રીલાયન્સના વનતારાથી દ્વારકાધીશની અનંત અંબાણીની પદયાત્રા સંપન્ન, છેલ્લા દિવસે પત્ની અને માતા પણ જોડાયા

  • April 07, 2025 05:29 PM 

દ્વારકા નગરી તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષભેર વધામણાં: શારદાપીઠના નેતૃત્ત્વમાં તમામ જ્ઞાતિ-સમુદાયોએ અનંત અંબાણીને ભાવભેર વધાવ્યા

સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાળ્ય પરિવારના પુત્ર અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની કિ.મી.ની પદયાત્રા રામનવમીના પાવન દિને સંપન્ન થઈ છે. આ પદયાત્રાને ઠેર-ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક વધાવવામાં આવી હતી.

દ્વારકા ખાતેના સનાતન ધર્મના જગદગુરુ શંકરાચાર્યજીના શ્રી શારદામઠમાંથી બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીના નેતૃત્ત્વમાં દ્વારકાના તમામ જ્ઞાતિ-સમાજો, હોટેલ એસોસિયેશન, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તથા નગરશ્રેષ્ઠીઓએ એક બેઠક યોજીને પદયાત્રાના આગમન પૂર્વે શ્રી અનંત અંબાણીના ભવ્યાતિભવ્ય સ્વાગતની રૂપરેખા ઘડી કાઢી હતી.

અનંત અંબાણીએ પધ્યાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતીઘાટની મુલાકાત લઈને ગોમતીપૂજન કર્યું હતું તથા શારદાપીઠ ખાતે શ્રી પાદૂકાપૂજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વચન મેળવી તેમણે દ્વારકાધીશની ધજાનું પૂજન પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાઘ્યક્ષ ધનરાજભાઇ નથવાણી દ્વારા અનંત અંબાણીનું અભિવાદન કરાયું હતું.

છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી શ્રી અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહૂતિને ઉજવવા દ્વારકાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, દૂરદૂરથી જગતમંદિરને નિહાળી શકાય તે માટે મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર ઉપરાંત ગર્ભગૃહની આકર્ષક અને સુગંધીદાર પૂષ્પો વડે નયનરમ્ય સજાવટ કરવામાં આવી હતી.

આ પદયાત્રાના વધામણા કરતા રબારી-માલધારી સમાજના લોકોએ કાળિયા ઠાકરના ભક્ત અનંત અંબાણીનું પોતાના પારંપરિક અને સાંસ્કૃતિક વિધિવિધાનથી સ્વાગત કર્યું હતું. અનંત અંબાણીના સ્વાગતમાં દૂરદૂરથી હાથી-ઘોડા લાવીને તેની અનેરી સજાવટ કરીને પદયાત્રાને શોભાયમાન કરવામાં આવી હતી. આ પ્રસંગે ૪૦૦થી ઋષિકુમારો તથા ૨૫૦થી વધુ ભૂદેવો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મંગલગાન કરતા મંદિર સુધી પદયાત્રામાં જોડાયા હતાં. દ્વારકા નગરને જુદા-જુદા ક્ષેત્રના કલાકારોએ પોતાની કલાના અદભુત પ્રદર્શન થકી શોભાવી હતી.

