ટોવિનો થોમસની ફિલ્મ '2018' ઓસ્કારની રેસમાંથી બહાર, નિર્દેશક જુડ એન્થની થયા ભાવુક

  • December 22, 2023 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્કાર એવોર્ડ માટે ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારત દ્વારા મોકલવામાં આવેલી મલયાલમ ફિલ્મ '2018: એવરીવન ઈઝ અ હીરો' એકેડેમી એવોર્ડ્સની રેસમાંથી બહાર થઈ ગઈ છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ (AMPAS) એ શુક્રવારે જણાવ્યું હતું કે જુડ એન્થોની જોસેફ દ્વારા નિર્દેશિત ફિલ્મ શ્રેણી માટે શોર્ટલિસ્ટ કરાયેલી 15 ફિલ્મોમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે. આ વેળા ડિરેક્ટરે એક ભાવનાત્મક પોસ્ટ લખી છે.

88 દેશોની ફિલ્મોને ઓસ્કારની ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં મોકલવામાં આવી હતી. પસંદગીની ફિલ્મો મતદાન બાદ આગળના તબક્કામાં મોકલવામાં આવશે. મુખ્ય ભૂમિકામાં મલયાલી અભિનેતા ટોવિનો થોમસ અભિનીત '2018: એવરીવન ઈઝ અ હીરો'ને આ વર્ષે સપ્ટેમ્બરમાં 96મા ઓસ્કાર એવોર્ડ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવી હતી. આ ફિલ્મ 2018માં કેરળમાં આવેલા વિનાશક પૂર પર આધારિત છે.

ઓસ્કારની રેસમાંથી બહાર થયા બાદ દિગ્દર્શકનું દિલ તૂટી ગયું

ફિલ્મના ડિરેક્ટર જુડ એન્થોની જોસેફે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે. તેણે ચાહકોની માફી માંગી કે તે ઓસ્કાર જીતવામાં નિષ્ફળ રહયા. તેણે લખ્યું, 'અમને સમર્થન આપનાર દરેકનો આભાર. પરંતુ અફસોસની વાત એ છે કે અમારી ફિલ્મ '2018- એવરીવન ઇઝ અ હીરો' વિશ્વભરની 88 આંતરરાષ્ટ્રીય ભાષાની ફિલ્મોમાંથી છેલ્લી 15 ફિલ્મોમાં સ્થાન મેળવી શકી નથી. તમને બધાને નિરાશ કરવા બદલ હું તમામ ચાહકો અને સમર્થકોની દિલથી માફી માંગુ છું. તેમ છતાં, આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક સ્વપ્ન સમાન રહી છે. મને આ સફર હંમેશા યાદ રહેશે.

બોક્સ ઓફિસ પર મચાવી હતી ધૂમ

ફિલ્મ નિર્માતાઓના મતે, આ મૂવીએ બોક્સ ઓફિસ પર રૂ.200 કરોડથી વધુની કમાણી કરી, જે મલયાલમ સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. પરંતુ હવે આ ફિલ્મનું ઓસ્કાર જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.

ગયા વર્ષે બે એવોર્ડ જીત્યા

ગયા વર્ષે બે ભારતીય ફિલ્મો 'RRR' અને 'The Elephant Whispers' એ બેસ્ટ ઓરિજિનલ સોંગ અને બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા. ગત વર્ષે ઈન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં ગુજરાતી ફિલ્મ 'છેલ્લો  શો' છેલ્લા પાંચ નોમિનેશનમાં પણ સ્થાન મેળવી શકી ન હતી.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application