જામનગરવાસીઓ પ્રિપેઇડ સ્માર્ટ વિજ મીટર માટે થઇ જાઓ તૈયાર

  • March 16, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરના ઘરે આજે પ્રાયોગીક ધોરણે પ્રથમ મીટર લાગ્યું: તબકકાવાર નિયત વિસ્તારોમાં આગામી સમયમાં મીટર લગાવવાનું શરુ થશે: સૌ પ્રથમ પીજીવીસીએલના કર્મચારીઓના ઘરોમાં લાગશે: વિજ ચોરી હવે કદાચ અશકય બની જશે: લોકોમાં પણ નવા વિજ મીટરને લઇને ભારે ઉત્તેજના

ગુજરાતના કેટલાક શહેરોમાં કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ. યોજના હેઠળ સ્માર્ટ મીટર પ્રોજેકટ હેઠળ જામનગરમાં આજે પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર વાય.આર.જાડેજાના રહેણાંક મકાનમાં સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવામાં આવ્યું હતું, આગામી દિવસોમાં ક્રમાનુસાર સ્માર્ટ મીટર લગાડવામાં આવશે, પ્રથમ પીજીવીસીએલના સ્ટાફ અને અધિકારી-કર્મચારીઓને ત્યાં મીટર લગાવ્યા બાદ શહેરના નકકી કરેલા કેટલાક વિસ્તારોમાં આ મીટર લગાડાશે. આવનારા દિવસોમાં વિજ ચોરી હવે કદાચ અશકય બની જશે, નવા મીટરને લઇને લોકોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઇ છે.
જાણવા મળતી માહિતી મુજબ આજે પીજીવીસીએલના અધિકારીઓની હાજરીમાં અધિક્ષક ઇજનેરને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. જામનગર શહેરમાં પ્રથમ તબકકામાં કેટલાક વિસ્તારોમાં મીટર લગાવવામાં આવનાર છે જેનો આજથી પ્રારંભ થયો છે. જો કે આખા જામનગરમાં સ્માર્ટ મીટર લાગતા સારો એવો સમય લાગશે. સ્માર્ટ મીટર લાગવાથી ડાયરેકટ જોડાણ, લંગરીયા તેમજ મીટર ચેડા સહિતની પ્રવૃતિઓ મોટા ભાગે વિજ ચોરીમાં સારો એવો ફરક પડશે.
જામનગરમાં કેટલાક વિસ્તારોમાં અવારનવાર વિજ ચોરી પકડવા માટે પીજીવીસીએલ દ્વારા અભિયાન શરુ કરવામાં આવે છે, અઠવાડીયાથી લાખો રુપિયાની વિજ ચોરી પકડાય છે, ગઇકાલે પણ ૧૬ લાખથી ઉપર વિજ ચોરી પકડાઇ છે, નવા સ્માર્ટ મીટર આવવાથી હવે ડાયરેકટ વિજ જોડાણ કે લંગરીયા મારફત કદાચ વિજ ચોરી અટકે તેવી શકયતા છે, શહેરના બેડી, જોડીયા ભુંગા, ગાંધીનગર, પટેલકોલોની, પાણાખાણ, ટીટોડીવાડી, પટણીવાડ, સહિતના અનેક વિસ્તારોમાં અવારનવાર વિજ ચોરી પકડાય છે, હવે સ્માર્ટ મીટર આવવાથી વિજ ચોરી અટકશે.
જામનગરમાં આજથી સ્માર્ટ મીટર લગાવવાની શરુઆત થઇ ચૂકી છે ત્યારે લોકો પણ આ મીટર કેવું હશે ? તેની જાણકારી મેળવવા પ્રયાસો કરી રહ્યા છે અને લોકોમાં પણ ઉત્તેજના છે કે આ પ્રકારનું મીટર કેવું હશે, જો કે પ્રથમ તબકકામાં તો પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓના ઘેર લગાડવામાં આવશે, ત્યારબાદ ચોકકસ વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવાશે.
જામનગર ઉપરાંત દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ ધીરે-ધીરે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરુ કરવામાં આવશે, ત્યારે દ્વારકામાં કઇ તારીખથી આ પ્રકારના મીટર લગાડાશે તે નકકી થયું નથી, હાલ તો બંને જિલ્લા જામનગર પીજીવીસીએલના અન્ડરમાં આવતા હોય ત્યારે સ્માર્ટ પ્રિપેઇડ મીટર આવવાથી ચોકકસ પણે પીજીવીસએલને ફાયદો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application