જામ્યુકોની ફુડ શાખા દ્વારા 338 કિલો વાસી અખાદ્ય મીઠાઈ કબ્જે

  • October 23, 2024 10:31 AM 

45 કિલો ગુલાબજાંબુ, 50 કીલો ચાસણી, 35 કિલો મેસુબ, 100 કિલો વાસી માવો પણ કબ્જે કરી નાશ કરાયો: હજુ પણ ચેકીંગની કાર્યવાહી ચાલુ રહેશે


જામ્યુકોની ફુડ શાખા ઓચીંતી વેગવંતી બની ગઇ છે, એક અઠવાડીયાથી સતત ચેકીંગ કરી રહી છે, બે દિવસ પહેલા 49 સ્થળોએ ચેકીંગની કાર્યવાહી કરી હતી અને કેટલાક નમૂનાઓ લેબમાં મોકલાયા છે, જયારે ફરીથી મીઠાઇ, ફરસાણ, માવો વેંચતા વેપારીઓને ત્યાં કડક કાર્યવાહી કરીને બે દિવસમાં 338 કીલો વાસી જથ્થો નાશ કર્યો છે.


જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ગઇકાલે શહેરમાં મીઠાઈનાં ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી અને રૂ. પોણો લાખની કિંમતનાં 338 કિલો મીઠાઈ-માવાનો નાશ કરવા આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા ના કમિશનર ડી.એન. મોદીના સીધા માર્ગદર્શન હેઠળ તાં.  19/10/2024 થી 25/10/2024 સુધી આયોજીત ફૂડ સેફ્ટી પખવાડા અંતર્ગત જામનગર શહેરમાં વહેચાતા ખાદ્ય પદાર્થની ડ્રાઈવ રૂપે ડે ટુ ડે એફ.એસ.ઓની ટીમ દ્વારા અલગ અલગ ખાદ્ય પદાર્થો વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતા વેપારીઓને ત્યાં તપાસણી તથા નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી  છે.


જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી (મીઠાઈ) વાળાઓને ત્યાં તપાસ કરી વાસી, અખાદ્ય, મિસબ્રાન્ડેડ ખાધ પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો તથા આ કામગીરી દિવાળી તહેવારને અનુસંધાને અવિરત ચાલુ રાખવામાં આવનાર છે તેમ જણાવાયું છે.


તા.22/10/2024 ના ફુડ વિભાગની ટીમ દ્વારા દીગજામ સર્કલમાં આવેલ બાલાજી સ્વીટના ગોડાઉનમાં રૂબરૂ ઇન્સ્પેકશન કરતા આશરે 70 કિલો મોતીચૂરના લાડુ (કીમત 14000)ના અનહાઇજેનિક કંડીશન જણાતા એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા તપેલામાં ખાલી કરાવી તેમાં પાણી નાખી નાશ કરાવેલ છે.


ખોડીયાર કોલોની હિમાલય સોસાયટી -1 માં  ક્રિષ્ના ગુલાબજાંબુ નામની પેઢીમાં રૂબરૂ ઇન્સ્પેકશન કરતા ગુલાબજાંબુના પેકિંગ લેબલ વગર સપ્લાય કરવામાં આવતા હોવાનું  જણાતા જે ફુડ સેફ્ટીની જોગવાઈનું પાલન થતું ન હોય તેમજ તેલ પણ  25 ઉપર થવા છતા ઉપયોગ કરતા હોય તેવું જણાયેલ અને ચાસણી પણ અનહાઇજેનિક કંડીશનમાં ખુલ્લી જણાતા રૂ.5400ની કીમતનાં 45 કિલો જાંબુ, રૂ.4200ની કીમતનું 30 કિલો તેલ, રૂ.3000ની કિંમતની 50 કિલો ચાસણીનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.


રામનગરનો ઢળિયો બેડેશ્વરમાં આવેલ રિષભ ગૃહ ઉધોગના ગોડાઉનમાં રૂબરૂ ઇન્સ્પેકશન દરમિયાન વાસી ખાદ્ય પદાર્થ તથા શંકાસ્પદ માવો જોવા મળતા રૂ.2800ની કિંમતનાં  8 કિલો લાડુ, રૂ.7000ની કીમતનો 35 કિલો મેસુબ, રૂ.40,000ની કીમતનો 100 કિલો વાસી માવોનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આમ કુલ રૂ 76 400 ની કીમતનાં 338 કિલો વાસી અખાદ્ય મીઠાઈ માવાનો નાશ કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application