જામનગર: મોટી ભલસાણ પાસે ટ્રકમાંથી કુદતા યુવાનનું ટાયર નીચે આવી જતા મૃત્યુ
ટાયર ફાટતા ટ્રક પલ્ટી મારી જતા બનેલો વિચિત્ર અકસ્માતનો બનાવ
મોટી ભલસાણ ગામ નજીક બોરવેલનો ટ્રક અકસ્માતગ્રસ્ત બનતા એક યુવાન મજૂરનું મોત નીપજ્યું હોવાનું પોલીસમાં નોંધાયું છે.
રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ફતેહગઢ વિસ્તારના રહેવાસી રવીન્દ્રકુમાર માંગીલાલ મીણા (ઉ.વ. ૨૫) પોતાના શેઠ તોફીકભાઈ તથા અન્ય મજૂરો સાથે બોરવેલનો ટ્રક નં. જી.જે.-૦૩-એચ.ઇ.-૯૮૯૯ લઈને ઠેબા ચોકડીથી વાણિયા ગામ તરફ બોરિંગના કામ માટે જઈ રહ્યા હતા.
દરમિયાન તા. ૧૪ જૂનની રાત્રે મોટી ભલસાણ ગામ નજીક પહોંચતા ટ્રકનું ડ્રાઇવર સાઇડનું આગળનું ટાયર અચાનક ફાટી ગયું હતું. જેના કારણે ટ્રક બેકાબૂ બન્યો હતો. અકસ્માતની આશંકાથી ગભરાઈને ક્લીનર સાઇડની સીટ પર બેઠેલા રવીન્દ્રકુમારે ટ્રકમાંથી કૂદકો માર્યો હતો. ત્યારબાદ ટ્રક રોડની બાજુમાં આવેલા પીજીવીસીએલના વીજ થાંભલા સાથે અથડાઈ પલ્ટી મારી ગયો હતો. ટ્રકમાંથી કૂદેલા રવીન્દ્રકુમાર ટ્રકની નીચે દબાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે મૃતકના પિતા માંગીલાલ આશારામ મીણાએ પોલીસને જાણ કરતાં પંચકોશી-એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગેની નોંધ કરીને તપાસ આગળ ધપાવી છે.