બેડીમાં ગુન્હેગારોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર

  • March 18, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એડવોકેટની હત્યામાં સંડોવાયેલા અને હાલ પોલીસ ગિરફતથી દૂર આરોપીઓના સમ્રાજ્યોને તોડવાનું શરુ: જંગી પોલીસ કાફલો ઊતર્યો: મહેબુબ સાયચા અને રઝાક સાયચાના બેડી રોડ તથા માધાપર-ભૂંગા તથા એકડે એક બાપુની જગ્યા પાસે આવેલા ગેરકાયદે બાંધકામોને તોડવા ત્રણ બૂલડોઝર, એક હિટાચી સહિત મોટી ટીમ સવારથી પહોંચી: કુલ પપ હજાર ફૂટ જગ્યા ખાલી કરાવામાં આવશે

ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા, ભાંગફોડિયા અને માફિયા તત્વોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવાના યુપીથી શરુ થયેલાં ઑપરેશન ડિમોલિશનને દેશ આખામાં ચલાવવામાં આવી રહ્યો છે, જામનગરમાં અગાઉ ત્રણે’ક ઑપરેશન થઈ ચૂક્યા છે ત્યારે આજ સવારથી ફરી એક વખત એડવોકેટની હત્યામાં ભાગેડુ એવા સાયચા બંધુઓના જુદા-જુદા સ્થળે આવેલા છ જેટલાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા ઑપરેશન ડિમોલિશન શરુ થયું છે, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અધિકારીઓ સહિત ર૦૦ જેટલો પોલીસ જવાનોનો કાફલો સુરક્ષા માટે તૈનાત કરાયો છે. આ સંવેદનશીલ વિસ્તાર હોવાથી વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે, ત્રણ બૂલડોઝર, એક હિટાચી લઈને પાડતોડ શરુ કરાઈ છે અને જામ્યુકોના સૂત્રોના જણાવ્યા મુજબ પપ હજાર ફૂટ જગ્યા પરથી દબાણ દૂર કરવાનું મૅગા ઑપરેશન ડિમોલિશન શરુ કરાયું છે જેના પગલે ફફડાટ ફેલાઈ ગયો છે.
૧૩ તારીખને બુધવારની સમી સાંજે એડવોકેટ હારુન પલેજાની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી અને આ અંગે સાયચા બંધુઓ સહિત પંદર જેટલાં આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, આરોપીઓને પકડવા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે પરંતુ હજુ હાથમાં નહીં આવ્યા હોવાથી પોલીસે આરોપીઓના ગેરકાયદે બાંધકામોને ટાર્ગેટ કરવાનું શરુ કર્યું છે જેના પગલે જિલ્લા કલેકટરના આદેશથી મહાનગર પાલિકાની ટીમ અને કાયદો વ્યવસ્થા માટે પોલીસ તંત્રએ જોઈન્ટ ઑપરેશન શરુ કર્યું છે.
જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાની સૂચનાથી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આજ સવારના ૭ વાગ્યે  કોર્પોરેશનનો સ્ટાફ અને વહિવટી તંત્રના અધિકારીઓ તેમજ પોલીસ કાફલો બેડી બંદર અને માધાપર-ભૂંગા, એકડે એક બાપુની જગ્યા નજીક સરકારી  જગ્યા ઉપર મકાન બનાવી લેતાં અગાઉ પણ ઑપરેશન કરાયું હતું. આજ સવારે મહેબુબ સાયચાના ચાર મકાન અને  રઝાક સાયચાના માધાપર ભૂંગા અને એકડે એક બાપુની જગ્યા પાસે આવેલા મકાનો ઉપર ત્રણ જેસીબી અને હિટાચી વડે પાડતોડ કરીને ઑપરેશન શરુ કરી દેવામાં આવ્યું હતું.
આ ઑપરેશન દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ખુદ બેડી રોડ ઉપર ડિમોલિશન સ્થળ ઉપર પહોંચી  ગયાં હતાં, એટલું જ નહીં જિલ્લા કલેકટરે મામલતદાર માંકડિયાને પણ સૂચના આપીને સ્થળ પર મોકલ્યા હતાં. સવારથી જ પાડતોડ શરુ થતાં લોકોના ટોળાં એકત્ર થયાં હતાં પરંતુ પોલીસ કાફલો હોવાના કારણે લોકો વિખેરાઈ ગયાં હતાં. ફાયરની ટીમ, પીજીવીસીએલની ટીમ પણ આ મૅગા ઑપરેશનમાં જોડાઈ હતી.
આ મૅગા ઑપરેશનમાં સાંજ સુધીમાં જિલ્લા કલેકટરે તાત્કાલિક છ મકાન તોડી પાડવા આદેશ કર્યો છે અને સાંજ સુધીમાં આ મૅગા ઑપરેશન પૂર્ણ થઈ જશે. કોર્પોરેશનના એસ્ટેટના મુકેશ વરણવા, નીતિન દિક્ષિત, સુનિલ ભાનુશાળી, ફાયરના કે.કે. બિશ્નોય, રાણા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને મહાપાલિકાના સ્ટાફે આ લખાય છે ત્યારે જોરદાર પાડતોડ શરુ કરી દીધી છે.
શહેરમાં આગામી દિવસોમાં હજુ પણ બેડી વિસ્તારમાં જિલ્લા કલેકટરના આદેશ મુજબ અનેક ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને આગામી દિવસોમાં ફરીથી મૅગા ઑપરેશન કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
***
જામનગરમાં ભુમાફીયાઓના ગેરકાયદે સામ્રાજયને મીટાવી દેવા સીટની રચના
જાંબાઝ એસપી પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ કડક કાર્યવાહી : બે ડીવાયએસપી, ૫ પીઆઇ, ૧૫ પીએસઆઇ, ૧૦ ઘોડેશ્ર્વાર જવાનો સહિત પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો

જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં ફરી આજે પોલીસ કાફલા સાથે તંત્ર દ્વારા  મેગા ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, એસપી પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ ડીવાયએસપી, પીઆઇ સહિતનો ૨૦૦ પોલીસનો કાફલો બંદોબસ્તમાં જોડાયો છે, સરકારી જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવનારા માફીયાઓના સામ્રાજયને મીટાવી દેવા અને તપાસને વેગવંતી બનાવવા માટે સ્પે. ફોર્સની રચના કરવામાં આવી છે અને સધન કામગીરી હાથ ધરી છે.
આજે બેડેશ્ર્વર વિસ્તારમાં સાઇચા બંધુઓના ગેરકાયદે દબાણો હટાવવા માટે ડીમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું, એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા ડીવાયએસપીના સુપરવીઝન હેઠળ સીટની રચના કરી છે, તપાસને વેગવંતી બનાવવા માટે સ્પે. ટાસ્ક ફોર્સની રચના થઇ છે જેમાં ડીવાયએસપી, ૨ પીઆઇ, ૩ પીએસઆઇ અને ૪ રાઇટરનો સમાવેશ થાય છે, આજે ડીમોલીશનની કાર્યવાહીમાં કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પોલીસના ધાડેધાડા ઉતરી પડયા હતા, એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, અન્ય ડીવાયએસપી, સીટી-એ,બી,સી, એલસીબી, એસઓજીના ૫ પીઆઇ, ૧૫ પીએસઆઇ, ૧૦ ઘોડેશ્ર્વાર પોલીસ જવાનો મળી આશરે ૨૦૦ પોલીસનો કાફલો જોડાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application