આફ્રિકાના શિંગડા (હોર્ન ઓફ આફ્રિકા) તરીકે ઓળખાતા દેશ ઇથિયોપિયામાંથી એક અત્યંત દર્દનાક અને મોટી માર્ગ દુર્ઘટના સામે આવી છે. દેશના ઉત્તરી અમ્હારા (Amhara) પ્રદેશમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી એક બસ અચાનક રોડ પરથી નીચે ઉતરીને ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ડ્રાઇવર સહિત અત્યાર સુધીમાં ૩૧ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૩૩ થી વધુ મુસાફરો ગંભીર અને સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયા છે.
કોમ્બોલ્ચા નગર પ્રશાસનના પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સોમવારે વહેલી સવારે સર્જાયો હતો. બસ ડેસી (Dessie) નામના વિસ્તારમાંથી મુસાફરોને ભરીને ઇથિયોપિયાની રાજધાની અદીસ અબાબા તરફ જઈ રહી હતી. આ દરમિયાન વહેલી સવારે કોમ્બોલ્ચા તરફ જવાના પહાડી માર્ગ પર ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી પહાડી ખડક પરથી નીચે ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
એમ્બ્યુલન્સ અને સુવિધાઓના અભાવે મોતે તાંડવ મચાવ્યું
અકસ્માત બાદ સ્થાનિક સ્તરે વહીવટીતંત્રની મોટી લાપરવાહી અને પછાતપણું પણ સામે આવ્યું છે. દુર્ઘટના ઘટી તે વિસ્તારમાં પાયાની માળખાગત સુવિધાઓ અને સરકારી એમ્બ્યુલન્સ સેવાઓનો ઘોર અભાવ હતો. આ કારણે ઇમરજન્સી મેડિકલ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં ઘણો વિલંબ થયો હતો.
લોહીલુહાણ હાલતમાં તડપી રહેલા ઘાયલ મુસાફરોને બચાવવા માટે અંતે સ્થાનિક લોકોએ ખાનગી અને અન્ય જાહેર વાહનોનો આશરો લેવો પડ્યો હતો. સમયસર સારવાર ન મળવાના કારણે હોસ્પિટલ પહોંચતા પહેલા જ ઘણા લોકોએ દમ તોડી દીધો હતો, જેના લીધે શરૂઆતમાં ૨૮ રહેલો મૃતાંક વધીને ૩૧ પર પહોંચી ગયો હતો.
જોખમી પહાડી રસ્તો અને તપાસના આદેશ
પોલીસ કમાન્ડર ગેટાચેવ મુહિયેએ સરકારી મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, જે પહાડી માર્ગ પર આ અકસ્માત થયો છે તે ખૂબ જ સાંકડો, વળાંકવાળો અને જોખમી માનવામાં આવે છે. હાલમાં આ અકસ્માત પાછળ વાહનની ટેકનિકલ ખામી જવાબદાર હતી કે ડ્રાઇવરની બેદરકારી, તેની સઘન તપાસ ચાલુ કરવામાં આવી છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ડેસી અને કોમ્બોલ્ચાની સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે.
અત્રે નોંધનીય છે કે, ઇથિયોપિયામાં ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે અવારનવાર આવા મોટા અકસ્માતો સર્જાય છે. આ અગાઉ ડિસેમ્બર ૨૦૨૪માં પણ ઇથિયોપિયાના દક્ષિણ સિદામા પ્રદેશમાં એક બસ નદીમાં ખાબકી જતાં ૬૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.