જામનગર જિલ્લામાં ત્રણ વર્ષમાં ૩.૮૦ લાખ રોપા સૂકાઇ ગયા..!

  • April 18, 2026 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં ત્રણ વર્ષમાં ૩.૮૦ લાખ રોપા સૂકાઇ ગયા..!


અહો વિચિત્રમ: રોપાઓના ઉછેર અને જાળવણીમાં વનવિભાગની બેદરકારી,નિષ્ક્રીયતા કે અન્ય કોઇ કારણ જવાબદાર તે તપાસની સાથે સળગતો સવાલ


રોપાઓના નાશ થવામાં રાજયના ૨૦ પૈકી જામનગર જિલ્લો ૧૪માં નંબરે, વનીકરણ યોજનઓના યોગ્ય અમલીકરણ સામે ગંભીર પ્રશ્ર્નાર્થ 


જામનગર જિલ્લામાં ત્રણ વર્ષમાં અધધ..૩.૮૦ લાખ રોપા સૂકાઇ જતા ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે. રોપાઓના ઉછેર અને જાળવણીમાં વનવિભાગની બેદરકારી, નિષ્ક્રીયતા કે અન્ય કોઇ કારણ જવાબદાર છે તે તપાસની સાથે સળગતો સવાલ ઉઠ્યો છે. રોપાઓના નાશ થવામાં રાજયના ૨૦ પૈકી જામનગર જિલ્લો ૧૪માં નંબરે રહ્યો છે. આથી વનીકરણની યોજનાઓના યોગ્ય અમલીકરણ સામે ગંભીર પ્રશ્ર્નાર્થ ઉઠ્યા છે. કારણ કે, આ યોજનાઓ પાછળ દર વર્ષે મસમોટો ખર્ચ કરવામાં આવે છે. 


જામનગર જિલ્લા સહીત રાજયભરમાં વનવિભાગ દ્રાર દર વર્ષે ઠેર-ઠેર રોપાઓનું  વાવેતર એટલે કે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. પરંતુ રોપાઓના ઉછેર અને જાળવણીમાં લોલંમલોમની સ્થિતિ પ્રવર્તી રહી છે. કારણ કે, વાવેતર બાદ રોપાઓ મોટા થવાની વાત તો દૂર રહી તેનું અસતિત્વ ન રહ્યું હોય એટલે કે સૂકાઇ જવાના દરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. કારણ કે, છેલ્લાં ત્રણેક વર્ષમાં જામનગર જિલ્લામાં અંદાજે ૩.૮૦ લાખ મળીને રાજયભરમાં કુલ ૧.૨૦ કરોડ જેટલા રોપા નાશ પામ્યા છે. જો આ રોપાનો યોગ્ય ઉછેર કરવામાં આવ્યો હોત તો ઘણા સ્થળે હરિયાળીનો આલ્હાદક નજારાની સાથે પર્યાવરણને પણ ફાયદો થયો હોત તેમાં બેમત નથી. જામનગર સહીત રાજયભરમાં છેલ્લાં ત્રણેક વર્ષમાં વૃક્ષારોપણ પાછળ મસમોટો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ તાજેતરમાં વિધાનસભામાં રોપાઓનો મુદો ઉઠ્યો હતો. આ મુદાની ચર્ચા દરમ્યાન ૨૦ જિલ્લામાં રોપા નાશ પામ્યા એટલે કે સૂકાઇ ગયાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 


આ ૨૦ જિલ્લામાં જામનગર જિલ્લામાં અંદાજે ૩.૮૦ લાખ રોપા ત્રણેક વર્ષમાં સૂકાઇ ગયા હોય રાજયમાં ૧૪ માં ક્રમે રહ્યો હતો. જયારે સૌથી વધુ આણંદ જિલ્લામાં ૧૨.૭૪ લાખ, પાટણ જિલ્લામાં ૧૨.૭૦ લાખ, ભરૂચ જિલ્લામાં ૧૨.૫૭ લાખ, નર્મદા જિલ્લામાં ૯.૫૧ લાખ, પંચમહાલ જિલ્લામાં ૬.૨૩ લાખ, દાહોદ જિલ્લામાં ૬.૪૮ લાખ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૭.૫૧ લાખ રોપા નાશ પામ્યા હતાં. જયારે રાજકોટ જિલ્લામાં ૩.૫૨ લાખ, છોટા ઉદેપુર જિલ્લામાં ૪.૫૨ લાખ, અમરેલી જિલ્લામાં ૨.૯૮ લાખ, ભાવનગર જિલ્લામાં ૫.૩૩ લાખ, સાબરકાંઠા જિલ્લામાં ૩.૦૯ લાખ, સુરત જિલ્લામાં ૩.૨૬ લાખ, ડાંગ જિલ્લામાં ૫.૩૫ લાખ, દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ૨.૧૭ લાખ, મહીસાગર જિલ્લામાં ૩.૪૬ લાખ, અરવલ્લી જિલ્લામાં ૪.૭૫ લાખ, વલસાડ જિલ્લામાં ૪.૨૪ લાખ અને નવસારી જિલ્લામાં ૩.૮૫ લાખ રોપા નાશ પામ્યા હોવાના આંકડા વિધાનસભામાં રોપા મુદે થયેલી ચર્ચા દરમ્યાન નોંધાયા છે. 


અત્રે નોંધનીય છે કે વનીકરણ યોજનાઓ અંતર્ગત લક્ષ્યાંકો પૂર્ણ કરવા ઠેર-ઠેર રોપાઓના વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ રોપાની પૂરતી માવજત અને દેખરેખ રાખવામાં આવતી નથી. આ કારણોસર રોપાઓ નાશ પામે છે. આથી મહેનતની સાથે ખર્ચ પણ પાણી ઢોળ થઇ રહ્યું છે. એકબાજુ જામનગર જિલ્લા સહીત રાજયભરમાં ગ્રીનકવર વધારવા માટે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ કાર્યમાં શાળા-કોલેજો સહીત સ્વૈચ્છીક સંસ્થાઓને પણ જોડવામાં આવે છે. પરંતુ રોપાઓના વાવેતર બાદ વન વિભાગ દ્વારા યોગ્ય કાળજી લેવામાં આવતી ન હોવાથી આ સ્થિતિ સર્જાઇ હોવાની ફરિયાદો ઉઠી છે. તદઉપરાંત ફકત કાગળ પર રોપાઓનું વાવેતર કરવામાં આવતું તો નથી ને મુદો પણ તપાસનો વિષય બન્યો છે. અત્રે નોંધનીય છે કે, ધોરીમાર્ગો પર વૃક્ષારોપણમાં નિષ્ફળતા સબબ આકરા પગલાં લેવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પણ આદેશ કર્યા છે. 


જામનગર સહીત રાજયભરમાં મોટી સંખ્યામાં જે રોપાઓ સૂકાઇ ગયા છે એટલે કે નાશ પામ્યા છે અને મસમોટા ખર્ચ પાણીમાં ગયો છે તે સ્થિતિ સર્જાઇ છે, ત્યારે વનવિભાગની વડી કચેરી દ્રારા આ ગંભીર મુદાની તપાસ કરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News