બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી 9 મહાનગરપાલિકાની પણ જાહેરાત, વાંચો લિસ્ટ

  • January 01, 2025 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી ગઈ છે છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. સાથે 9 પાલિકાને નવી મહાનગરપાલિકા બનાવવાની સરકારે જાહેરાત કરી છે.​​​​​​​

આ 9 પાલિકાને મહાનગરપાલિકા તરીકે મંજૂરી

  1. નવસારી
  2. વાપી
  3. મહેસાણા
  4. નડિયાદ
  5. આણંદ
  6. સુરેન્દ્રનગર
  7. ગાંધીધામ
  8. મોરબી
  9. પોરબંદર 


8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ
હાલ બનાસકાંઠા જિલ્લામાં 13 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે. હાલ બનાસકાંઠાનું વડુમથક પાલનપુર છે. વાવ-થરાદ નવો જિલ્લો જાહેર થતા તેમાં વાવ, સુઈગામ, થરાદ, દિયોદર, ભાભર, કાંકરેજનો સમાવેશ થશે. જ્યારે પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા, ધાનેરા અને વડગામ હાલના જિલ્લામાં જ રહેશે.


વિધાનસભાની સીટ 182થી વધી શકે છે
વર્ષ 2027ની ચૂંટણી અગાઉ સીમાંકન બદલાશે જેના કારણે વિધાનસભાની સીટ 182થી વધી શકે છે. આ નિર્ણયથી વહીવટીય સરળતાનો લાભ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મળી શકે છે. જૂનો બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો હોવાથી સરકારી કામકાજ માટે લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2026માં અસ્તિત્વમાં આવનારા નવા વિસ્તાર માટે ચૂંટણી યોજાઈ શકે છે.


થરાદનું અંતર પાલનપુરથી 80 કિલોમીટર દૂર
થરાદ તાલુકાના સરપંચ એસોસીયેશન દ્વારા થરાદને જિલ્લો બનાવવાની લેખિત રજૂઆત કરી હતી. આથી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જિલ્લા કલેકટર મારફત થરાદના નાયબ કલેકટર પાસે થરાદને જિલ્લો બનાવવા અંગેનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. આથી થરાદના નાયબ કલેકટર શિવાજી એસ. તબિયારે થરાદને જિલ્લો ભૌગોલિક, વિકાસ અને સામાજિક દૃષ્ટીએ કઇ રીતે યોગ્ય છે તે અંગેની ઝીણવટભરી માહિતી સાથેનો હકારાત્મક રીપોર્ટ સરકારને મોકલાવ્યો હતો. જોકે, તે બાદ દિયોદર અને થરાદમાંથી જિલ્લો કોને જાહેર કરવો એની અસમંજસ સરકારમાં હતી. આમ તમામ ચર્ચાઓ વચ્ચે આજે થરાદને જિલ્લો બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. થરાદનું અંતર પાલનપુરથી 80 કિલોમીટર દુર છે, જેને જિલ્લો જાહેર કરાતા વહીવટી કામોમાં સરળતા રહેશે અને વિકાસ કામગીરીને વેગ મળશે.


થરાદમાં મોટા ભાગની તમામ કચેરીઓ આવેલી છે
થરાદમાં મોટાભાગના તમામ વિભાગોની મહત્વની કચેરીઓ જેવી કે કૃષિયુનિ, સરકારી અને ખાનગી કોલજ, સરકારી આદર્શ નિવાસી શાળા, સરકારી કન્યા છાત્રાલય, આઇટીઆઇ, ડીવાયએસપી કચેરી, આરએફઓ (નોર્મલ તથા વિસ્તરણ), પીડબલ્યુડી (પંચાયત અને સ્ટેટ), નેશનલ હાઇવે, પેટાતિજોરી, નર્મદાનહેર(ત્રણ તાલુકાની) તથા સબ.જનરલ હોસ્પિટલ પણ આવેલી છે.


નવો જિલ્લો બનાવવાની પ્રક્રિયા શું છે?
આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરીના અધિકારીએ જણાવ્યું કે, નવો જિલ્લો બનાવવો એ સરકારની નિતિ વિષયક બાબત છે. સરકાર નિર્ણય કરે તો પછી નવા જિલ્લાનો વિસ્તાર, વસ્તી, ગામડા, નકશાનું ડિમારકેશન સહિતના ચેકલીસ્ટની દરખાસ્ત કરવામાં આવે છે. જે પછી સરકાર દ્વારા આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application