સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની રાહ હજુ વધુ લંબાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી પાંચથી છ દિવસ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન દક્ષિણપશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. જોકે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ચોમાસાના આગમન માટે જરૂરી મજબૂત હવામાનીય સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદના કોઈ નોંધપાત્ર વાવડ જોવા મળતા નથી.
પંજાબથી બિહાર સુધી મોસમી ખાડો યથાવત છે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા પાકિસ્તાન વિસ્તાર ઉપર રહેલું ઉપલા હવાનું ચક્રવાતી પરિભ્રમણ નબળું પડી ગયું છે. પરિણામે ગુજરાત તરફ ભેજયુક્ત પવનો અને વરસાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી પરિસ્થિતિ સર્જાતી નથી. 18 જૂનથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં નવા પશ્ચિમી વિક્ષેપની અસર શરૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, પરંતુ તેનો સીધો લાભ સૌરાષ્ટ્ર-કચ્છને મળવાની શક્યતા ઓછી હોવાનું માનવામાં આવે છે.
રાજ્ય આગાહી મુજબ 18 જૂન સુધી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ 19 જૂનથી 23 જૂન સુધી સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની કોઈ ખાસ શક્યતા દર્શાવવામાં આવી નથી.
દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી અને બફારાનો માહોલ યથાવત રહ્યો છે. રાજકોટમાં મંગળવારે મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે વહેલી સવારે લઘુતમ તાપમાન 29.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં સવારથી જ ઉકળાટ અનુભવાયો હતો. સવારે 8:30 વાગ્યે હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા નોંધાયું હતું, જ્યારે પવનની સરેરાશ ગતિ 12 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ હોવાનું જણાવ્યું છે.