"હીલ ધ વર્લ્ડ" રંગોળી દ્વારા વિશ્વને શાંતિનો સંદેશો

  • October 28, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિદ્ધિ એ દર્શાવવા માંગે છે કે યુદ્ધમાં બાળકો કેટલા બેચેન અને અસુરક્ષિત અનુભવે છે, યુદ્ધ કેવી રીતે બાળપણ છીનવી લે છે અને બાળકોને ભય અને અનિશ્ચિતતાના વાતાવરણમાં જીવવા મજબૂર કરે છે...


રંગોળી, એક એવી કળા જે માત્ર સૌંદર્યને જ નહીં પરંતુ લાગણીઓને પણ વ્યક્ત કરે છે. જામનગરની રિદ્ધિ શેઠે પોતાની કલા દ્વારા વિશ્વને એક સંદેશો આપ્યો છે. તેમણે તૈયાર કરેલી રંગોળીમાં યુદ્ધની વિભિષિકા અને બાળકોની વેદનાને બહુ જ સુંદર રીતે દર્શાવી છે. આ વાતને સાર્થક કરી બતાવી છે. તેમણે દિવાળીના તહેવાર નિમિત્તે બનાવેલી રંગોળીએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ રંગોળી દ્વારા તેમણે યુદ્ધગ્રસ્ત બાળકોની વેદનાને બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. 


આ વર્ષે રિદ્ધિએ ‘હિલ ધ વર્લ્ડ’ થીમ પર આધારિત રંગોળી બનાવી છે.આ રંગોળીમાં એક નાનકડી બાળકી પોતાના ટેડી બેરને ચુસ્તપણે પકડીને રડતી હોય તેવી મુદ્રામાં છે. આ બાળકી યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી હોય તેવું દર્શાવવા માટે તેની આસપાસ તૂટેલી ઈમારતોના કાટમાળનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ રંગોળી દ્વારા રિદ્ધિ એ દર્શાવવા માંગે છે કે યુદ્ધમાં બાળકો કેટલા બેચેન અને અસુરક્ષિત અનુભવે છે, યુદ્ધ કેવી રીતે બાળપણ છીનવી લે છે અને બાળકોને ભય અને અનિશ્ચિતતાના વાતાવરણમાં જીવવા મજબૂર કરે છે.


રિદ્ધિ કહે છે, “યુક્રેન અને રશિયાના યુદ્ધમાં હજારો બાળકો મૃત્યુ પામ્યા છે અને લાખો બેઘર થયા છે. ઈઝરાઈલ-ગાઝા યુદ્ધમાં પણ બાળકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ બધું જોઈને હું ખૂબ જ દુઃખી થઈ ગઈ. મેં વિચાર્યું કે કદાચ મારી રંગોળી દ્વારા હું આ બાળકોની વેદનાને દુનિયા સમક્ષ મૂકી શકું.” લોકો આ રંગોળી જોઈને યુદ્ધની વિભિષિકાને સમજે અને શાંતિ માટે પ્રયત્ન કરે. 


રિદ્ધિની આ રંગોળી માત્ર એક કલાકૃતિ નથી પરંતુ એક શક્તિશાળી સંદેશો છે. તેઓ ઈચ્છે છે કે આ રંગોળી દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શે અને લોકો શાંતિ માટે પ્રયત્ન કરે.


રિદ્ધિની આ રંગોળીએ સોશિયલ મીડિયા પર ઘણું ધ્યાન ખેંચ્યું છે. લોકો આ રંગોળીને ખૂબ પસંદ કરી રહ્યા છે અને રિદ્ધિની આ કલાકૃતિની પ્રશંસા કરી રહ્યા છે. રિદ્ધિની આ રંગોળી એક સંદેશો આપે છે કે આપણે બધાએ મળીને યુદ્ધને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ અને એક શાંતિપૂર્ણ વિશ્વ બનાવવા માટે કામ કરવું જોઈએ. 


આ રંગોળીને તૈયાર કરવા માટે રિદ્ધિએ સામાન્ય ચિરોડી રંગોનો ઉપયોગ કર્યો છે. આશરે પાંચ ફૂટ બાય ત્રણ ફૂટની આ રંગોળીને બનાવવામાં તેમણે આઠ દિવસનો સમય લગાવ્યો છે. આ રંગોળી તા. ૨૯ ઓક્ટોબર ધનતેરસથી શ્રીપતિ એપાર્ટમેન્ટ, સનશાઇન સ્કૂલની પાછળ, વાલકેશ્વરી, જામનગર ખાતે લોકો નિહાળી શકશે. તા. ૨૭ ઓક્ટોબરના રોજ આ રંગોળીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application