કેટલ પોલીસીનો કડક અમલ: ગઇકાલે રસ્તા ઉપર મંડપ ઉભા કરી ખાદ્ય સામગ્રી વેંચતા લોકો પર તવાઇ: ગુલાબનગર રોડ પર રેતી, કપચી જપ્ત કરાઇ: સવારથી કેટલાક વિસ્તારોમાં ફરીથી ઘાસ જપ્ત કરવા કાર્યવાહી
જામનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા કેટલ પોલીસીનો અમલ કરાવવાની કામગીરી થઇ રહી છે ત્યારે આજે સવારથી સાધનાકોલોની, જુના રેલ્વે સ્ટેશન, વિકટોરીયા પુલ, ઇન્દીરા માર્ગ સહિતના કેટલાક વિસ્તારોમાં ઘાસ વેંચતા લોકો સામે જામ્યુકોની એસ્ટેટ શાખાની ટીમે ઓપરેશન પાર પાડયું છે, આ લખાય છે ત્યારે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી શહેરમાં કોઇપણ ઘાસ વેંચનારા પાસે લાયસન્સ ન હોય તેમનું ઘાસ જપ્ત કરવા આદેશ કરાયો છે ત્યારે આજે ૫૦૦ કીલો ઘાસ વિવિધ વિસ્તારોમાંથી કબ્જે કરવામાં આવ્યું છે.
આજે સવારે શહેરના કેટલાક વિસ્તારોમાંથી જાહેરમાં ઘાસ વેંચતા લોકોને પકડી પાડીને તેઓના વાહનો અને ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો છે અને આ ઘાસચારાને હાપામાં આવેલી ગૌ શાળામાં મોકલી દેવામાં આવ્યો છે. ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલાની સુચનાથી જામનગર શહેરમાં લાયસન્સ વિના કોઇપણ પશુપાલકોના પશુઓ જાહેર રસ્તા ઉપર હશે તો તેને ડબ્બે પુરી દેવા આદેશ કર્યા બાદ શહેરમાંથી અઠવાડીયાથી પશુઓની સંખ્યા ઘણીબધી ઓછી થઇ ગઇ છે અને લગભગ ગયા મહીનામાં ૯૦૦થી વધુ પશુઓને પકડવામાં આવ્યા છે, છેલ્લા કેટલાક સમયથી પહેલા માત્ર એક ગાડી પશુઓને પકડતી હતી હવે જુદી-જુદી ગાડીઓ અને સ્ટાફને મોકલીને રસ્તે રઝડતા પશુઓને પકડવામાં આવે છે.
ગઇકાલે એસ્ટેટ શાખાના ઉચ્ચ અધિકારી મુકેશ વરણવાની સુચનાથી અનવર ગજણ, હરેશ વાણીયા, મુકેશ ગોસાઇ સહિતના સ્ટાફે જાહેર માર્ગો ઉપર ખાદ્ય પદાર્થ વેંચતા લોકો ઉપર તવાઇ બોલાવી હતી, સાધનાકોલોનીમાં માર્ગ ઉપર મંડપ ઉભા કરી તરબુચ, સિઝનલ મસાલા અને શાકભાજી વેંચનારા ધંધાર્થીઓને દુર કર્યા હતાં, જયારે કેટલોક માલાસામાન પણ જપ્ત કરાયો હતો, છેલ્લા કેટલાક સમયથી ગુલાબનગર અને વિકટોરીયા પુલ પાસે કેટલાક લોકો દ્વારા રેતી, કપચી સહિતની બિલ્ડીંગ મટીરીયલનો માલસામાન રસ્તા પર વેંચવામાં આવતો હોય અને જાણે કે પોતાની માલીકીની જગ્યા હોય તે રીતે દબાણ કરાતું હોય આ તમામ લોકોને દુર કરીને રસ્તો ખાલી કરાવવામાં આવ્યો હતો અને કેટલાકનો માલસામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.