કનસુમરાના વેપારી સાથે 1.29 કરોડની છેતરપીંડી

  • October 22, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદેશની બેન્કમાંથી લોન અપાવવાનું કહીને ચંદીગઢના શખ્સે ચિટીંગ કર્યુ : લોન નહીં થતાં પ્રોસેસ પેટે આપેલી રકમ પરત માંગતા બહાના બતાવ્યા : વેપારી દ્વારા સીઆઇડી ક્રાઇમમાં ફરીયાદ


જામનગરના કનસુમરા ગામે રહેતા અને જામનગરમાં ઓસવાલ કોલોનીમાં એમ.કે. એન્ટરપ્રાઈઝ નામની દુકાન ધરાવતા ઈકબાલભાઈ હારૂનભાઈ ખીરા ઉ.વ.44) સાથે વિદેશની બેન્કમાંથી લોન આપવાની પ્રોસેસ કરવાના નામે અને લોનની પ્રોસેસ ચાલુ હોવાનું કહી 1.25 કરોડ લોન પ્રોસેસ પેટે લઈ તેમજ તેના પરિચિત પાસેથી હોટલ અને અન્ય ખરીદીના નામે રૂા. 4.15 લાખ મળી સવી રાજેન્દ્રકુમાર વમર્િ (મોટીયા રોયલ બિઝનેસ પાર્ક, ચંદીગઢ)એ કુલ રૂા. 1.29 કરોડની છેતરપિંડી કયર્નિી રાજકોટ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.


ઈકબાલભાઈએ પોલીસને જણાવ્યુ કે 2023માં તેને વેપાર માટે નાણાની જરૂરિયાત ઉભી થતા મિત્ર અલ્તાફ ખીરા (રહે. લાખાબાવળ)ને વાત કરી હતી. જેના 15 દિવસ બાદ અલ્તાફે તેને જણાવ્યું હતું મારા એક ઓળખીતા છે, જે ચંદીગઢ રહે છે, તે વિદેશી બેન્કમાંથી લોન અપાવવાનું કામ કરે છે, નામ સવિ વમર્િ છે. એક મિત્ર દ્વારા તેની ઓળખાણ થઈ હતી. અમે અવારનવાર મળીએ છીએ.


તેને નાણાની જરૂરિયાત હોવાથી તેણે અલ્તાફને સવિ સાથે મુલાકાત કરવાનું કહ્યું હતું. આથી 8-3-23ના ચંદીગઢ ગયા હતા. જ્યાં અલ્તાફે મુકેશ નામના શખ્સને બોલાવી તેનો પરિચય કરાવ્યો હતો. મુકેશ અલ્તાફનો મિત્ર હોય બંને તેના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે ત્રણેય આરોપીની ઓફિસે કે જે મોટીયા રોયલ બિઝનેસ પાર્ક, જિરાકપૂરમાં આવેલી હતી અને નામ બ્લ્યુ ઓરીજીન હતું ત્યાં ગયા હતા. આશરે 20 મીનીટ બાદ આરોપી આવ્યો હતો. તેનો અલ્તાફ સાથે પરિચય હોય તેનો પણ પરિચય કરાવ્યો હતો. જ્યાં આરોપીએ વિદેશની બેન્કમાંથી લોન મેળવવા બાબતેની વાતચીત કરી હતી.


આરોપીએ તેને જણાવ્યું કે યુકેની બેન્કમાંથી લોન કરાવી આપીશ. તે વખતે તેને 8 કરોડની જરૂરિયાત હોવાથી આરોપીને 8 કરોડની લોન કરાવવાનું કહ્યું હતું. આથી આરોપીએ તમારી લોન મંજૂર થાય એ પહેલા મને લોન પ્રોસેસની કાર્યવાહી કરવા માટે રકમના 10 ટકા એડવાન્સ આપવાના રહેશે અને લોન મંજૂર થયા બાદ 20 ટકા આપવાના રહેશે તમ વાતચીત થઈ હતી.
ત્યારબાદ ત્રણેય ઘરે પરત આવતા રહ્યા હતા. ત્યારબાદ તે અને અલ્તાફ આરોપીની ઓફિસની સામે હોટલમાં રૂમ ભાડે રાખી રોકાયા હતા. તા. 11-3- 23ના ત્રણેય ફરીથી આરોપીની ઓફિસે ગયા હતા અને લોનની હા પાડી હતી. જે તે સમયે તેણે તેના ભાગીદાર અને મિત્ર કેતનપૂરી (રહે. અમદાવાદ)ને ટેલિફોનિક વાતચીત કરી હતી. નાણાની જરૂર પડે ત્યારે આપવાની વાત કરી હતી. આથી આરોપીના કહેવાથી રૂા. 10 લાખ તેના મિત્ર પાસેથી આંગડીયા મારફતે આરોપીની ઓફિસે મંગાવી તેને આપ્યા હતા. આ સમયે આરોપીએ તેને ચાર- પાંચ દિવસ રોકાવું પડશે તેમ કહેતા તે અને અલ્તાફ તા. 14મી સુધી રોકાયા હતા.


