દ્વારકા જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 95.03 તેમજ વિજ્ઞાન પ્રવાહનું 86.46 ટકા રીઝલ્ટ

  • May 09, 2024 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ધોરણ 12 ની પરીક્ષામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ઉજળો દેખાવ: સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં નવમાં ક્રમે દ્વારકા જિલ્લો



ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવામાં આવેલી ધોરણ 12 ની વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પરિણામો વધુ ઉત્કૃષ્ટ આવ્યા છે. બંને પ્રવાહમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો ટોપ 10 માં આવ્યો છે.


સમગ્ર રાજ્યમાં ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના 91.93 ટકા પરિણામ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામાન્ય પ્રવાહનું પરિણામ 95.03 ટકા આવ્યું છે. જેમાં ખંભાળિયા કેન્દ્રનું 95.38 ટકા, મીઠાપુરનું 91.94 ટકા, દ્વારકા કેન્દ્રનું 90.35 ટકા, ભાટિયા કેન્દ્રનું 94.88 ટકા અને ભાણવડ કેન્દ્રનું 96.77 ટકા આવ્યું છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 23 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ, 519 વિદ્યાર્થીઓએ- ટુ ગ્રેડ, 939 વિદ્યાર્થીઓએ બી-વન, 987 વિદ્યાર્થીઓએ બી-ટુ, 630 વિદ્યાર્થીઓએ સી- વન, 227 વિદ્યાર્થીઓએ સી- ટુ અને 18 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સામાન્ય પ્રવાહના 80.90 ટકા પરિણામ વચ્ચે આ વખતે 15 ટકા જેટલો નોંધપાત્ર સુધારો થતા જિલ્લાનું શિક્ષણ સ્તર વધુ સુધર્યું હોવાનું ફલિત થાય છે.


આ સાથે સમગ્ર રાજ્યના 147 કેન્દ્રમાં લેવામાં આવેલી ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓમાં બોર્ડનું પરિણામ 82.45 ટકા આવ્યું છે. જે વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ પણ 86 ટકાથી વધુ આવ્યું છે. ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં એક પણ વિદ્યાર્થીએ એ-વન ગ્રેડ મેળવ્યો નથી. જ્યારે 20 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ, 58 વિદ્યાર્થીઓએ બી-1, 76 વિદ્યાર્થીઓએ બી-2, 86 વિદ્યાર્થીઓએ સી-1 અને 50 વિદ્યાર્થીઓએ સી-ટુ ગ્રેડ જ્યારે 10 વિદ્યાર્થીઓએ ડી-ગ્રેડ સાથે જિલ્લાનું સરેરાશ પરિણામ 86.46 ટકા આવ્યું છે. જે સમગ્ર બોર્ડમાં પ્રથમ હરોળનું બની રહ્યું છે.


ગત વર્ષ 2023 ના વિજ્ઞાન પ્રવાહના 71.05 ટકા પરિણામ બાદ આ વખતે વિજ્ઞાન પ્રવાહમાં પણ 15.42 ટકાનો સુધારો આવ્યો છે. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાના વડપણ હેઠળ તેમની ટીમની નોંધપાત્ર જહેમત સાથે સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહમાં આ વખતે 15 ટકા સુધીના સુધારા સાથે બંને પ્રવાહમાં નવમા નંબર સાથે જિલ્લો ટોપ 10 માં રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application