જામનગરની પેઢી પાસેથી ૧૬.૫૧ લાખનું ડીહાઈડ્રેડ ઓનિયન મંગાવી લીધા બાદ નાણાં ચૂકવવા માટે હાથ ખંખેરી લેવા અંગે રાજસ્થાન, ભાવનગર અને જામનગરના ત્રણ શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં બ્રુક બોન્ડ ગ્રાઉન્ડની સામે આવેલી ઓશિયાનિક ફુડ લિમિટેડ નામની કંપની કે જેમાં જયદીપભાઇ મહેન્દ્રભાઈ ભૂત સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે વર્ષોથી નોકરી કરે છે. જેણે જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સિગ્મા એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર રાજસ્થાનના રવિકુમાર નાઈ, જામનગરના રાહુલ ગાગિયા અને ભાવનગરના નિકુંજ ગોસ્વામી સામે ૧૬,૫૧,૬૫૦ની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ગત જાન્યુઆરી માસમાં કાવતરૂ રચીને સિગ્મા એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢી બનાવીને ખોટી ઓળખ ઉભી કરી હતી અને ફરીયાદી સાથે વોટસએપથી સંપર્ક કર્યો હતો, ફરિયાદીની પેઢીમાંથી વોટ્સએપ કોલિંગના માધ્યમથી ડીહાઈડ્રેડ ઓનિયનની ખરીદી કરી હતી, અને સાડા દસ હજાર કિલોગ્રામ જેટલું ઓનિયન ખરીદ કર્યા પછી તેની ૧૬ લાખ ૫૧ હજારની રકમનો ચેક આપ્યો હતો.
ફરીયાદીની પેઢીમાંથી લાખોનો માલ ખરીદી રૂપીયા નહી ચુકવી ઠગાઇ કરી હતી આથી મામલો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો છે જયાં પીઆઇ ધાસુરા અને ટીમ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. મોબાઇલ નંબરના આધારે પોલીસે જીણવટભરી કાર્યવાહી હાથ ધરી છે.