7 વર્ષથી અવકાશમાં ચક્કર લગાવી રહી છે મસ્કની ટેસ્લા કાર

  • March 03, 2025 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે લગભગ 7 વર્ષ પહેલાં તેનું પાવરફુલ ફાલ્કન હેવી રોકેટ લોન્ચ કર્યું હતું. આ રોકેટ સાથે કંપનીએ ચેરી-રેડ કલરની ટેસ્લા રોડસ્ટર કારને સ્ટારમેન ડમી સાથે મોકલી હતી. ત્યારથી આ રોડસ્ટર કાર હજુ પણ અવકાશમાં સૂર્યની પરિક્રમા કરી રહી છે.


6 ફેબ્રુઆરી, 2018 ના રોજ થયેલ આ ઐતિહાસિક લોન્ચ સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. 2018 થી અત્યાર સુધી ઘણું બધું થયું. મસ્કે ટ્વિટરને એક્સમાં બદલી નાખ્યું, બહુવિધ સ્ટારશીપ્સ વિકસાવવામાં આવ્યા. એટલું જ નહીં, અત્યાર સુધીમાં ઘણા ફાલ્કન 9 લોન્ચ પણ થઈ ચૂક્યા છે. આ બધા વચ્ચે એક લાલ કાર અને સ્ટારમેન નામનો ડમી અવકાશમાં ચક્કર લગાવી રહ્યા છે.


અવકાશમાં ફરતી આ કારે એક સમયે ખગોળશાસ્ત્રીઓને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા. મસ્ક દ્વારા મોકલવામાં આવેલી આ કારને તાજેતરમાં થોડા સમય માટે ભૂલથી એસ્ટરોઇડ સમજી લેવામાં આવી હતી. દરમિયાન ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયનના માઇનોર પ્લેનેટ સેન્ટરે 2 જાન્યુઆરીએ એક બુલેટિન બહાર પાડ્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2018 સીએન41 પૃથ્વીની નજીક ભ્રમણકક્ષામાં ફરતો ધૂમકેતુ હતો. એમપીસીએ પાછળથી 3 જાન્યુઆરીના રોજ એક નોટિસ જારી કરી, જેમાં કહેવામાં આવ્યું કે પૃથ્વીની નજીક ભ્રમણકક્ષામાં રહેલો પદાર્થ ટેસ્લા રોડસ્ટરના ફાલ્કન હેવી અપર સ્ટેજ સાથે મેળ ખાય છે.


ખગોળશાસ્ત્રીઓ સતત અવકાશ પર નજર રાખતા હોય છે અને પૃથ્વીની ભ્રમણકક્ષાની આસપાસ હોય તેવા કોઈપણ પદાર્થો અને ગ્રહો વગેરેની શોધ કરે છે. તેની ભ્રમણકક્ષામાં ફરતી કોઈપણ વસ્તુ પૃથ્વી સાથે અથડાય નહીં તેની ખાતરી કરવા માટે તેનું નજીકથી નિરીક્ષણ પણ કરવામાં આવે છે.


પૃથ્વીની નજીક અથવા તેની આસપાસ હાજર આવા પદાર્થોને પૃથ્વીની નજીકના પદાર્થો (એનઈઓ) કહેવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે માઇનોર પ્લેનેટ સેન્ટર (એમપીસી) એ અત્યાર સુધીમાં 37,500 થી વધુ એનઈઓની યાદી બનાવી છે. જેમાંથી આશરે 190 ફક્ત જાન્યુઆરીમાં જ મળી આવ્યા હતા. 7 વર્ષ પહેલાં મોકલવામાં આવેલ ટેસ્લા રોડસ્ટર પણ ખગોળશાસ્ત્રીઓના ધ્યાન પર આવ્યું હતું અને થોડા સમય માટે તેને એસ્ટરોઇડ સમજી લેવામાં આવ્યું હતું.


કંપની અને ખગોળશાસ્ત્રીઓ અવકાશમાં ફરતી આ ટેસ્લા કાર પર પણ નજર રાખી રહ્યા છે. આ કારનો ટ્રેક રાખવા માટે કંપનીએ ' વ્હેર ઈઝ રોડસ્ટર ડોટ કોમ' નામની વેબસાઇટ પણ શરૂ કરી છે. બેન પિયર્સન દ્વારા બનાવવામાં આવેલી આ વેબસાઇટ કારના લોકેશનને અનુસરે છે અને તેના દ્વારા કાપવામાં આવેલા અંતરની ગણતરી કરે છે. અવકાશમાં તેની 7મી વર્ષગાંઠ નજીક આવી રહી છે, રોડસ્ટરે લગભગ 5.63 લાખ કરોડ કિમીની મુસાફરી કરી લીધી છે.