આ પ્રસંગે અંબાણી પરિવાર દ્વારા દ્વારકાના સમસ્ત નગરજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તમામ જ્ઞાતિના આશરે ૧૦ હજાર જેટલા પરિવારના ૧ લાખથી વધુ સભ્યોની પ્રસાદિ સેવા કરવામાં આવી હતી. આ ઉપરાંત રામનવમીના પવિત્ર દિવસે દ્વારકાધીશના દર્શને આવેલા તમામ શ્રદ્ધાળુઓને અંબાણી પરિવાર તરફથી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જગતમંદિરના સ્વર્ગદ્વાર પર આવેલા અન્નક્ષેત્રમાં દિવસ દરમિયાન સતત અન્નસેવા ચાલુ રાખવામાં આવી હતી. એટલું જ નહીં, મંદિર પરિસરના આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન પ્રસાદ સેવા અવિરત જારી રહી હતી. શારદાપીઠના નેતૃત્ત્વમાં સ્થાનિક વહીવટીતંત્ર, નગરપાલિકા અને મંદિર પ્રશાસનનો સયોગ, સમાજના તમામ વર્ગના તમામ લોકોનો સ્વયંભૂ ઉત્સાહ, ઉપસ્થિત સંતો-મહંતોના આશીર્વાદ અને આગેવાનોની શુભેચ્છાએ અનંત અંબાણીની પદયાત્રાની પૂર્ણાહૂતિના આ પ્રસંગે સોનામાં સુગંધ ભેળવવાનું કાર્ય કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પદયાત્રાની પૂર્ણાહૂતિ પૂર્વે શારદાપીઠના બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીએ દ્વારકાના તમામ જ્ઞાતિના આગેવાનોની એક બેઠક બોલાવીને અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા અનુરોધ કર્યો હતો, જેને સહ શ્રેષ્ઠીઓએ ઉમંગભેર સ્વીકારી ઉત્સાહપૂર્વક અભૂતપૂર્વ સ્વાગત કાર્યક્રમ યોજ્યો હતો.

અનંતની પદયાત્રાનો મને ગૌરવ છે: નીતા અંબાણી

અનંત અંબાણી દ્વારા શ‚ કરવામાં આવેલ પદયાત્રા ગઇકાલે રવિવારે પૂર્ણ થઇ હતી, જેમાં નીતા અંબાણી, રાધીકા અંબાણી બંને દ્વારકા ખાતે સ્વાગત સમયે જોડાયા હતાં, મીડીયા સમક્ષ નીતા અંબાણીએ વાત કરતા જણાવ્યું હતું કે, માતા તરીકે  અનંતની પદયાત્રાનો મને ગૌરવ છે, તેમને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખુબ જ લગાવ છે, દ્વારકાધીશ પ્રત્યે તેમને અતુટ શ્રઘ્ધા છે તેણીએ દ્વારકાધીશનો આભાર માન્યો હતો, જયશ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.

પદયાત્રામાં જોડાનાર તમામનો આભાર વ્યકત કરતા અનંત અંબાણી

વનતારાથી દ્વારકાધીશની પદયાત્રા અનંત અંબાણીએ શ‚ કરી હતી જે રવિવારે વ્હેલી સવારે પૂર્ણ થઇ હતી, ગોમતીમાં સ્નાન કરીને મંગલા આરતીના દર્શન કર્યા હતાં અને ત્યારબાદ મીડીયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, જય દ્વારકાધીશ, રામનવમીની શુભેચ્છા, આજે દ્વારકાધીશના દર્શન કર્યા, પદયાત્રાનો અંતિમ દશમો દિવસ છે, પદયાત્રામાં જોડાનાર તમામનો આભાર વ્યકત કર્યો હતો.

લગ્ન બાદ પદયાત્રા કરવાની અનંતની ઇચ્છા પૂર્ણ થઇ છે: રાધીકા અંબાણી

મીડીયા સમક્ષ વાત કરતા રાધીકા અંબાણીએ જણાવ્યું હતું કે, આજે અનંતનો જન્મદિવસ છે, અનંતની ઇચ્છા હતી લગ્ન બાદ જામનગરથી દ્વારકાધીશની પદયાત્રા કરવાની જે આજે પૂર્ણ થઇ છે, અનંતે શ્રઘ્ધાપૂર્વક અને મન લગાવીને આ પદયાત્રા પૂર્ણ કરેલ છે, પદયાત્રામાં જોડાનાર અને શુભેચ્છા આપનાર તમામનો રાધીકા અંબાણીએ આભાર વ્યકત કર્યો હતો, આ સમયે નીતા અંબાણી અને અનંત અંબાણી સાથે રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application