ચેતવણી : રાજ્યના મોટા ભાગના બાળકોમાં નોંધાઇ આ શારીરિક ઉણપ, દેશભરના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત બન્યું હોટસ્પોટ

  • January 24, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના ૧.૫ લાખ બાળકો અને કિશોરોના સ્વાસ્થ્યનો કરાયો અભ્યાસ 

ગુજરાત અને પંજાબ બી૧૨ની ઉણપ માટે હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા

ફોલેટની ઉણપમાં ગુજરાત આઠમા ક્રમે



વિટામિન બી૧૨ શરીર માટે જરૂરી પોષક તત્વોમાંથી એક છે, તાજેતરના અભ્યાસે ગુજરાત અને અન્ય કેટલાક રાજ્યોમાં બાળકો અને કિશોરોમાં વિટામિન બી૧૨ અને ફોલેટની આશ્ચર્યજનક ઉણપ અંગે ચિંતા પેદા કરી છે અને નોંધપાત્ર પ્રાદેશિક અસમાનતાઓને પણ પ્રકાશિત કરી છે. ગુજરાતમાં વિટામીન બી૧૨ની ઉણપ ધરાવતા ૪ વર્ષ સુધીના બાળકોનું સૌથી વધુ પ્રમાણ ૨૯.૨% છે. આ વય જૂથમાં ફોલેટની ઉણપમાં ગુજરાત આઠમા ક્રમે છે.


વિટામિન બી૧૨ અને ફોલેટ સૂક્ષ્મ પોષકતત્વો છે જે ઘણા શારીરિક કાર્યો માટે નિર્ણાયક છે. જેમ કે બી૧૨ અને ફોલેટ ડીએનએ, લાલ રક્ત કોશિકાઓ અને ચેતા કોષો બનાવવા માટે એકસાથે કામ કરે છે. આ સૂક્ષ્મ પોષકતત્વો ખાસ કરીને બાળકોના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ અભ્યાસમાં દેશના ૧.૫ લાખ બાળકો અને કિશોરોને આવરી લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૩,૮૮૦ જેટલા ૧ થી ૯ વર્ષની વચ્ચેના બાળકો હતા અને ૩૮,૭૫૦ જેટલા ૧૦ થી ૧૯ વર્ષની વચ્ચેના કિશોરો હતા. આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન, હૈદરાબાદ અને સેન્ટ જોન્સ મેડિકલ કોલેજ, બેંગ્લોર ઉપરાંત સીતારામ ભરતિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ, નવી દિલ્હી દ્વારા સંયુક્ત અભ્યાસ હતો.


આ અભ્યાસ માટે ઈન્ડિયન કોમ્પ્રીહેન્સિવ નેશનલ ન્યુટ્રીશન સર્વેના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું અને તે નેશનલ લાયબ્રેરી ઓફ સાયન્સની જર્નલની ઓગસ્ટ ૨૦૨૩ની આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત અને પંજાબ જેવા રાજ્યો બી૧૨ની ઉણપ માટે હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને કેરળ ઉણપનું સૌથી નીચું સ્તર ધરાવે છે.




ગુજરાતમાં ૪૭.૬% કિશોરોને બી૧૨ની ઉણપ છે. જયારે ૫૯.૪%ને ફોલેટની ઉણપ છે. અમદાવાદ સ્થિત ચિકિત્સકે જણાવ્યું હતું કે, "વિટામિન બી૧૨ તમામ માંસ, માછલી અને ઈંડામાં હોય છે અને આ ઉણપ મોટાભાગે શાકાહારી આહાર લેનારાઓમાં જોવા મળે છે. તેમના માટે હું ફળો, તમામ લીલા પાંદડાવાળા શાકભાજી અને કેળાનું સેવન કરવાનું સૂચન કરું છું.”


સીએનએનએસ  અભ્યાસમાં ફોલેટની ઉણપ સમાન પેટર્નને અનુસરે છે, જેમાં નાગાલેન્ડ અને આંધ્રપ્રદેશ સૌથી આગળ છે અને સિક્કિમ પાછળ છે. નોંધપાત્ર રીતે, મોટાભાગના રાજ્યોમાં વય સાથે બંને ખામીઓનો વ્યાપ વધ્યો છે, જે બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન પૂરતા પ્રમાણમાં વિટામિનના સેવનમાં નિર્ણાયક તફાવત દર્શાવે છે. અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે જ્યારે કેન્દ્રીય પ્રદેશ તમામ વય જૂથોમાં ઉચ્ચ બી૧૨ની ઉણપ સાથે ઝઝૂમી રહ્યો છે, ત્યારે ઉત્તરપૂર્વના બાળકોમાં ફોલેટની ઉણપ સૌથી ખરાબ નોંધાઇ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સમૃદ્ધ પરિવારોના બાળકો અને કિશોરોમાં ફોલેટની વધુ ઉણપ જોવા મળી હતી, જે આહારની પસંદગીમાં સંભવિત વિસંગતતાઓ અથવા પોષણ વિશે અપૂરતું જ્ઞાન સૂચવે છે. ગુણવત્તાયુક્ત પીવાના પાણીની અછત એ વયજૂથમાં ફોલેટની ઉણપ માટે નોંધપાત્ર જોખમ પરિબળ તરીકે ઉભરી આવ્યું છે.
બોક્સ 


વિટામિન બી૧૨ની ઉણપના લક્ષણો 

ત્વચા પીળી પડી જવી, આખાની કિકીનો સફેદ ભાગ પણ પીળો પડી જવો. 

કોઈપણ કામમાં મન ન લાગવું અને થકાન અનુભવવી.

અશક્તિ આવી જવી અથવા ચક્કર આવવા.

ચામડીમાં કઠણતા આવી જવી અને સુકાઈ ગઈ હોય તેવુ લાગવું.

યાદશક્તિ ઓછી થવી, ધ્યાન કેન્દ્રીત ન થવું.

મો માં ચાંદા પડવા, શ્વાસ લેવામાં તકલીફ થવી.

હાડકા અને સાંધાની સમસ્યાઓ થવી.

એમીનીયાની અસર થવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application