જામનગર, દ્વારકા, લાલપુર, ભાણવડ, ખંભાળીયા અને કાલાવડમાં ઝાપટા

  • March 30, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહિત સમગ્ર હાલારમાં ગઇકાલ સાંજથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે, ૫૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકયો છે, આજ સવારથી જામનગરમાં પવનની ઝડપ વધી હતી અને સવારે ૫ વાગ્યા આસપાસ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડયા હતાં, દ્વારકા, લાલપુર, ભાણવડ, ખંભાળીયા, કાલાવડમાં પણ સવારે ઝાપટા પડયા બાદ આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદી વાતાવરણ ઉભુ થયું છે, હજુ બે દિવસ સુધી ગમે ત્યારે જામનગર, દ્વારકા, ભાણવડ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગમે ત્યારે ઝાપટા પડી શકશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે અને ખેડુતોમાં ફરીથી ચિંતાનું મોજુ ફરીવળ્યું છે. આ ઉપરાંત છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કલ્યાણપુર પંથકમાં રાવલ, ભાટીયા સહિતના ગામોમાં ભારે ઝાપટા પડયા છે.જામનગરના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.


ભાણવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલ સાંજથી વાતારવણમાં પલ્ટો આવ્યો છે અને જોરદાર પવન ફુંકાવાનું શરૂ થયું છે, વહેલી સવારે ભાણવડ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ઝાપટા પડયા હતાં.


કાલાવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આજે સવારે ભારે વરસાદી વાતાવરણ જોવા મળ્યુંહતું, પરંતુ ઝાપટા પડયા હતાં, માવઠુ થવાથી ઘઉં અને મરચાના પાકને નુકશાન થશે.


ખંભાળીયાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલ સાંજથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે, ખંભાળીયા શહેરમાં ઝાપટા પડતા લોકો ચિંતામાં આવી ગયા છે. લાલપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, વ્હેલી સવારથી લાલપુર તેમજ સુરજકરાડી, મીઠાપુર, આરંભડા સહિત કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડયા હતાં.


હવામાન ખાતાએ આગાહી કરતા ખેડુતોના જીવ ફરીથી પડીકે બંધાયા છે, આ મહીનામાં અવારનવાર માવઠુ આવતાં ખેડુતોનો કેટલોક માલ પણ પલળી ગયો હતો, જગતનો તાત મુશ્કેલીમાં છે, ત્યારે મહત્તમ તાપમાનમાં ફરીથી ઘટાડો થયો છે, ૫૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ તાપમાન ૨.૬ ડીગ્રી ઘટી મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૩ ડીગ્રી, હવામાં ભેજ ૬૬ ટકા અને પવનની ગતિ ૪૫ થી ૫૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી.  છેલ્લા ત્રણ અઠવાડીયાથી ઠંડી-ગરમીની મિશ્ર સિઝનથી લોકો કંટાળી ગયા છે, બેવડી ઋતુને કારણે તાવ, શરદી, ઉધરસના કેસો ખુબ જ વઘ્યા છે, ખાનગી હોસ્પિટલ  અને જી.જી.હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. બપોરે પાણીનો ખુબ જ સોસ પડી રહ્યો છે, જયારે સવારે અને સાંજે ઠંડક જેવા વાતાવરણથી લોકો પણ ખુશ થઇ ગયા છે. 


ઘઉં, ચણા, જીરૂ, મરચા, મેથી અને અન્ય પાકોને આ મહીનામાં નુકશાન થઇ ચૂકયું છે, ખેડુતોને ભારે નુકશાન થઇ ચૂકયું છે, આજથી બે દિવસ ફરીથી ઝાપટાની શરૂઆત થતાં જાણે કે ચોમાસુ વહેલું બેસી ગયું હોય તેવો ઘાટ ઘડાયો છે અને ફરીથી ઘઉં, મરચા અને જીરાના પાક ઉપર જોખમ ઉભું થયું છે. 


માર્કેટીંગ યાર્ડ અને દુકાનોમાં ઘઉં, જીરૂ, મરચા, મેથીની આવક શરૂ થઇ ચૂકી છે, મરચાના ભાવમાં ૨૫ ટકાનો વધારો અને જીરૂના ભાવમાં ૩૫ ટકાનો વધારો થઇ ચૂકયો છે, ઘઉંનો કેટલોક પાક પલળી જતાં હવે સારા ઘઉં રૂ.૬૫૦ થી ૮૫૦ સુધીનો ૨૦ કિલોનો ભાવ થઇ ગયા છે. ત્યારે આ વખતેના મસાલાના બજેટમાં પણ ૩૫ થી ૪૦ ટકાનો ભારે ઉછાળો આવ્યો છે. ગામડાઓમાં વાદળો છવાતા કદાચ ઝાપટા પડે તેવી શક્યતા પણ છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application