સિટી બસની ગત વર્ષની ખોટ રૂ.૨૮ કરોડ, આ વર્ષે ૩૫ કરોડની ખાધ થવાનો અંદાજ

  • April 19, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો હેતુ કદી નફો કરવાનો હોય શકે નહીં પરંતુ ખોટ કરવી તેવો પણ નથી, સેવા પૂરી પાડવી અને વધુમાં વધુ નાગરિકો સુધી સેવાનો વ્યાપ પહોંચાડવો એ જ મુખ્ય ધ્યેય હોય છે પરંતુ રાજકોટ મહાપાલિકાની સિટી બસ સેવામાં તો બારેય મહિના ખોટના જ હિસાબો થાય છે. ખોટ કેટલી વધી અને ખોટ કેટલી ઘટી તેવા જ હિસાબો થાય છે નફાનું તો નામો નિશાન જોવા મળતું નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર સબસીડી આપે છે તેમ છતાં દર વર્ષે ખાધ પડે છે.

વિશ્વસનીય વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં સિટી બસ સેવાની ખોટ રૂ.ર૫ કરોડ હતી, ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં બસોની સંખ્યા વધતા રૂ.૩૫ કરોડની ખોટ જવાનો અંદાજ છે ! સિટી બસ કાંડ બાદ સમગ્ર સેવાની સમીક્ષા કરવાનો સમય હવે પાકી ગયો છે.

વિશેષમાં વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી સીએનજી સિટી બસ માટે પ્રતિ કિમી દીઠ સબસીડી પેટે રૂ.૧૮ અને ઇલેક્ટ્રિક સિટી બસ માટે પ્રતિ કિમી દીઠ રૂ.૩૦ સબસીડી આપવામાં આવે છે તેમ છતાં સીએનજી સિટી બસનો પ્રતિ કિમી દીઠ સંચાલકીય ખર્ચ રૂ.૬૫ અને ઇલેક્ટ્રિક બસનો પ્રતિ કિમી દીઠ સંચાલકીય ખર્ચ રૂ.૫૩ થાય છે. ઉપરોક્ત સંચાલકીય ખર્ચમાં ફ્યુઅલ ઉપરાંત સ્ટાફનો પગાર, સુરક્ષા ખર્ચ તેમજ અન્ય આનુસંગિક અને પરચુરણ ખર્ચ પણ સમાવિષ્ટ છે.

રાજકોટ મહાપાલિકા દ્વારા હાલમાં કુલ ૨૨૪ સિટી બસ દોડાવાઇ રહી છે જેમાં ૧૦૦ સીએનજી બસ અને ૧૨૪ ઇલેક્ટ્રિક બસ છે. પીએમઆઇ-નવી દિલ્હી અને નારાયણમ નામની બે એજન્સી પાસે સમગ્ર સિટી બસ સેવાનો અલગ અલગ કોન્ટ્રાકટ છે. અહીં સો મણનો સવાલ એ છે કે મહાપાલિકા અને કોન્ટ્રાકટર એજન્સી બન્ને વચ્ચેના કરારમાં જો કોઈ એકને ખોટ જતી હોય તો સામા પક્ષે કોઇ એકને નફો થતો જ હોવો જોઇએ. એકંદરે રાજકોટમાં કોન્ટ્રાકટર કમાય રહ્યા છે અને મહાપાલિકા તંત્ર લૂંટાઇ રહ્યું હોય તેવી સ્થિતિ છે.

સિટી બસ કાંડમાં ચાર નિર્દોષ નાગરિકોના મોત બાદ રાજકોટની જનતામાંથી એવા સવાલો પણ ઉપસ્થિત થઇ રહ્યા છે કે મહાપાલિકા તંત્ર સિટી બસ સેવાનું સંચાલન કોન્ટ્રાક્ટરને સોંપીને શા માટે આટલી હદે ખોટ ખાઇ રહ્યું છે ? કોન્ટ્રાકટર એજન્સીઓને ટર્મિનેટ અને બ્લેક લિસ્ટ કરીને મહાપાલિકા તંત્ર પોતે સંપૂર્ણ સંચાલન પોતાના હસ્તક શા માટે લઇ લેતું નથી..!?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application