તા. 13ના આરોપીની ઓફિસે જતાં રૂા. 25 લાખ માગતા ફરીથી મિત્ર પાસેથી મંગાવી તેને આપ્યા હતા. તા. 14ના ફરી આરોપીની ઓફિસે જતા તેને 65 લાખની માંગ કરતાં તેના મિત્ર પાસેથી 20 લાખ અને 25 લાખ ભરીને રૂા. 45 લાખ ફરીથી આંગડિયા મારફતે મંગાવી આરોપીના ઘરે જઈને આપ્યા હતા. બાકી રૂા. 25 લાખ તેના નાનાભાઈ આદમની કંપનીના બેન્ક ખાતામાંથી ટ્રાન્સફર કયર્િ હતા. આમ આરોપીને કુલ રૂા. 1.05 કરોડ આપ્યા હતા. આરોપીને કામ સબબ અમદાવાદ આવવાનું હોવાથી તે તેના મિત્રો, આરોપી અને તેના માણસો અમદાવાદ આવ્યા હતાં. જ્યાં સારી હોટલમાં ચાર રૂમ બૂક કરાવવાનું કહેતા તેના મિત્ર કેતને રૂમ બૂક કરાવ્યા હતા.


તા. 15ના તે હોટલમાં રોકાણ કર્યું હતું. બીજા દિવસે તા. 16ના આરોપીએ રૂા. 20 લાખનું કહેતા ફરીથી કેતન પાસેથી લઈ આપ્યા હતા. આરોપીએ ખરીદી કરવાનું કહેતા તે મિત્ર સાથે મોલમાં ગયા હતા. જ્યાં ખરીદીનું અઢીથી ત્રણ લાખનું બીલ બનતાં તે તેના મિત્રએ આપ્યા હતા. ત્યારબાદ તેને હિતેશભાઈ (રહે. જામનગર) પાસેથી પણ લોન પ્રોસેસ પેટે નાણા લેવાના છે, તેની પાસે જવાનું કહેતા આરોપી તેના મળતિયાઓ સાથે ત્યાં જવા નીકળ્યા હતા. તા. 17ના તે પણ અલ્તાફ સાથે જામનગર જતા રહ્યા હતાં. ચારેક દિવસ સુધી બેન્ક લોનની કોઈ કામગીરી નહીં થતા તેણે આરોપીને ફોન કર્યો હતો. આથી આરોપીએ તેને ઇંગ્લીશમાં બેન્ક લોન પ્રોસેસના દસ્તાવેજો પીડીએફ મારફતે મોકલી ’હાલ લોન પ્રોસેસ ચાલુ છે’ તેમ કહ્યું હતું.

ત્યારબાદ આરોપીએ એક વાર લોન પ્રોસેસ રદ થઇ છે. ફરીથી પ્રોસેસ કરી છે, બીજા પાંચેક દિવસમાં તમારી લોન થઇ જશે તેમ જણાવ્યું હતું પરંતુ લોન નહીં થતા તેણે ફરીથી આરોપીને ફોન કરતાં તેણે તમારી લોન પ્રોસેસ ફાઈલ ચાલુ છે તેમ જણાવ્યું હતું. ત્યારપછી આરોપીએ તેને ફોન કરી તમારી લોન થતી નથી, તમે કોઈ બીજુ એકાઉન્ટ આપો તેમ કહેતા તેણે તેના એમ.કે. એન્ટરપ્રાઈઝના દસ્તાવેજો મોકલ્યા હતાં. પરંતુ ત્યારબાદ પણ કોઇ લોનની કાર્યવાહી થઈ ન હતી. આથી તેણે તેના મિત્ર અલ્તાફને વાત કરી આરોપી પાસેથી લોન પ્રોસેસ પેટે આપેલા નાણા પરત માગતા તેણે બહાના બતાવવાનું ચાલુ કર્યું હતું. આથી બેન્ક પ્રોસેસની માહિતી મેળવવા અને લોન ન મળે તેમ હોય તો તે તેના મિત્ર કેતનભાઈ સાથે આરોપીની ઓફિસે ગયા હતા. ત્યારે પણ આરોપીએ બહાના બતાવી થોડા દિવસમાં લોન નહીં થાય તો નાણા પરત આપી દઇશું તેમ કહ્યું હતું. પરંતુ રકમ પરત નહીં આપતા અંતે ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application