કારને સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં લગભગ 557 દિવસ લાગે છે. પિયર્સનના કાર્ય અનુસાર, ટેસ્લાસે તેમની 36,000 માઇલ વોરંટી 96,330 કરતાં વધુ વખત પાર કરી લીધી દીધી છે. આ કારે તેની સફરની શરૂઆતમાં ડેવિડ બોવીનું પ્રખ્યાત ગીત સ્પેસ ઓડિટી વગાડ્યું હતું. જો બેટરી અને સ્પીકર્સ હજુ પણ કામ કરતા હોત તો ઓન-બોર્ડ ડમીએ આ ગીત 6,92,000 થી વધુ વખત સાંભળ્યું હોત.


2018 થી, જ્યારે આ કારને હેવી ફાલ્કન રોકેટ સાથે અવકાશમાં મોકલવામાં આવી હતી ત્યારે સામાન્ય લોકોના મનમાં પ્રશ્ન એ છે કે ઈલોન મસ્કે ટેસ્લા કારને અવકાશમાં કેમ મોકલી? જ્યાં સુધી આનો સવાલ છે, તો તેના કેટલાક કારણો છે અને એક કારણ એ છે કે તેઓ તે કરી શકતા હતા. સ્વાભાવિક છે કે, જ્યારે તમારી પાસે સ્પેસ કંપની અને કાર કંપની બંને હોય ત્યારે અવકાશમાં કાર ઉડાડી શકો છો અને આવું કરવાથી તેમને કોણ રોકવાનું હતું?


જોકે, આ કારને અવકાશમાં લોન્ચ કરતી વખતે ઈલોન મસ્કે કહ્યું હતું કે તેમને આશા છે કે એક દિવસ મનુષ્યો અન્ય ગ્રહો પર સ્થાયી થઈ શકશે અને તેમના 'વંશજો' તેને સંગ્રહાલયમાં પાછી લઈ જઈ શકશે. મસ્કે એમ પણ કહ્યું કે તેમની સ્પેસએક્સ ટીમના મતે તે સામાન્ય વસ્તુ મોકલવા માંગતા હતા. જેના માટે રોડસ્ટર કારની ડ્રાઇવર સીટ પર ક્રેશ ટેસ્ટ ડમી મૂકવામાં આવ્યો હતો, જેનું નામ ડેવિડ બોવીના ગીતના નામ પરથી 'સ્ટારમેન' રાખવામાં આવ્યું હતું. હાલમાં, આ કાર ફક્ત અવકાશમાં ફરે છે અને ડેવિડ બોવીનું પ્રખ્યાત ગીત સ્પેસ ઓડિટી તેમાં વાગી રહ્યું છે. આ ગાડીનો બીજો કોઈ ઉપયોગ નથી.


ટેસ્લા રોડસ્ટર એક ઇલેક્ટ્રિક કાર છે જે 2010 માં બનાવવામાં આવી હતી. લોન્ચ સમયે કારને રોકેટ પર પેલોડ એડેપ્ટરની ટોચ પર ઇન્કલાઈન સ્થિતિમાં કાયમ માટે માઉન્ટ કરવામાં આવી હતી. આગળ અને બાજુના કેમેરા માઉન્ટ કરવા માટે ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર ઉમેરવામાં આવ્યા હતા. પેલોડ એન્કેપ્સ્યુલેશન પહેલાં કારના ફોટો પ્રકાશિત કરવામાં આવ્યા હતા.


ડ્રાઇવિંગ સીટ પર ‘સ્ટારમેન’ બેઠો છે, જે સ્પેસએક્સ પ્રેશર સ્પેસસુટમાં એક માનવીય ડમી છે. તેનો જમણો હાથે સ્ટીયરીંગ વ્હીલ પર અને ડાબી કોણી ખુલ્લી બારી પર રહે એ રીતે મુકવામાં આવ્યો છે. આ મોડેલનું નામ ડેવિડ બોવીના ગીત "સ્ટારમેન" પરથી રાખવામાં આવ્યું હતું. હાલમાં આ ડમી કારનું સ્ટીયરીંગ વ્હીલ પકડીને અને એક હાથ બારી પર રાખીને અવકાશમાં સૂર્યની પરિક્રમા કરી રહ્યું છે.


કેટલાક નિષ્ણાતો આને ટેસ્લાની માર્કેટિંગ સ્ટ્રેટેજી તરીકે પણ જુએ છે. જેઓ માને છે કે ઈલોન મસ્ક તેમની કંપનીઓ (ટેસ્લા અને સ્પેસએક્સ) ને અવકાશમાં પણ હંમેશા માટે અમર બનાવવા માંગે છું. કારણ ગમે તે હોય પણ મસ્કનું આ પરાક્રમ ચોક્કસપણે રસપ્રદ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application