ગુજરાતનો આર્થિક ડંકો: એપ્રિલ 2025માં ₹14,970 કરોડનો વિક્રમી GST વસૂલ્યો

  • May 04, 2025 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતે એપ્રિલ 2025માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વસૂલાતમાં એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. રાજ્ય સરકારે આ મહિનામાં ₹14,970 કરોડનો GST વસૂલ્યો છે, જે દર્શાવે છે કે ગુજરાતનું અર્થતંત્ર મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે. આ આંકડો અનેક મોટા રાજ્યોની સરખામણીએ પણ ઘણો ઊંચો છે.


એપ્રિલ 2024ની સરખામણીમાં ગુજરાતના GST કલેક્શનમાં 13 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ દમદાર પ્રદર્શન રાજ્યની આર્થિક નીતિઓ અને વેપાર-ઉદ્યોગમાં થયેલા વિકાસને આભારી છે. નિષ્ણાતો માની રહ્યા છે કે GST વસૂલાતમાં આ વધારો રાજ્ય સરકારને વિકાસના વધુ કાર્યો હાથ ધરવામાં મદદરૂપ થશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ વિકાસના રોલ મોડલ તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરનાર ગુજરાતે એકવાર ફરીથી આર્થિક મોરચે પોતાની તાકાત દર્શાવી છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા છેલ્લા સત્તાવાર આંકડા મુજબ, એપ્રિલ 2025માં ગુજરાતની GST વસૂલાત વાર્ષિક ધોરણે 13 ટકાના ગ્રોથ સાથે ₹14,970 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. આ માત્ર રાજ્યની મજબૂત બની રહેલી આર્થિક પ્રવૃત્તિઓને જ દર્શાવતું નથી, પણ રાજ્ય સરકારની વ્યવસાયો માટેની અનુકૂળ નીતિઓ અને કાર્યક્રમોની સફળતાનું પ્રતિબિંબ પણ છે. આ આંકડા ભારતના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને પણ દર્શાવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘વિકસિત ગુજરાત@2047’ના રોડમૅપ દ્વારા સ્વતંત્રતાની શતાબ્દી સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’માં ટોપ અચીવર બનવાથી લઇને સ્ટાર્ટઅપ રેંકિંગમાં બેસ્ટ પર્ફોર્મરનો ખિતાબ પ્રાપ્ત કરનાર ગુજરાત આજે વૈશ્વિક વ્યાપાર પરિદૃશ્યમાં એક ચમકતો તારો બનીને ઉભરી આવ્યું છે.

ગુજરાતે ₹14,970 કરોડનું રેકોર્ડ GST કલેક્શન કર્યું
એપ્રિલ 2025માં ગુજરાતનું GST કલેક્શન ₹14,970 કરોડ રહ્યું છે, જે એપ્રિલ 2024ના ₹13,301 કરોડની સરખામણીએ 13 ટકાનો વધારો દર્શાવે છે. GST કલેક્શનના મામલે ગુજરાત મહારાષ્ટ્ર (₹41,645 કરોડ) અને કર્ણાટક (₹17,815 કરોડ) પછી દેશમાં ત્રીજા ક્રમે છે. જોકે, GST કલેક્શનના ગ્રોથની દ્રષ્ટિએ જોઇએ તો એપ્રિલ 2024માં મહારાષ્ટ્રનો ગ્રોથ 13 ટકા હતો, જે એપ્રિલ 2025માં ઘટીને 11 ટકા થયો છે. જ્યારે ગુજરાતે 13 ટકાનો પોતાનો ગ્રોથ જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, નાણાંકીય વર્ષ 2024-25માં ગુજરાતે GSTમાંથી ₹73,281 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે નાણાંકીય વર્ષ 2023-24ના ₹64,133 કરોડની સરખામણીએ 14 ટકાનો વધારો દર્શાવે છે.

GST કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતા આગળ
ગુજરાતે ₹14,970 કરોડનું રેકોર્ડ GST કલેક્શન કરીને તમિલનાડુ (₹13,831 કરોડ), મધ્યપ્રદેશ (₹5,302 કરોડ), પશ્ચિમ બંગાળ (₹8,188 કરોડ), રાજસ્થાન (₹6,228 કરોડ), ઉત્તરપ્રદેશ (₹13,600 કરોડ), પંજાબ (₹3,104 કરોડ), હરિયાણા (₹14,057 કરોડ) અને બિહાર (₹2,290 કરોડ) જેવા અનેક રાજ્યો કરતા આગળ રહ્યું છે.

નાના અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશમાં 66 ટકા, નાગાલેન્ડમાં 42 ટકા અને મેઘાલયમાં 50 ટકાનો ગ્રોથ થયો છે, જ્યારે લક્ષદ્વીપે 287 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે ભારત સરકારે એપ્રિલ 2025માં ₹2,36,716 કરોડની રેકોર્ડ GST આવક પ્રાપ્ત કરી છે, જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ 12.6 ટકા વધુ છે. આ રીતે ગુજરાતનો GST વસૂલાતનો ગ્રોથ રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ છે.

ઔદ્યોગિક અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓનું યોગદાન
GST કલેક્શન દેશની આર્થિક તંદુરસ્તીનું એક મહત્વપૂર્ણ ઇન્ડીકેટર બની ગયું છે, જે સરકારની આવકમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ગુજરાતે ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ, ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં ઝડપી સુધારા અને અસરકારક કર વસૂલાત પ્રણાલી ઉપરાંત ઘરેલું વપરાશ અને ઉત્પાદનમાં તેજી જેવી મજબૂત આર્થિક પ્રવૃત્તિઓના આધારે GST આવકમાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ દર્શાવે છે કે ગુજરાત 'વિકસિત ભારત'ના નિર્માણમાં યોગદાન આપવા માટે દૃઢ પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યું છે.

2017માં લાગુ થયો GST
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ભારતની કર પ્રણાલીને સરળ બનાવવા માટે 1 જુલાઈ 2017થી માલ અને સેવા કર (GST) અમલમાં મુક્યો હતો. GST એ એક પરોક્ષ કર છે, જે ભારતમાં માલ અને સેવાઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર લાગુ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application