કરાચીમાં વાદળ ફાટવાનો ભય, સિંધમાં ઈમરજન્સી જાહેર

  • June 13, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચક્રવાત બિપરજોય પાકિસ્તાનમાં તબાહી મચાવી શકે છે : લોકોને બહાર કાઢવા માટે નેવીની મદદ લેવાઈ .




ચક્રવાત બાયપરજોય પાકિસ્તાનમાં ભારે વિનાશ સર્જી શકે છે. ચક્રવાતી તોફાન 'બિપરજોય' 15 જૂને ગુજરાત અને કરાચીના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. પાકિસ્તાનના હવામાન વિભાગે કરાચીમાં વાદળ ફાટવા જેવી ઘટનાઓની શક્યતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં સિંધમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અહીં સેના તૈનાત કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લગભગ 80 હજાર લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.




પાકિસ્તાનના હવામાન વિભાગે બિપરજોયને ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન ગણાવ્યું છે. ચક્રવાત અરબી સમુદ્રમાં પાકિસ્તાન અને ભારતના કિનારા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે જણાવ્યું કે રાજ્યમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. શાહે કહ્યું કે અમે લોકોને અપીલ નથી કરી રહ્યા, પરંતુ તેમને ઘર ખાલી કરવા માટે કહી રહ્યા છીએ. અમે સોશિયલ મીડિયા, મસ્જિદો અને રેડિયો સ્ટેશન દ્વારા એલર્ટ જાહેર કર્યું છે.




સિંધના સીએમએ કહ્યું કે લોકોને બહાર કાઢવા માટે પાકિસ્તાની નેવીની મદદ લેવામાં આવી રહી છે. થટ્ટામાં અત્યાર સુધીમાં 500 ગ્રામજનોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે 1500 લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ચાલુ છે. તે જ સમયે, શાહ બંદરથી 2000 લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યા છે.




કરાચીમાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી (DHA) એ દરિયા કિનારે રહેતા લોકોને 13 જૂન સુધીમાં સ્વૈચ્છિક રીતે ઘર ખાલી કરવા માટે અપીલ કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત છેલ્લા 12 કલાકથી ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે કરાચીથી લગભગ 550 કિમી દક્ષિણે, થટ્ટાથી 530 કિમી દક્ષિણે આવેલું છે.




હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત દરમિયાન સપાટી પરના પવનની ઝડપ 140-150 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે. જ્યારે કેન્દ્રની આસપાસ 170 કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં દરિયામાં 35-40 ફૂટની ઉંચાઈ સુધી મોજા ઉછળી શકે છે. હવામાન વિભાગ કરાચીમાં સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે.



સુજાવલ, બદીન, થરપારકર અને ઉમરકોટ જિલ્લામાં 13-17 જૂન દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. એટલું જ નહીં, આ જિલ્લાઓમાં 80-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. બલૂચિસ્તાનમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તમામ સંબંધિત વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે, હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application