સાતમાં દિવસે જામનગરમાંથી 575 ગજાનનની મૂર્તિનું વિસર્જન

  • September 14, 2024 12:04 PM 

ગઇકાલે બપોર બાદ ગણેશ ભકતોએ ડીજેના તાલ સાથે રાસ રમીને અગલે બરસ તું જલ્દી આ ના નારા લગાવ્યા: વિશાલ હોટલ પાસે બનાવાયેલા કુંડમાં 357 અને લાલપુર બાયપાસ ચોકડી પાસે 218 મૂર્તિઓનું કરાયું વિસર્જન: અત્યાર સુધીમાં 1548 સિઘ્ધી વિનાયકને અપાઇ ભાવભીની વિદાય


જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્‌યારે ગઇકાલે સાતમાં દિવસે જામનગર મહાનગર પાલિકા દ્વારા બનાવાયેલા વિસર્જન કુંડમાં 575 ગજાનની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું, ઠેર-ઠેર જય ગણેશના નાદ ગુંજી ઉઠયા હતાં, રસ્તા ઉપર અબલી-ગલાલની છોળો ઉડી હતી અને ડીજેના સથવારે ગં ગણપતયે નમો: નમ: નો નાદ ગુંજી ઉઠતાં વાતાવરણ ભકિતમયી બની ઉઠયું હતું.


જામનગર શહેરમાં લગભગ 200થી વધુ પંડાલો અને 3000થી વધુ ઘરોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ શાસ્ત્રોકત વિધીથી 1, 3, 5 અને ગઇકાલે 7માં દિવસે ગણેશજીની મૂર્તિનું ઉત્થાપન કરાયું હતું. ઠેકઠેકાણે કલાત્મક મુર્તિઓ બનાવવામાં આવી હતી અને મોડી રાત્રીના 12 વાગ્યા સુધી પાર્વતીપુત્રને નમન કરવા લોકો પંડાલોમાં આવતા હતાં. કડીયાવાડ ખાતે ફરીથી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવે તે રીતે 551 મીટરની પાઘડી મૂર્તિને પહેરાવવામાં આવી હતી અને ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બુકના અધિકારીઓ પણ જામનગર આવ્‌યા હતાં, હવે તેની સતાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.


જામનગર કોર્પોરેશન દ્વારા હોટલ વિશાલ પાસે એક કુંડ બનાવવામાં આવ્યો છે જેમાં ગઇકાલે 357 સહિત અત્યાર સુધીમાં 1042 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે જયારે લાલપુર બાયપાસ ચોકડી પાસે ગઇકાલે 218 અને અત્યાર સુધીમાં કુલ 505 થઇ કુલ 7માં દિવસ સુધીમાં 1548 લંબોદરની મૂર્તિનું વિસર્જન કરાયું છે, આજુબાજુના ગામડાઓમાં નદી અને તળાવમાં મૂર્તિઓ પધરાવવામાં આવી રહી છે, દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ ઠેકઠેકાણે ગણેશજીનો જય જયકાર કરવામાં આવ્યો છે.


શહેરમાં ગાંધીનગર, પંચવટી, નવાગામ ઘેડ, મંગલબાગ, લાલબંગલા, કડીયાવાડ, સેતાવાડ, દિ.પ્લોટ, તળાવની પાળ, રણજીતનગર, ખોડીયાર કોલોની, સાધનાકોલોની, ગુલાબનગર, હવાઇચોક, મેહુલ સીનેમા પાસે, ચાંદીબજાર, લાલપુર બાયપાસ ચોકડી, લાલવાડી, પટેલ પાર્ક, ગ્રીનસીટી સહિત વિસ્તારોમાં પંડાલો અને ઘરોમાં ગણપતી બાપાનું સ્થાપન થયું હતું અને મોટાભાગે વિસર્જન થઇ ગયું છે, હવે 9માં અને 11માં દિવસે વિસર્જન કરવામાં આવશે.


આ ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, ફલ્લા, સલાયા, લાલપુર, જામજોધપુર, કલ્યાણપુર, ખંભાળીયા, દ્વારકા, જામરાવલ, ભાટીયા સહિતના ગામોમાં પણ ગણેશજીનો જય જયકાર બોલાવવામાં આવી રહ્યો છે, તમામ સ્થળોએથી શોભાયાત્રા પણ નિકળી હતી અને વાજતે-ગાજતે નદી, તળાવ અને વિસર્જન કુંડમાં મૂર્તિને પધરાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application