જામનગરમાં માછીમારી કરવા અંગેના પ્રતિબંધની સમયમર્યાદામાં ફેરફાર કરાયો

  • August 02, 2024 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં માછીમારી કરવા અંગેના પ્રતિબંધની સમયમર્યાદામાં ફેરફાર કરાયો

જામનગર તા.02 ઓગસ્ટ, કેન્દ્ર સરકારશ્રીના કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ, દિલ્હીના હુકમથી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર Indian Exclusive Economic Zone (EEZ) માં ફિશિંગ બાન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ ગુજરાત મત્સ્યોધોગ કાયદો- 2003, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ- 2003 તથા ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) નિયમ- 2020 માં ગુજરાત રાજ્યના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેરનામામાં જણાવ્યા અનુસાર ફિશિંગ બાન સમયમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. 

જેને ધ્યાનમાં લેતા રાજ્યમાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તારીખ 15/08/2024 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળવિસ્તારમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજ્યમાં આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ ક્રાફટ, લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી, શઢવાળી હોડી તથા પગડિયા માછીમારીને બાકાત રાખવામાં આવે છે. 

જે અનુસાર જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તારીખ 15/08/2024 સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ ક્રાફટ, લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી, શઢવાળી હોડી અને પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે. 

ઉક્ત પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરનારી વ્યક્તિ સામે ગુજરાત મત્સ્યોધોગ કાયદો- 2003 ની કલમ- 6 (1) (ટ) ના ભંગ બદલ કલમ- 21/1 (ચ) મુજબ દંડને પાત્ર થશે. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત જિલ્લાના વિવિધ ફિશરિઝ ગાર્ડ, તમામ માછીમાર પ્રમુખશ્રી, તમામ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ, એસોસીએશન અને આગેવાનોએ આ સૂચનાની બહોળી રીતે પ્રસિદ્ધિ કરાવવાની રહેશે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application