CM ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી લોન્ચ કરી, ૫૦ હજારથી વધુ નવી રોજગાર તકોની સંભાવના

  • February 11, 2025 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦)નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચીંગ કર્યું હતું.  ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલોપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવીટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રીએ આ પોલિસીનું લોન્ચીંગ ગિફ્ટ સિટીના મેનેજીંગ ડિરેક્ટર તપન રે તેમજ નિતી આયોગના ડિરેક્ટર દેબજાની ઘોષ અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારની ઉપસ્થિતીમાં કર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતમાં સેક્ટર સ્પેસીફિક પોલિસીઝ ફ્રેમવર્કથી નવા અને ઈમર્જીંગ સેક્ટરના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ ઉભું કર્યું છે.  સરકારે પણ પાછલા ૩ વર્ષોમાં સેમીકન્ડક્ટર પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, IT અને ITeS પોલિસી, ટેક્ષટાઇલ પોલિસી, રીન્યુએબલ એનર્જી પોલિસી તથા બાયોટેક્નોલોજી પોલિસી જેવી ઈમર્જીંગ સેક્ટર્સની અનેક પોલિસીઝ જાહેર કરી છે.   


રાજ્યના પોલિસી ડ્રીવન ગ્રોથની કડીમાં આગળ વધતાં હવે ૨૦૨૫થી ૩૦ના પાંચ વર્ષ માટે નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીની તેમણે જાહેરાત કરી હતી.
આ પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર્સ માટે રોજગાર સહાય, વ્યાજ સહાય, ઇલેક્ટ્રીસિટી રીએમ્બર્સમેન્ટ સહિત વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે. આ પોલિસીને પરિણામે રાજ્યમાં હવે ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો થયો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.


ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇનોવેશન અને બિઝનેસ રિજ઼િલીઅન્સને  મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, શરૂઆતમાં કોસ્ટ સેવિંગ યુનિટ તરીકે બનાવવામાં આવેલા GCCs  હવે  સ્ટ્રેટેજીક ઇનોવેશન હબ બની ગયા છે અને ટેક્નોલોજી, ફાઇનાન્સ, એનાલિટિક્સ એન્જીનિયરિંગ અને R&D જેવા વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે . એટલું જ નહિ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત જેવા શહેરોમાં ગિફ્ટ સિટી અને ઇનોવેશન ક્લસ્ટર જેવા મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ગુજરાતને ઈમ્પોર્ટન્ટ પ્લેયર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી રહ્યા છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.


આ ગુજરાત ગ્લોબલ કેપેબીલીટિ સેંટર પોલિસીનું વિઝન ઇનોવેશનને પ્રોત્સાહન આપવા સાથે વિશ્વસ્તરીય પરિસ્થિતિનું નિર્માણ કરીને ગુજરાતને GCCs માટેનું અગ્રણી સ્થાન બનાવવાનું છે તેમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં દેશમાં ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સને પ્રોત્સાહન આપીને નાના શહેરોના ટેલેન્ટ પુલને અવસરો મળે તે માટે ખાસ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની આ GCC પોલિસી પણ વડાપ્રધાનના વિઝન અને યુવાઓ માટેના મિશન બન્નેને પરિપૂર્ણ કરશે તથા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @ ૨૦૪૭ના નિર્માણની દિશામાં પ્રોત્સાહક બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.  

ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીની મુખ્ય વિશેષતાઓ  

  •  પોલિસી અંતર્ગત ગુજરાતમાં ઓછામાં ઓછા 250 નવા GCC યુનિટ્સ સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આનાથી રાજ્યમાં 50,000થી વધુ નવી નોકરીઓ ઉભી થશે.
  • GCC પોલિસીને પરિણામે રાજ્યમાં રૂ.10,000 કરોડથી વધુનું રોકાણ પણ થશે.
  • પોલિસી રૂ.250 કરોડથી ઓછા GFCI ધરાવતા એકમો માટે રૂ.50 કરોડ સુધીની અને રૂ.250 કરોડથી વધુ GFCI ધરાવતા એકમો માટે રૂ.200 કરોડ સુધીની CAPEX સહાય પૂરી પાડશે.
  • પોલિસી રૂ.250 કરોડથી ઓછા GFCI ધરાવતા એકમો માટે રૂ.20 કરોડ સુધીની અને રૂ.250 કરોડથી વધુ GFCI ધરાવતા એકમો માટે રૂ.40 કરોડ સુધીની OPEX સહાય પૂરી પાડશે.
  • GCC પોલિસી અંતર્ગત રોજગાર સર્જન માટે વિશેષ પ્રોત્સાહનો પણ આપવામાં આવશે, જેમાં નવા સ્થાનિક કર્મચારીઓને ભરતી કરીને તેમને ઓછામાં ઓછા એક વર્ષ સુધી જાળવી રાખવા માટે એક વખતની સહાય આપવામાં આવશે, તે એક મહિનાના CTCના 50% જેટલી હશે. તેમાં પુરુષ કર્મચારીઓ માટે રૂ. 50,000 અને મહિલા કર્મચારીઓ માટે રૂ. 60,000 સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • સ્પેશિયલ ઇન્સેટિવ પોલિસી  હેઠળ,ટર્મ લોન પર 7% વ્યાજ  સબસીડીરૂપે સહાય આપવામાં આવશે જે મહત્તમ રૂ. 1 કરોડની મર્યાદામાં રહેશે. 
  • આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય યોજના,કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ હેઠળ એમ્પ્લોયરના કાયદાકીય યોગદાન અંગે વળતર આપશે,જેમાં મહિલા કર્મચારીઓ માટે 100% અને પુરુષ કર્મચારીઓ માટે 75% સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
  • ગુજરાત સરકારને ચૂકવવામાં આવેલ ઈલેક્ટ્રીસીટી ડ્યુટીની સંપૂર્ણ રકમ પણ પરત કરવામાં આવશે.
  • GCC પોલિસી સ્થાનિક પ્રતિભા અને વર્કીંગ પ્રોફેશનલ્સના કૌશલ્ય વધારવાનો પણ હેતુ ધરાવે છે જેમાં વર્કીંગ પ્રોફેશનલ્સ માટે અભ્યાસક્રમ ફીના 50% સુધી અને અંડરગ્રેજ્યુએટ/ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ ફીના 75% સુધીના પોલિસી ઈન્સેન્ટીવ્સનો સમાવેશ થાય છે.
  • એલિજીબલ યુનિટ્સને ક્વોલિટી સર્ટિફિકેશન માટે સહાય મળશે, જેમાં રૂ.10 લાખની મર્યાદામાં ક્વોલિટી સર્ટિફિકેશન ફીના 80%  સુધીનો ખર્ચ આવરી લેવામાં આવ્યો છે.
    આ પોલિસી લોન્ચિંગ અવસરે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે પોલિસી અંગેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News