જામનગરમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાં લોકોને જાગૃત કરવા ઝુંબેશ

  • February 11, 2026 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ધરારનગર ૧ અને ર વિસ્તારમાં કોલેરાના ૧૫ જેટલા કેસ નોંધાયા છે. ૩૭ લોકોને ઝાડા ઉલ્ટીની અસર થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમાંથી ગઇકાલ સુધીમાં ૧૪ દર્દીઓની તબિયત સારી થઇ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મહાપાલિકાની ૨૭ ટીમો સતત આ વિસ્તારમાં કામ કરી રહી છે. 


જાણવા મળતી માહિતી મુજબ મ્યુ.કમિશનર ડી.એન.મોદીની સુચનાથી કોલેરા નિયંત્રણના ઇન્ચાર્જ અધિકારી મુકેશ વરણવા, મુખ્ય આરોગ્ય અધિકારી ડો. હરીશ ગોરી, વોટરવર્કસના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલ, નાયબ ઇજનેર ચારણીયા, સહિતનાં અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે અને દરરોજ સાંજે મ્યુ.કમિશનરને ડેઇલી રીપોર્ટ આપી રહ્યા છે. આજકાલ સાથેની વાતચીતમાં ડો. ગોરીએ જણાવ્યું હતું કે ગઇકાલ સાંજ સુધીમાં ૯૩ હજાર કલોરીનની ટેબલેટ અને ૧૩૩૬ ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આજે પણ સતત ટીમો કાર્યરત છે. 


એવી વિગતો જાણવા મળી છે કે મસ્જીદમાંથી પણ એલાન કરીને લોકોને પાણીમાં કલોરીનની ટેબલેટ નાખીને તેમજ ઉકાળીને પાણી પીવાની વિનંતિ કરવામાં આવી છે. કુલ ૩૭માંથી ૧૪ દર્દી ડીસ્ચાર્જ થયા છે અને હવે ૧૫ દર્દીઓ દાખલ છે, જેમાં કેટલાકના નમુના લેબમાં મોકલાયા છે તેમનો રિપોર્ટ સાંજ સુધીમાં આવી જશે. કોર્પોરેશન દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં લોકોને જાગૃત કરવા ખાસ ઝુંબેશ કરાઇ છે. વિનામુલ્યે ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે સાંજે મુખ્ય પાણીની પાઇપલાઇન આખી વોશીંગ કરવામાં આવી હતી અને આજથી હવે આ પાઇપલાઇનમાંથી પાણી આપવામાં આવશે. કોલેરા અંગે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

જિલ્લા કલેકટર કેતન ઠક્કરે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બે દિવસથી નવા કોઇ કોલેરાના કેસ નથી એટલે અન્ય વિસ્તારમાં કોઇ જાહેરનામુ  બહાર પાડવામાં આવ્યુ નથી. કોલેરા નિયંત્રણમાં છે અને ૧૪ થી વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ કોલેરા વધુ ન વકરે તે માટે તંત્ર સચેત બની ગયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application