રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ નજીક ગઈકાલે સમી સાંજના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગર અને નવાગામના બે પરિવારોના છ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં એક આઠ મહિનાની બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માતની આ ઘટના બાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. અહીં હાઇવે પર કામ ચાલી રહ્યું હોય દરમિયાન કોઈએ ગેરકાયદે રીતે ડિવાઈડર તોડી નાખ્યું હતું. ત્યાંથી ટ્રક ચાલકે ટર્ન મારી રોંગ સાઈડમાં ટ્રક હંકારી રિક્ષાને કચડી નાખી હતી.
અકસ્માતની આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ બનાવસ્થળે દોડી ગયા હતા. ઘટના બાદ ટ્રક ચાલક વાહન રેઢુ મૂકી નાસી ગયો હતો. હાલ આ મામલે પોલીસે ટ્રકચાલક સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ચોટીલા પ્રસંગમાં જવા માટે નીકળેલા પરિવારના છ સભ્યોએ અકસ્માતમાં જીવ ગુમાવતા વાતાવરણ શોકમ બની ગયું હતું.
ગઈકાલ સમી સાંજના માલીયાસણ નજીક ચાંદની હોટલ પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રકે રીક્ષાને હડફેટે લઈ તેનો કચ્ચરધાણ બોલાવી દીધો હતો. રિક્ષામાં બેઠેલા લોકોની મરણચીસોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. રીક્ષા ટ્રક નીચે ફસાઈ ગઈ હતી. ઘટનાના પગલે અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. બીજી તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને લોકોએ ભારે જેહમત ઉઠાવી રીક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢી ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં શારદાબેન ઝીણાભાઈ નકુમ (ઉ.વ ૬૦), રીક્ષાચાલક યુવરાજ રાજુભાઈ નકુમ(ઉ.વ ૩૦) તેની પત્ની શીતલ (ઉ.વ ૨૯) તેની બહેન ભૂમિ (ઉ.વ ૨૨) નંદિની સાગરભાઇ સોલંકી (ઉ.વ ૨૯) અને આઠ માસની બાળકી વેદાંશી સાગરભાઇ સોલંકીને મૃત જાહેર કર્યા હતા અને અકસ્માતની આ ઘટનામાં આનદં વિક્રમભાઈ સોલંકી (ઉ.વ ૨૪) હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અકસ્માતના આ બનાવની વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક યુવરાજ રાજુભાઈ નકુમ મંગળવારે સવારે રિક્ષામાં પત્ની શીતલ, બહેન ભૂમિને બેસાડી રાજકોટના નવાગામમાં રહેતા તેના ફઈ શારદાબેન ઝીણાભાઈ નકુમના ઘરે આવ્યા હતા. ત્યાંથી શારદાબેન તથા નવાગામમાં જ રહેતા સંબંધી આનદં સોલંકી અને નંદીની સાગરભાઇ સોલંકી તથા તેની પુત્રી વેદાંશીને રિક્ષામાં બેસાડયા હતા અને બંને પરિવારના ૭ સભ્યો ચોટીલા પ્રસંગમાં જવા માટે નીકળ્યા હતા. દરમિયાન માલિયાસણ પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રકે રિક્ષાને હડફેટે લીધી હતી.
અકસ્માતની આ ઘટના બાદ જિલ્લા કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી સજનસિંહ પરમાર, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી આર.એસ.બારીયા, આરટીઓ કે.એમ.ખપેડ સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ બનાવસ્થળે તથા હોસ્પિટલે દોડી ગયો હતો.
અકસ્માતની આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે જ્યાં અકસ્માતની ઘટના બની ત્યાં કોઈએ ગેરકાયદે રીતે ડિવાઈડર તોડી નાખ્યું હોય દરમિયાન ટ્રક ચાલકે આ તૂટેલા ડિવાઈડર પાસેથી ટર્ન મારી રોંગ સાઈડમાં વાહન ચલાવ્યા બાદ કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ પ્રકારે ગેરકાયદે ડિવાઈડર કોણે તોડ્યું તે અંગે કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ અકસ્માતની આ ઘટના બાદ ટ્રકચાલક વાહન રેઢુ મૂકી નાસી ગયો હોય અને છ વ્યકિતની જિંદગી ભરખી જનાર ટ્રક ચાલક સામે સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અકસ્માતની આ ઘટના બાદ બનાવસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને રીક્ષામાં ફસાયેલા વ્યકિતઓને બહાર કાઢવા માટે મદદપ બન્યા હતા. બીજી તરફ અહીં હાઇવે પરથી ટ્રકને દૂર કરવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. અકસ્માતની આ ઘટના બાદ હાઈવે પર ૧૦ કી.મી સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે આ ટ્રાફિક કલીયર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
ઘટના નજરે જોનારના નિવેદનો લેવાશે, હાઇવેના સીસીટીવી ફૂટેજો ચકાસવામાં આવશે
એક બાળકી સહિત છ જિંદગીને ભરખી જનાર ગોઝારા અકસ્માતની આ ઘટના બાદ અકસ્માત કઈ રીતે બન્યો? તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અકસ્માતની આ ઘટના નજરે નિહાળનારના નિવેદનો લેવામાં આવશે. એટલું જ નહીં રાજકોટ–કુવાડવા હાઇવે પરના સીસીટીવી ફૂટેજો પણ ચકાસવામાં આવશે.
ઈજાગ્રસ્તે સીપીને કહ્યું, સાહેબ ટ્રક ચાલકને છોડતા નહીં
ગોઝારા અકસ્માતની ઘટના બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ સિવિલ હોસ્પિટલે પહોંચી ઇજાગ્રસ્ત આનદં વિક્રમભાઈ સોલંકીની તબીયત અંગે પૃચ્છા કરી હતી. ત્યારે ઇજાગ્રસ્ત યુવાને પોલીસ કમિશનરને કહ્યું હતું કે સાહેબ ટ્રકના ડ્રાઇવરને છોડતા નહીં તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરજો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationહિટ એન્ડ રન વધુ એક બનાવ જામનગરમાં બન્યો: વિધાર્થી ને ઠોકર મારી ને કાર ચાલક ફરાર
February 26, 2025 05:05 PMવોકિંગ ક્યારે કરવું? સવારે કે સાંજે? ઝડપથી વજન ઘટાડવા બેમાંથી કયું વધુ ફાયદાકારક?
February 26, 2025 04:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech