હાલારમાં પીજીવીસીએલે મોટા ઉપાડે શરૂ કરેલી સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનું સૂરસૂરિયું થઇ ગયું હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે બન્ને જિલ્લામાં સવા વર્ષમાં ફકત ૧૮૭૦૦ સ્માર્ટ વીજ મીટર લાગ્યા છે. નવાઇની વાત તો એ છે કે એક વર્ષમાં ૬૩૧૦૦૦ સ્માર્ટ વીજ મીટર ફીટ કરવાના લક્ષ્યાંક સામે ૧પ મહિનામાં માત્ર ર.૯૬ ટકા કામગીરીથી આ મહત્વના પ્રોજેકટની સફળતા સામે અનેક સવાલો ઉભા થયા છે. અત્યાર સુધીમાં બન્ને જિલ્લામાં લગાડવામાં આવેલા સ્માર્ટ વીજ મીટર પાછળ રૂ. ૧૧.પ૦ કરોડનો ખર્ચ થયો છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર ખેતીવાડી સિવાયના તમામ વિસ્તારોના વીજ કનેકશનમાં સ્માર્ટ વીજ મીટર ફીટ કરવાના છે ત્યારે આ પ્રોજેકટ ક્યારે પૂર્ણ થશે તે એક સળગતો સવાલ બન્યો છે.
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર ખેતીવાડી સિવાયના તમામ ઔદ્યોગિક રહેણાંક, કોમર્શીયલ વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાના છે. એટલે કે જુના વીજ મીટરના સ્થાને પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર ફીટ કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. જામનગર પીજીવીસીએલ હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનો સમાવેશ થાય છે. ત્યારે ગત ફેબ્રુઆરી ર૦ર૪થી પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર ફીટ કરવાનો પ્રોજકેટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે નિયમ મુજબ એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાયો છે. પરંતુ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. આટલું જ નહીં સ્માર્ટ વીજ મીટર ફીટ કરવા માટે લોકો પણ ઉદાસીનતા દાખવી રહ્યા છે.
જેના કારણે ૩૦ એપ્રિલ ર૦રપ સુધીમાં ફક્ત ૧૮૭૦૦ સ્માર્ટ વીજ મીટર લાગ્યા છે. આ પ્રોજેકટ અંતર્ગત નગરપાલિકા સહિતની સરકારી કચેરીઓમાં અગ્રતાના ધોરણે સ્માર્ટ વીજ મીટર ફીટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું છે. બીજી બાજુ સ્માર્ટ વીજ મીટરના પ્રોજેકટની કામગીરી હાલારમાં બે તબક્કામાં હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં જામનગર સીટી-૧ અને સીટી-૨ ડીવીઝન હેઠળ આવતા વિસ્તારોનો સમાવેશ થાય છે.
જ્યારે બીજા તબક્કામાં દ્વારકા, ખંભાળીયા, જામજોધપુર સહિતના ડીવીઝન હેઠળ આવતા વિસ્તારોનો સમાવેશ થાય છે, પરંતુ સ્માર્ટ વીજ મીટર ફીટ કરાતા રીચાર્જ વ્હેલું પુરૂ થઇ જાય છે, સહિતની ગેરમાન્યતાઓ અને લોકવિરોધના કારણે આ કામગીરી પર બ્રેક લાગી હતી. બીજી બાજુ સ્માર્ટ વીજ મીટર ફીટ કરવાની કામગીરી પણ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. જેના કારણે સ્માટ વીજ મીટરના મહત્વના પ્રોજેકટની સફળતા સામે સવાલો ઉભા થયા છે.
રૂ. ૪૮૮ કરોડનો પ્રોજેકટ, માર્ચ ર૦રપ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો
જામનગર પીજીવીસીએલ હેઠળ આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિજ તંત્રના સબ ડીવીઝનના વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાડવા માટે રૂ . ૪૮૮ કરોડનો પ્રોજેકટ છે. જે ફેબ્રુઆરી ર૦ર૪ માં શરૂ કરાયો છે. આ પ્રોજેકટ શરૂ થયો ત્યારે માર્ચ-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ લોકોના વિરોધના પગલે કામગીરીમાં બ્રેક લાગી હતી. બીજી બાજુ પીજીવીસીએલ દ્વારા પણ ખુબ જ ગોકળગાયની ગતિએ આ પ્રોજેકટની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે હજુ સુધી ફક્ત ર.૯૬ ટકા કામગીરી થઇ છે. ત્યારે આ પ્રોજેકટ ક્યારે પૂર્ણ થશે ? એ સવાલ છે.
એક વીજ મીટર ફીટ કરવા પાછળ વીજ કંપનીની રૂ. ૭ર૩પ થી રર૦૦૦ સુધીનો ખર્ચ થાય છે
હાલારમાં સ્માર્ટ વીજ મીટર ફીટ કરવા પાછળ બે તબક્કામાં પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરી ગોકળગાયની ગતીએ ચાલી રહી છે. બીજી બાજુ સ્માર્ટ મીટર ફીટ કરવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે એક સીંગલ ફેઇઝ સ્માર્ટ વીજ મીટર ફીટ કરવા રૂ. ૭ર૩પ, ૩ ફેઇઝ મીટર ફીટ કરવા રૂ. ૯૦૦૦ અને ૪૦ કિલો વોટનું એક વીજ મીટર ફીટ કરવા માટે રૂ. ૨૨૦૦૦ સુધીનો ખર્ચ પીજીવીસીએલને થઇ રહ્યો હોવાનું કંપનીના સૂત્રોએ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application