્યસભા જાડાના અધ્યક્ષ, કમિશનર અને સભ્ય દ્વારા સામાન્ય સભા રાખવામાં આવેલ હતી. જેમાં ફક્ત ચોક્કસ અને રાજકીય પીઠબળ ધરાવતા વ્યક્તિની ભલામણના આધારે અધિકારીઓ સાથે આર્થિક વહીવટ કરી રાજકીય રીતે પ્રેસર કરાવી ચોક્કસ સર્વે નંબરને જ ખેતી જોનમાંથી ઇન્ડસ્ટ્રીયલ જોનમાં ફેરવવાનું આખો કારસો ઘડેલ છે, આ અંગે તપાસ કરવાની માંગણી જામ્યુકોના વિપક્ષી નેતા ધવલ સુરેશભાઇ નંદાએ રાજયના શહેરી વિકાસ મંત્રાલયના અગ્ર સચીવને પત્ર લખીને વાંધા અરજી આપેલ છે.


આ જાડાની સામાન્ય સભામાં અન્ય કોઈ એજન્ડા લેવામાં આવ્યા ન હોય, ફક્ત જોન ફેરનો ઠરાવ કરવામાં આવેલ હતો, જેમાં જોનફેર માટે દરેડ અને ચેલાના બાવન ખેડૂતોએ ખેતી જોનમાંથી ઇન્ડસ્ટ્રીયલ જોનમાં ફેરવવાની અરજીઓ કરેલ હતી, જેમાંથી 50 અરજીઓ નામંજુર કરવામાં આવેલ હતી અને તે 50 અરજીઓ ક્યાં કારણથી નામંજુર કરેલ છે, તેનું કોઈ કારણ દશર્વિવામાં આવેલ ન હોય, ફક્ત બે જ અરજીઓ મંજુર કરવામાં આવેલ છે, અને તે 2 અરજીઓ કે જે ગાંધીનગર સુધી રાજકીય રીતે લાગવગ ધરાવતા હોય, મોટા માથાઓ-બિલ્ડરો સાથે ભાગીદાર હોય અને અધિકારી સાથે સેટિંગ કરીને આજુબાજુના તમામ ખેડૂતોના સર્વે નંબરો મુકીને ચોક્કસ સર્વે નંબર જ ખેતી જોનમાંથી ઇન્ડસ્ટ્રીયલ જોનમાં ફેરવવાનું જે ઠરાવ કરેલ છે તે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.


વધુમાં ચેલાના સર્વે નંબર : 677, 678 (નવા), 615 (જુના) તેમજ દરેડના નવા રેવન્યુ સર્વે નંબર : 51 થી 57, 66 થી 68, 71 થી  75, 23 તથા 120 વાળી જમીન ખેતી જોનમાંથી રદ કરી એગ્રીકલ્ચર જોનમાં મુકેલ અને આ જે બે અરજીઓ મંજુર કરેલ તે બે અરજદારોની આખી જમીન આશરે 160 વીઘા જેવી હોય અને જેના દસ્તાવેજ પણ તાજેતરમાં જ થયેલ હોય, જેની કાચી નોંધ થયેલ હોય હજી પ્રમાણિત પણ થયેલ ન હોય અને 160 વીઘા જેવી જમીન ફક્ત એક જ વ્યક્તિને ફાયદો કરાવવા પૂર્વ આયોજિત કૌભાંડનો ઠરાવ થયેલ છે.


જે સર્વે નંબર વાળી જમીન ખેતી જોનમાંથી ઇન્ડસ્ટ્રીયલ જોનમાં લીધેલ છે, તેમાં અમુક-અમુકના કટકા ઉપાડવામાં આવેલ છે અન્ય બીજી આજુ-બાજુ જમીનો જે પણ ખેતીજોન માંથી ઈન્ડસ્ટ્રીયલ જોનમાં આવી શકે તેમ હોય છતાં પણ અલગ-અલગ જગ્યાએથી મનફાવે તેમ સરકારના નીતિ-નિયમો, માર્ગદર્શક, સૂચનો અને પરિપત્રોનો સરેઆમ ઉલ્લંઘન કરી બિલ્ડર લોબીને ફાયદો કરાવેલ છે, જેમાં સતાધારી પાર્ટીથી માંડીને અધિકારીઓ પણ સંડોયાયેલા છે.

આ સમગ્ર પ્રકરણમાં જે સર્વે નંબરને ખેતી જોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ જોનમાં તબદીલ કરેલ તેના તાજેતરમાં જ દસ્તાવેજ થયેલ છે અને ત્યારબાદ બોર્ડ એજન્ડામાં આ જ સર્વે નંબરો લેવાયેલા હોય અને 50 અરજીઓ નામંજુર કરીને અને અન્ય ખેડૂતોની જમીનો પણ આજુ-બાજુમાં અને વચ્ચે હોવા છતાં તેની જમીનો જોન ફેરમાં લેવામાં આવેલ ન હોય, ફક્ત ચોક્કસ સર્વે નંબર લઈ બિલ્ડર અને સતાધારી પાર્ટીના ઉચ્ચ લેવલના રાજકારણીને ફાયદો કરાવવા જે ઠરાવ થયેલ છે તે ગેરકાયદેસર છે, જેથી આ ઠરાવ તાત્કાલિક ધોરણે રદ કરવા વિપક્ષી નેતા ધવલ નંદાએ વાંધા-અરજી દ્વારા રજૂઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application