જામનગર શહેરમાં દિવાળીના તહેવારને લઈને જામનગર મહાનગરપાલિકાનું ફાયર તંત્ર  સુસજ્જ બન્યું

  • October 20, 2025 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં નગરજનો દિવાળીના તહેવારને લઈને આતશબાજી કરે અને તે ફટાકડાના કારણે આગજનીની કોઈ ઘટના બને, તો વહેલી તકે પહોંચી વળવા માટે જામનગર મહાનગરપાલિકાનું ફાયર તંત્ર સંપૂર્ણ પણે સુસજ્જ બન્યું છે અને મુખ્ય ત્રણ ફાયર સ્ટેશન ઉપરાંત અન્ય ત્રણ સ્થળો પર હંગામી ફાયર પોઇન્ટ બનાવીને ૧૨૦ થી વધુ ફાયરના જવાનોને રાઉન્ડ ધ ક્લોક ખડે પગે મૂકી દેવાયા છે. ગઈકાલે પણ ફાયર વિભાગે બંદોબસ્ત જાળવ્યો હતો, અને આજે પણ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિસનોઈની રાહબરી હેઠળ કુલ ૧૨૦થી વધુ ફાયરના જવાનો કે જે તમામને અલગ-અલગ પોઇન્ટ પર ફરજ માટે મૂકી દેવાયા છે અને ફાયરના તમામ જવાનોની રજા કેન્સલ કરીને રાઉન્ડ ધ કલોક ડ્યુટી ફાળવી દેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા સ્થિત મુખ્ય ફાયર સ્ટેશન, બેડી ફાયર સ્ટેશન અને જનતા ફાટક પાસેના ફાયર સ્ટેશન ઉપરાંત દરબારગઢ સર્કલ, ડીકેવી સર્કલ અને ગ્રીનસીટી વિસ્તારમાં હંગામી ફાયરના પોઇન્ટ બનાવાયા છે, અને તમામ સ્થળો પર ફાયર ફાઈટર મૂકી દેવામાં આવ્યા છે. 


જામનગર મહાનગરપાલિકાના ૧૫ ફાયર ફાઈટર સહિતના વાહનો ઉપરાંત એક નેવી અને એક એરફોર્સ ના પણ ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ફટાકડાના કારણે કોઈપણ સ્થળે આગજનીની ઘટના બને તો તેને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે ફાયરશાખાનું તંત્ર સુસજ્જ બનેલું છે.


ગઈકાલે રાત્રે ફટાકડાના કારણે શહેરમાં ત્રણ સ્થળે આગના છમકલાં
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે પણ ફાયર શાખાનો બંદોબસ્ત જાળવ્યો હતો, ત્યારે ફટાકડાના કારણે સામાન્ય આગની ત્રણ ઘટના સામે આવી હતી. જેમાં પટેલ કોલોની શેરી નંબર આઠમાં ફટાકડાના કારણે કચરો સળગ્યો હોવાથી ફાયર તંત્ર એ દોડી જઈ આગ બુજાવી હતી, તે જ રીતે વાલકેશ્વરી નગરી વિસ્તારમાં અને દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં સળગતો ફટાકડો પડવાના કારણે કચરામાં આગ લાગી હતી અને ફાયરે સમયસર પહોંચી જઈ આગને કાબુમાં લઈ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application