ખંભાળિયામાં જલારામ જયંતિ નિમિત્તે અનેરા ઉમંગનો માહોલ

  • November 08, 2024 11:47 AM 

જલારામ મંદિરને અનેરા સાજ શણગાર: વિવિધ ધાર્મિક આયોજનો થયા


સંત શિરોમણી પૂ. જલારામ બાપાની 225 મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ ખંભાળિયામાં અનેરા ઉમંગ ઉત્સાહનો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે શ્રીનાથજીની ઝાંખી, અન્નકૂટ, નૂતન ધ્વજારોહણ, મહાપ્રસાદ સાથે પરંપરાગત શોભાયાત્રાના પણ આયોજનો કરવામાં આવ્યા હતા.

      જલારામ જયંતિના પાવન પર્વે અહીંના જલારામ મંદિરને આકર્ષક રોશની તેમજ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. જલારામ જયંતીની પૂર્વ સંધ્યાએ ગતરાત્રે જલારામ મંદિર ખાતે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તો જોડાયા હતા. જલારામ જયંતીને અનુલક્ષીને આજે સવારથી જ જલારામ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ મંદિરની 108 પ્રદક્ષિણા કરીને આસ્થા વ્યક્ત કરી હતી. આ સાથે પુ. જલારામ બાપાને અનેકવિધ વાનગીઓ સાથેનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ઉપરાંત નૂતન ધ્વજારોહણ તેમજ બપોરે જલારામ મંદિર ખાતે સમુહ પ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિર પરિસરમાં પૂજ્ય બાપાની વિશાળ અને આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી.

      જલારામ જયંતિને અનુલક્ષીને આજરોજ સાંજે રઘુવંશી જ્ઞાતિના તરુણો, યુવાઓ માટે થેલેસેમિયા કેમ્પ તેમજ સાંજે જલારામ મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રા અને રાત્રે રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો માટેના સમૂહ ભોજન (નાત) ના આયોજન માટે જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો દ્વારા લોહાણા મહાજનના વડપણ હેઠળ નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ખંભાળિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જલારામ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application