જામનગર પંથકમાં દારુ અંગે મેગા ડ્રાઇવ : ૩૦ કેસ

  • March 22, 2024 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબી સહિતની ટુકડીઓ ત્રાટકી : ખીમલીયા પાટીયા, કોંઝા, ખેતીવાડી, રાંદલનગર, ગ્રીનસીટી, બેડ ટોલનાકા, પડાણા રોડ, મેલાણ, ગણપતનગરમાં દરોડા : ઇંગ્લીશ દારુની બોટલો, કાર, દેશી દારુ અને ભઠ્ઠીના સાધનો કબ્જે

જામનગર શહેર, જીલ્લામાં ઇંગ્લીશ અને દેશી દારુ અંગે ડ્રાઇવનું આયોજન કરી જુદા જુદા વિસ્તારોમાં ૩૦ કેસ નોંધીને મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જેમાં ખીમલીયા પાટીયા, કોંઝા, ખેતીવાડી, રાંદલનગર, ગ્રીનસીટી, બેડ ટોલનાકા, પડાણા રોડ, મેલાણ, ગણપતનગરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. વ્યાપક દરોડાના પગલે ચકચાર મચી જવા પામી છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ આવનાર લોકસભાની ચુંટણી અનુસંધાને જામનગર જીલ્લામાં કાયદો અને વ્યાવસ્થાની પરિસ્થીતી જળવાય રહે તે અનુસંધાને દારુની પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી જામનગર જીલ્લામાં પ્રોહીના કેસો શોધી કાઢવા સ્પેશ્યલ ડ્રાઇવ આયોજન કરી દારુની પ્રવૃતી સાથે સંકળાયેલા ઇસમો પર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમો કાર્યરત કરી તા. ૨૦-૩ના સ્પેશ્યલ ડ્રાઇવ દરમ્યાન ઇંગ્લીશ દારુનો ૧ કેસ જેમાં ૧૩૪ બોટલ, દેશી દારુ ભઠ્ઠીના ૨૯ કેસોમાં ૧૩૫ લીટર દારુ તથા આથો ૧૩૬૮ લીટર તથા દારુ બનાવવાના સાધનો મળી કુલ ૭૪૪૧૬નો મુદમાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
ડ્રાઇવ અનુસંધાને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દારુ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં જામનગરના નિલકમલ સોસાયટીમાં રહેતા દોલુભા મહિપતસિંહ કેરને વિદેશી દારુની બે બોટલ સાથે ખીમલીયા પાટીયા પાસેથી પકડી લીધો હતો, કોંઝા નદીના પુલ પાસે રહેતા રામશી વેજાણંદ કરમુરને ઇંગ્લીશ દારુની ૩૭ બોટલ સાથે તેની વાડીમાંથી પંચ-બી પોલીસે અટકાયત કરી હતી.
આ ઉપરાંત જામનગરના સિઘ્ધાર્થનગરમાં સાગર રામજી માંગલીયાના મકાનમાંથી ઇંગ્લીશ દારુના ૧૩ ચપટા મળી આવ્યા હતા, શાંતીનગર શેરી નં. ૪માં રહેતા વિજયસિંહ હરીસિંહ જેઠવાના મકાનેથી ઇંગ્લીશ દારુની ૧૮ બોટલ સીટી-બી પોલીસે કબ્જે કરી હતી. રણજીતસાગર રોડ, ગ્રીનસીટી પ્લાઝા રુમ નં. ૨૦૩માં રહેતા જયેશ જેન્તી કનખરાના ફલેટમાંથી વિદેશી દારુની ૧ બોટલ સીટી-એ પોલીસે જપ્ત કરી હતી.
જામજોધપુરના મેલાણ ગામાં રહેતા ભાયા લાખા હુણ નામનો શખ્સ ઇંગ્લીશ દારુની ૫ બોટલ સાથે મેલાણ રોડ પરથી પોલીસની ઝપટમાં આવ્યો હતો, રાજકોટના વેજા ગામમાં રહેતા અમિત ભુપત ઉદેશા રાઠોડને અટીંગા નં. જીજે૩બીએ-૫૦૦૪માં ઇંગ્લીશ દારુની ૧ બોટલ લઇને બેડ ટોલનાકા પાસેથી નિકળતા સિકકા પોલીસે પકડી લીધો હતો, જયારે જોડીયાના પીઠડ ગામમાં રહેતા ભરત નાગદાન કુંભારવાડીયાને ઇંગ્લીશ દારુની ૫ બોટલ સાથે પડાણા તરફ જતા રોડ પર વાડામાંથી પકડી લીધો હતો.
અન્ય દરોડામાં જામનગરના ગણપતનગરમાં રહેતી જમનાબેન ભવરલાલ પરમારના મકાનેથી ૧૦ લીટર દેશી દારુ, ૧૧૦ લીટર કાચો આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા તથા ગણપતનગરમાં હંસાબેન ગોપાલ કોળીના ઝુપડેથી ૫ લીટર દેશી દારુ, ૯૦ લીટર આથો અને ચાલુ ભઠ્ઠીના સાધનો સીટી-સી પોલીસે કબ્જે કર્યા હતા.
***
ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે રાણપરનો શખ્સ ઝડપાયો: અન્ય એક ફરાર

ખંભાળિયામાં પોરબંદર હાઈવે પર આવેલી ગંગા જમના ચોકડી પાસેથી પોલીસે ભાણવડ તાબેના રાણપર વિસ્તારમાં રહેતા રામ ભીખા મોરી નામના ૨૪ વર્ષના રબારી શખ્સને વિદેશી દારૂની ૩૬ બોટલ તેમજ એક નંગ મોબાઈલ ફોન અને રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતના મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૬૯,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ દરોડા દરમિયાન ગડુ ગામના પાટિયા પાસે રહેતો રમેશ દેવા મોરી નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે. આ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
***
ખંભાળિયાના મકાનમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા શિરૂતળાવ ખાતે રહેતા હમીર માલદે ભાચકન નામના ૨૪ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો તેમજ દારૂ બનાવવા માટેના વિવિધ સાધનો સહિત કુલ રૂપિયા ૩૫૫૦ નો મુદ્દામાલ કબજે કરી, આરોપી હમીર માલદેની પ્રોહી. એક્ટ હેઠળ અટકાયત કરી, આગળની તપાસ એ.એસ.આઈ. ડી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application