જૂનાગઢની યુનિવર્સિટીના કુલપતિ માટે 80 ઉમેદવારો: શોર્ટ લિસ્ટમાં 40 બાકી રહ્યા

  • May 05, 2025 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડોક્ટર ભરત રામાનુજની પસંદગી કર્યા પછી હવે જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ નક્કી કરવાની કવાયત વધુ તેજ બની છે. જૂનાગઢની યુનિવર્સિટીના કુલપતિ પસંદ કરવા માટે રચાયેલી સર્ચ કમિટીની ફાઇનલ મીટીંગ મળી ગઈ છે અને હવે સરકારને ત્રણ નામોની પેનલ મોકલવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડોક્ટર ઉત્પલ જોશી અને ભાવનગરમાં ડોક્ટર ભરત રામાનુજની પસંદગી કર્યા પછી જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ શૈક્ષિક સંઘ અને સંઘની વિચારધારા ધરાવતા અને સ્વચ્છ પ્રતિભાવ વાળા વ્યક્તિની પસંદગી નવા કુલપતિ તરીકે થાય તેવું બોલાઈ રહ્યું છે. કુલપતિ માટે જ્યારે અરજીઓ માગવામાં આવે ત્યારે 80 જેટલા અરજદારોએ અરજી કરી હતી પરંતુ દસ વર્ષનો પ્રાધ્યાપક તરીકેનો શૈક્ષણિક અનુભવ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અન્ય ધારા ધોરણોને ધ્યાનમાં રાખી શોર્ટ લિસ્ટ કરાતા હવે માત્ર 40 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા, આ 40 ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોના નામોની પેનલ સરકારમાં રજૂ કરવામાં આવશે અને શિક્ષણ મંત્રી તથા મુખ્યમંત્રી કોઈ એક નામની ભલામણ કરીને તેની જાહેરાત થાય તેવી શક્યતા છે. ચાલુ માસના અંત સુધીમાં જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને ત્રીજા રેગ્યુલર કુલપતિ મળે તેવી શક્યતા છે.

જુનાગઢની યુનિવર્સિટીના નવા ભવનનું નિર્માણ કાર્ય તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આ ભવનમાં ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવન કવન પર આધારિત રિસર્ચ સેન્ટર પણ શરૂ કરવામાં આવનાર છે. નવા કુલપતિ નવા ભવનમાં બેસે તેવી પણ ભારોભાર શક્યતા છે.

જૂનાગઢની આ યુનિવર્સિટીમાં કુલપતિની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે અને ઇન્ચાર્જ તરીકેની નિમણૂકો કરવામાં આવી છે, ઇન્ચાર્જ કુલપતિના કાર્યકાળ દરમિયાન ગેરરીતિ અને કોભાંડના અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તેના કારણે યુનિવર્સિટીને પણ ભારે બદનામી મળી છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી નવા કુલપતિમાં સ્વચ્છ પ્રતિભાનો મુદ્દો મહત્વનો બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application