ખંભાળિયા નજીક પશુની લે-વેચ કરતા ઢેબરના શખ્સ સામે કાર્યવાહી

  • August 05, 2024 11:31 AM 

ખંભાળિયા નજીક મોડી રાત્રિના સમયે બોલેરોમાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા સાત પશુઓ અંગે ચાલક સામે ગુનો


ખંભાળિયા નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાંથી બોલેરો પીકઅપ વાહનમાં ખીચોખીચ ભરીને લઈ જવાતા સાત પાડા (પશુ) અંગે અહીંના પશુ સેવા સંસ્થાના કાર્યકરોએ જાગૃતિ દાખવી અને મોડી રાત્રિના સમયે પસાર થતાં આ વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


આ સમગ્ર પ્રકરણ અંગે અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના સક્રિય કાર્યકર અને ગૌભક્ત દેશુરભાઈ ગગુભાઈ ધમા (ઉ.વ. 30) એ નોંધાવેલી ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે કે શનિવારે રાત્રિના (તા. 4 ના) આશરે 2:15 વાગ્યાના સમયે એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના કાર્યકરો દેશુરભાઈ, અજયભાઈ, વિશેષભાઈ, દિલીપભાઈ, હિરેનભાઈ, વિગેરે સંસ્થાની એમ્બ્યુલન્સ લઈ અને ગંગા જમના હોટલ પાસે પશુની સેવા કરવા નીકળ્યા હતા. ત્યારે આ માર્ગ પરથી પસાર થતા જી.જે. 37 ટી. 9982 નંબરના બોલેરો પીકઅપ વાહનના ચાલકને ગુંદમોરા વાડી વિસ્તાર પાસે ઉભી રખાવી અને તેમાં ચેક કરતા આ બોલેરોમાં ખીચોખીચ ભરીને પશુઓ લઈ જવાતા હોવાનું ધ્યાને આવ્યું હતું.


આ વાહનના ચાલક એવા ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા કાસમ હુસેન હિંગોરા નામના 44 વર્ષના ગામેતી યુવાને પોતાના બોલેરોમાં પાંચ પાડા તથા બે પાડી કે જે આશરે બે થી ત્રણ વર્ષની ઉંમરના હોય, આ તમામ સાત પશુઓને દોરડાઓ વડે ક્રૂરતાપૂર્વક બાંધીને ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા ન રાખી અને વાહનમાં લઈ જવાતા હોવાનો જાહેર થયું છે.

વધુમાં જણાવ્યા મુજબ વાહન ચાલક કાસમ હુસેન અલગ અલગ ખેડૂતો પાસેથી પશુઓ લઈને પશુઓની લે-વેચ કરતો હોવાનું જાહેર થયું છે. મોડી રાત્રે વાહન તથા ચાલક અને પશુઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application