સુરતમાં નશો કરવા 20 રૂપિયા ના આપતા નશેડીએ 17 વર્ષના સગીરને છરીથી રહેંસી મોતને ઘાટ ઉતાર્યો, મહિલાઓ વિફરતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

  • April 15, 2025 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીરની રાત્રે નશેડીએ હત્યા કરી દીધી હતી. નશેડીએ સગીર પાસે નશો કરવા માટે 20 રૂપિયા માંગ્યા હતા. પરંતુ સગીર પાસે 10 રૂપિયા જ હોવાથી રૂપિયા આપવાની ના પાડી દેતા રસ્તા વચ્ચે છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આથી મહિલાઓએ કાપોદ્રા વિસ્તારમાં રસ્તા પર ઉતરી આવી હતી અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. બનાવને લઈને પોલીસે કાપોદ્રા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.  


આ નશાખોર આટલેથી નહોતો અટક્યો તેણે આગળ જઇ રિક્ષાચાલકને પણ ક્યાંક મુકી જવા જણાવ્યું. પરંતુ રિક્ષા ચાલકે ઈન્કાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા. હાલ રિક્ષાચાલક પણ સારવાર હેઠળ છે. હાલ નશેડી આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી લીધી છે.


આ ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. મોડીરાત્રે પરિસ્થિતિ તંગ બનતા પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો. બાદમાં માંડ માંડ મોડીરાત્રે 2 વાગ્યે થાળે પડેલો મામલો ફરી આજેબપોરે ઉગ્ર બન્યો હતો. મોટી સંખ્યાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. અહીં પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. મહિલાઓની એક જ માંગ છે કે, આરોપીને ફાંસીની સજા આપો. તેમજ કાપોદ્રા પોલીસ હાયહાયના નારા લગાવ્યા હતા. દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી.


મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસિકા ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગરમાં અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે. અરવિંદભાઈને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર પરેશ (ઉં.વ.17) છે. અરવિંદભાઈ ફ્રુટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અરવિંદભાઈનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં સરીન વિભાગમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત રાત્રે પરેશ હીરાના કારખાનેથી છૂટીને પરત ઘરે આવી રહ્યો હતો. દરમિયાન પરેશ શેરીમાંથી પસાર થતો હતો, તે સમયે આરોપી પ્રભુ શેટ્ટીએ તેની પાસે આવી નશા માટે પૈસાની માંગણી કરી હતી. આ દરમિયાન પરેશે કહ્યું હતું કે, મારી પાસે માત્ર ભાડાના 10 રૂપિયા છે, તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.


પ્રભુએ આવેશમાં આવી તેની પાસે રહેલ ચપ્પુથી પરેશને પેટના ભાગે એક ઘા ઝીકી દીધો હતો. પરેશને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સ્થાનિક કાપોદ્રા પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. પોલીસે મૃતક પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.


સગીરની હત્યા કરી તે પહેલાં પણ આરોપી કોઇને સાથે ઝઘડો કરીને આવ્યો હતો

પરેશને ચપ્પુના ઘા માર્યા બાદ આરોપીએ ચોકમાં જઈને ત્યાં ઊભેલા રિક્ષાચાલક ધીરેન્દ્રને થોડે દૂર સુધી મૂકી જવા કહ્યું હતું. જેમાં ધીરેન્દ્રએ પત્નીનો ફોન આવ્યો હોવાથી શાકભાજી લઈને ઘરે જવું તેવું કહેતાની સાથે આરોપી પ્રભુએ ધીરેન્દ્રને પણ ખભા અને સાથળના ભાગે બે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. હાલમાં ધીરેન્દ્રની હાલત પણ ખરાબ છે અને સારવાર ચાલી રહી છે. સગીરની હત્યા કરી તે પહેલાં પણ આરોપી કોઇને સાથે ઝઘડો કરીને આવ્યો હતો.


રિક્ષાચાલકને પણ છરીના બે ઘા મારી દીધા

પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા પ્રભુ રવિરામ શેટ્ટી (ઉં.વ.25 રહે. લક્ષ્મણ નગર સોસાયટી કાપોદ્રા)ની ધરપકડ કરી કરી હતી. કાપોદ્રા પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીએ કબૂલાત આપી હતી કે તે ચાલતા જઈ રહ્યો હતો, તે દરમિયાન પરેશ સાથે અથડાયા બાદ બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી તેને છરીના ઘા મારી દીધા હતા. ત્યારબાદ આગળ જતા એક રિક્ષાચાલકને આગળ સુધી મૂકી જવા કહેતા તેણે ઇનકાર કરતા તેને પણ છરીના બે ઘા મારી દીધા હતા. આમ અથડાવાની સામાન્ય બાબતમાં 17 વર્ષના કિશોરની હત્યા કરી દેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application