મુંબઈથી દ્વારકા દર્શનાર્થે આવેલા એક પરિવાર સાથેના છકડા રીક્ષાને કલ્યાણપુરના ભોગાત ગામ નજીક અકસ્માત નડતા આ રિક્ષામાં જઈ રહેલા પ્રૌઢનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું.
મુંબઈમાં કોઠારી સ્ટેટ ખાતે રહેતા નિલેશભાઈ ટીટા નામના ૫૪ વર્ષના દરજી પ્રૌઢ તેમના ધર્મપત્ની અસ્મિતાબેન (ઉ.વ. ૪૮), તેમની પુત્રી નેહલબેન (ઉ.વ. ૨૫) અને ભૂમિબેન (ઉ.વ. ૨૩) તથા તન્વીબેન (ઉ.વ. ૨૧) ઉપરાંત તેમના સાસુ કમળાબેન (ઉ.વ. ૬૮) સાથે થોડા દિવસો પૂર્વે દ્વારકા વિસ્તારમાં ફરવા આવ્યા હતા.
આ વચ્ચે મંગળવાર તા. ૧૦ ના રોજ આ તમામ પરિવારજનો એક ઓટો રિક્ષા ભાડે કરીને યાત્રાધામ હર્ષદ ખાતે જવા માટે નીકળ્યા હતા. આ રીક્ષા કલ્યાણપુરથી આશરે ૩૦ કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પર ભોગાત અને લાંબા ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર ટ્રોલી સાથે ગફલતભરી રીતે ચલાવી, ઉપરોક્ત રીક્ષાને ઓવરટેક કરી હતી. આ પછી ટ્રેક્ટરના ચાલકે એકાએક આગળથી બ્રેક મારતા આ રીક્ષા ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે અથડાઈ પડી હતી.
આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા નિલેશભાઈ (ઉ.વ. ૫૪) ને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મૃતકના સાસુ કમળાબેનને ફ્રેકચર તથા મૃતકના પત્ની અસ્મિતાબેનને પણ ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મૃતકના પુત્રીઓ તથા રિક્ષા ચાલક પણ ઈજાગ્રસ્ત બન્યા હતા.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે કલ્યાણપુર પોલીસે મૃતકના પુત્રી તન્વીબેન નિલેશભાઈ ટીટાની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રેક્ટરના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એન.એન. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.