કાલાવડના હરીપર મેવાસામાં ફાયરીંગ: બાળકી, મહિલા સહિત સાત ઘાયલ

  • November 09, 2024 12:37 PM 

શેરીમાં ફટાકડા ફોડવા બાબતે માથાકુટ થતા મામલો બિચકયો : ડબલ બેરલ બંદુક અને દેશી હથિયારથી ભડાકા કરતા સનસનાટી : ફાયરીંગ ઉપરાંત છરી, પથ્થરો વડે હુમલો કરાયો : ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખસેડાયા : ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કાફલામાં દોડધામ


કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં ગત રાત્રીના ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે માથાકુટ થતા મામલો ફાયરીંગ સુધી પહોચ્યો હતો અને બે શખ્સોએ ભડાકા કરતા યુવાન, મહિલા, બાળકી સહિત સાતને ઇજાઓ પહોચતા તાબડતોબ જામનગરની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ફાયરીંગની ઘટના સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા, નાશી છુટેલા આરોપીઓને પકડી પાડવા ટીમો દોડતી કરવામાં આવી હતી, દરમ્યાન બનાવ અંગે હરીપર મેવાસા ગામના ચાર શખ્સો વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.


કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામે ગત રાત્રીના સવા દસ વાગ્યાના સુમારે અહીં રહેતા યુવાન સહિતના શેરીમાં ફટાકડા ફોડતા હતા, ફટાકડા ફોડવા જેવી બાબતમાં માથાકુટ થઇ હતી અને ફાયરીંગ અને હથિયારોથી હુમલો થતા ભારે દોડધામ મચી ગઇ હતી, ગામમાં ચકચાર ફેલાઇ હતી અને ગ્રામ્ય પોલીસની ટુકડી મારતી મોટરે ઘટના સ્થળે દોડી ગઇ હતી, બીજી બાજુ ઇજાગ્રસ્તોને સારવાર માટે તાબડતોબ જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર આપવામાં આવી હતી.


હોસ્પીટલ ખાતે મોડી રાત સુધી ચહલ પહલ જોવા મળી હતી અને હરીપર મેવાસા ગામે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જી.જી. હોસ્પીટલ ખાતે સારવારમાં આવેલા ઇજાગ્રસ્તોમાં હરીપર મેવાસાના તાજુનભાઇ કાસમભાઇ હાલાણી (ઉ.વ.50), તમન્ના તાજુલ હાલાણી (ઉ.વ.20), સીમરનબેન, અસ્લીહા શકીલભાઇ મથુપોત્રા (ઉ.વ.02), આયેશુબેન ફીરોજભાઇ હાલાણી (ઉ.વ.42)નો સમાવેશ થાય છે, ઇજાગ્રસ્તો પૈકીના એક વ્યકિતને પગના ભાગે ગંભીર ઇજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે.


બનાવની જાણ થતા જામનગર ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા તથા કાલાવડ ગ્રામ્યના પીઆઇ એન.બી. ડાભી સહિતનો કાફલો દોડી ગયો હતો, ફાયરીંગ કરીને નાશી છુટેલા શખ્સોની શોધખોળ માટે ટીમો દોડતી કરવામાં આવી હતી.


દરમ્યાનમાં ઉપરોકત બનાવ અંગે હરીપર મેવાસા ગામમાં રહેતા ખેતીકામ કરતા ફીરોજભાઇ કાસમભાઇ હાલાણી (ઉ.વ.45)એ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હરીપર મેવાસા ગામના યુનુસ તૈયબ હાલેપોત્રા, આસીફ તૈયબ હાલેપોત્રા, આમીન યુનુસ હાલેપોત્રા અને મામદ નાથા સમા નામના ચાર ઇસમો વિરુઘ્ઘ્ બીએનએસ કલમ 109, 115(2), 352, 351(2)(3), 125(એ), 54 તથા આર્મ્સ એકટ તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.


ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી ફીરોજભાઇ તથા આરોપી યુનુસને શેરીમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી ઝઘડો થતા યુનુસ હાલેપોત્રાએ મારી નાખવાના ઇરાદે પોતાની પાસે રહેલી ડબલ બેરલવાળી બંદુક દ્વારા ફાયરીંગ કર્યુ હતું, સાહેદોને ઇજાઓ પહોચાડી હતી તેમજ આરોપી આસીફે છરી વડે સાહેદ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી.


આરોપી આમીને ફરીયાદી તથા સાહેદો પર પથ્થરોના છુટા ઘા કયર્િ હતા તેમજ આરોપી મામદે કોઇ હથીયાર વડે ફાયરીંગ કર્યુ હતું તેમજ ચારેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને જેમ તેમ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દઇ હથીયારબંધી તથા જાહેરનામાનો ભંગ કરી એકબીજાને મદદગારી કરી નાશી છુટયા હતા. ફાયરીંગની ઘટનાના પગલે નાના એવા હરીપર મેવાસા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ફરીયાદ અનુસંધાને આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટુકડીઓને દોડતી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application