જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ખર્ચના વાયરલ મેસેજ અંગે તપાસ

  • January 16, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે કમિટી તપાસ કરી ચૂકી છે અને હવે હાયર કમિટી દ્વારા અમે તપાસ કરાવી રહ્યા છીએ-ડીન ડો. નંદિની દેસાઇ: સોશ્યલ મીડીયામાં ખર્ચની વિગતો ફરતી થયા બાદ જાગેલા વિવાદ પર આપ્યો અભિપ્રાય: પોલીસ દ્વારા પણ ડીન પાસેથી વિગતો મેળવાઇ

જામનગરની જી.જી. હોસ્પિટલ અવારનવાર વાદવિવાદમાં સપડાઇ છે ત્યારે ગાયનેક વિભાગ દ્વારા જુનિયર ડોકટરોને સિનીયરો માટે ચા, કોફી, નાસ્તાના અને જમવાના રુપિયા આપવા પડે છે તેવી વાત સોશ્યલ મીડીયામાં ફેલાયા બાદ તાબડતોબ ડીન ડો. નંદિની દેસાઇએ બે કમિટી નીમી હતી અને તેનો તપાસ રીપોર્ટ આવી ગયો છે અને હજુ એક ત્રીજી હાયર કમિટી તપાસ કરી રહી છે. આમ, સોશ્યલ મીડીયામાં મેસેજ ફરતો થયા બાદ જાગેલી ચર્ચા બાદ તપાસ વેગવંતી બની છે.
જો કે આ પ્રકરણમાં રેંગીગ જેવી કોઇ વાત જ નથી, તેમ ડીન ડો. નંદિનીબેન દેસાઇએ વાતચીતમાં જણાવ્યું છે અને કહ્યું છે કે અમે જુનિયર ડોકટરના એસોસીએશનને પણ સાંભળ્યું છે, ત્યારે આ અંગે કંઇ તપાસમાં નીકળ્યું નથી, છતાં પણ અમે લોકોએ ચા, નાસ્તા અને જમવાનું પણ ત્યાં બંધ કરાવી દીધું છે.
સોશ્યલ મીડીયામાં અહેવાલ આવ્યા બાદ તબીબી આલમમાં ભારે ચર્ચા જાગી હતી અને ગાયનેક જુનિયર ડોકટરો સિનીયરોને ચા, પાણી, નાસ્તાના રુપિયા આપે છે, આવી વાત બહાર આવતા પ્રથમ તબક્કાની કમિટી નીમવામાં આવી હતી, ત્યારબાદ ત્રણ સિનીયરો ડોકટરો ડો. મનીષ મહેતા, ડો. વંદના ત્રિવેદી અને ડો. હર્ષની તપાસ સમિતિનો અહેવાલ આવી ગયો છે અને તેમાં પણ કંઇ વાંધાજનક નીકળ્યું નથી, છતાં પણ અમે હાયર કમિટીની રચના કરીને તપાસ કરાવી રહ્યા છીએ, અમારી પાસે એન્ટી રેંગીગ કમિટી અને ક્યુઆર કોડ પણ છે, છતાં પણ અમે જુનિયર ડોકટરના એસોસીએશન સાથે ચર્ચા વિચારણા કરી છે તેઓએ પણ કોઇપણ જાતની ફરિયાદ કરી નથી અને પોલીસ ખાતા તરફથી અમને પૂછવામાં આવ્યું છે અને કોઇએ ગ્રુપમાં લખ્યું હતું અને આ વાત લીક થઇ હતી, વર્ષોથી આ પ્રકારનું ચાલ્યું આવતું હોય છે, પ્રથમ અને દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા લોકો સાથે બેસીને ચા, પાણી, નાસ્તો અને જમતા હોય છે, છતાં પણ અમે આ બનાવ બન્યા બાદ આ વસ્તુ બંધ કરાવી દીધી છે.
હોસ્પિટલમાં રેંગીગની કોઇ ઘટના જ નથી, તે વાત પર ભાર મુકતા ડો. નંદિની દેસાઇએ કહ્યું હતું કે, છતાં પણ અમે રેસીડન્ટ ડોકટર પાસેથી લેખિત જવાબ માંગવાના છીએ અને આ પ્રકારની કાર્યવાહી કરી દીધી છે, એટલું જ નહીં કોલેજ કાઉન્સીલના રર વિભાગના વડા સાથે મીટીગ યોજી છે, સોશ્યલ મીડીયામાં આ વાત મુકાતા હોબાળો મચી ગયો હતો, પરંતુ રેંગીગ જેવી કોઇ ઘટના નથી, પરંતુ હાયર કમિટી પર એક-બે દિવસમાં તેનો અહેવાલ આપી દેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application