ખંભાળિયામાં શિવરાત્રિની શોભાયાત્રા પૂરી કરી ઘરે પહોંચતા જ 24 વર્ષનો યુવાન ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત, ભાજપના યુવા નેતા હતા

  • February 27, 2025 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિવરાત્રીની ઉજવણીમાં જોડાયેલા વિપ્ર યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો: બ્રહ્મસમાજ સાથે શહેરભરમાં ભારે શોક



ખંભાળિયામાં ગઈકાલે બુધવારે શિવરાત્રીના સપરમા દિવસે અત્રે યોજાઈ ગયેલી શિવ શોભાયાત્રામાં એક વિપ્ર યુવાનને પાલખી ઉપાડીને હોંશભેર ઉજવણી કરાયા બાદ ઘરે પહોંચતા તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.


શહેરભરમાં ભારે કરુણ બની ગયેલા આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં રહેતા દિવ્ય નિલેશભાઈ જોશી નામના 24 વર્ષના બ્રાહ્મણ યુવાન દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઈકાલે બુધવારે ખામનાથ મહાદેવની પરંપરાગત શોભાયાત્રા (વરણાંગી)માં જોડાયા હતા. આ શોભાયાત્રા શહેરના જુદા જુદા માર્ગો પર ફરી હતી. ત્યારે છેવટ સુધી તેઓ શોભાયાત્રામાં સાથે રહ્યા હતા. આ શોભાયાત્રા ખામનાથ મહાદેવના મંદિરે પૂર્ણ થઇ હતી અને અહીં પૂર્ણાહુતિની આરતી કર્યા બાદ તેઓ ઘેર પહોંચ્યા હતા.


માર્ગમાં તેમને એક-બે વખત ઉલટી થઈ હતી. પરંતુ શોભાયાત્રા પૂર્ણ કરીને તેઓ ઘરે પહોંચ્યા બાદ બપોરે આશરે ત્રણેક વાગ્યાના સમયે તેમને છાતીમાં દુઃખાવો ઉપાડતા તેમને અહીંની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહેલા અને અહીંના લુહાર શાળ વિસ્તારમાં ઈલેક્ટ્રીકની દુકાન ધરાવતા દિવ્યભાઈ જોશીના માતા વૈશાલીબેન અહીંની એક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના દાદા સ્વ. હરિભાઈ જોશી પોલીસ વિભાગમાં નિષ્ઠાવાન કર્મચારી તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા હતા. મૃતકના પિતા નિલેશભાઈનું પણ થોડા વર્ષો પૂર્વે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. ત્યાર બાદ માતા-પુત્ર અને દાદી સાથે રહેતા હતા.

ત્યારે અપરિણીત અને આશાસ્પદ એવા યુવા કાર્યકરનું અકાળે નિધન થતાં મૃતકના પરિવારજનોમાં હૈયાફાટ રુદન સાથે શહેરભરમાં શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે. મૃતક દિવ્ય જોશીના માનમાં ભાજપ દ્વારા તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application