જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૨મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

  • February 05, 2026 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાકૃતિક ખેતી અને આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે ખેડૂતોને જાગૃત કરવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી.ચોવટિયાનું વૈજ્ઞાનિકોને આહવાન

​જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કૃષિ ટેકનોલોજીના વિસ્તરણ અર્થે ૨૨મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.


આ બેઠકમાં કેવિકેના વડા ડો. કે. પી. બારૈયા દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અને વર્ષ ૨૦૨૬ માટેના લક્ષ્યાંકોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ચર્ચામાં મુખ્યત્વે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા, મજૂરોની અછત સામે આધુનિક યાંત્રીકીકરણનો ઉપયોગ કરવા, નવીનતમ ટેકનોલોજીને ખેતર સુધી પહોંચાડવા અને જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારવા માટે કચરો બાળવાને બદલે 'બાયો-ચાર' બનાવી જમીન સુધારણા કરવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખેતી પર વાતાવરણની અસરો અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવા બાબતે પણ ગહન પરામર્શ થયો હતો.

​​​​​​​

આ પ્રસંગે યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન. બી. જાદવ, બાજરા સંશોધન કેન્દ્રના વડા ડો. કે. ડી. મુંગરા તેમજ વિવિધ વિભાગના વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં જામનગર જિલ્લાના કૃષિ, બાગાયત, પશુપાલન, આત્મા, નાબાર્ડ અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પણ હાજરી આપી હતી. કુલપતિ ડો. વી. પી. ચોવટિયાએ વૈજ્ઞાનિકોને ભલામણ કરી હતી કે ખેડૂતો નવી પાક જાતોથી વાકેફ થાય અને ખેતીમાં આવતા રોગ-જીવાતના ઉકેલ માટે નવી ટેકનોલોજી વાપરે તેવા પ્રયાસો કરવા જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application