RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ

  • April 28, 2025 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની ફાળવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યની ખાનગી શાળાઓમાં ઉપલબ્ધ 93 હજાર બેઠકોમાંથી કુલ 86,274 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.


અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહીં RTE હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે કુલ 14,600 બેઠકો ઉપલબ્ધ હતી, જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 14,088 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. શહેરની આ 14,600 બેઠકો માટે અંદાજે 36 હજાર જેટલા અરજી ફોર્મ ભરાયા હતા. જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, તે શાળાઓને હવે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આગામી સમયમાં પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ પણ હાથ ધરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, RTE એક્ટ ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર આપે છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાનો છે. ખાનગી શાળાઓએ તેમની કુલ બેઠકોમાંથી 25% બેઠકો RTE હેઠળ આવતા આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકો માટે અનામત રાખવાની હોય છે. આ કાયદો એ પણ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ બાળકને પ્રવેશથી વંચિત ન રાખવામાં આવે અને તેમની સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન કરવામાં આવે. શાળાઓ બાળકોને શારીરિક કે માનસિક ત્રાસ પણ આપી શકે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application