સાંઢીયા પુલનું ટેન્ડર ટલ્લે; રેલવેના ગ્રીન સિગ્નલની રાહ

  • June 08, 2023 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડિઝાઇન મંજુર પણ હવે બ્રિજના રેલવે પોર્શનના હિસ્સાની ઉંડાણપૂર્વક ચકાસણીના લીધે વિલંબ

ભવિષ્યમાં ડબલ લાઇન બને અથવા ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવાની થાય તો તેને ધ્યાને લઇને બ્રિજ નીચેની હયાત ૧૨ મીટર પહોળી ટનલ ૩૬ મીટર પહોળી બનાવવા રેલવેએ સૂચવ્યું: જુલાઇ સુધીમાં મંજૂરી મળી જશે તો જન્માષ્ટમી આજુબાજુ ટેન્ડર પ્રસિધ્ધ થશે




રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જામનગર રોડ ઉપર નિર્માણ થનારા સાંઢીયા પુલનું ટેન્ડર ફરી ટલ્લે ચડી ગયું છે, ડિઝાઇન મંજુર પણ હવે બ્રિજના રેલવે પોર્શનના હિસ્સાની ઉંડાણપૂર્વક ચકાસણીના લીધે પ્રોજેકટ વિલંબિત થયો છે. હવે રેલવે ગ્રીન સિગ્નલ આપે ત્યાર બાદ જ ટેન્ડર પ્રસિધ્ધ થશે. અહીં ભવિષ્યમાં ડબલ લાઇન બને અથવા ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવાની થાય તો તે બાબતને ખાસ ધ્યાને લઇને રેલવે તરફથી તાજેતરમાં વધુ એક મહત્વપૂર્ણ ફેરફાર સુચવાયો છે જેમાં બ્રિજ નીચેની હયાત ટનલ ૧૨ મીટર પહોળી છે તે હવે નવા પ્રોજેકટમાં ૩૬ મીટર પહોળી બનાવવા સૂચવ્યું છે.જો જુલાઇ સુધીમાં રેલવેની મંજૂરી મળી જશે તો જન્માષ્ટમી આજુબાજુ નવા પુલનું ટેન્ડર પ્રસિધ્ધ થશે તેમ મ્યુનિ. ઇજનેરી વર્તુળોએ જણાવ્યું હતું.





વિશેષમાં મહાપાલિકાના ઇજનેરી સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૩ના જામનગર રોડ ઉપરના સાંઢીયા પુલની ડિઝાઇનમાં રેલવેએ ફેરફાર કરતા હવે પુલની નવી ડિઝાઇન તૈયાર કરાઇ છે જેમાં પુલની ઉંચાઈ ઘટાડાઇ છે જેથી હવે પુલની ઊંચાઇ અને આકાર સાંઢીયા જેવો લાગશે નહીં. નવા પુલ પ્રોજેક્ટનું કુલ કોસ્ટિંગ અંદાજે ૫૬ કરોડ જેટલું છે. આ વર્ષે મ્યુનિ. બજેટમાં આ પ્રોજેકટ માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ કરાઇ છે. મહાપાલિકાએ બ્રિજ નિર્માણના ખર્ચ પેટે રેલવેને તેના હિસ્સાના રૂ.૬ કરોડ ચૂકવવા જણાવ્યું હતું પરંતુ રેલવે તંત્ર તરફથી આ અંગે કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો.



દરમિયાન રેલવેએ ડિઝાઇનમાં ફેરફાર સુચવ્યા બાદ રેલવેએ સુચવેલી અને મહાપાલિકાએ તૈયાર કરેલી નવી ડિઝાઇન મુજબ બ્રિજની ઉંચાઇ દોઢ મીટર અને લંબાઇ ૫૦થી ૬૦ મીટર ઘટશે ! ઉંચાઇ અને લંબાઇ ઘટતા કોસ્ટિંગ ઘટશે જેના પરિણામ સ્વરૂપે જો હવે રેલવે તેના હિસ્સાના ચૂકવવા પાત્ર રૂ.૬ કરોડ ન આપે તો પણ ચાલશે કેમ કે તેટલી રકમનો ખર્ચ આપોઆપ ઘટી જાય તેમ છે (અલબત્ત મહાપાલિકાએ આ રકમ જતી કરી નથી અને રેલવેએ ચૂકવવા પણ પડે જ પરંતુ હાલ પૂરતો આ મામલો બાજુએ રાખી ડિઝાઇન મંજુર થાય તો ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે) મહાનગરપાલિકામાં રેલવેએ સૂચવેલા ફેરફારો મુજબની નવી ડિઝાઇન પણ બની ગઇ છે અને મ્યુનિ.ઇજનેરોએ તેમના સ્તરેથી ડિઝાઇન ફાઇનલ પણ કરી છે પરંતુ હાલમાં વેસ્ટર્ન રેલવેના હેડ ક્વાર્ટર મુંબઈ ખાતે રેલવેના અધિકારીઓ અને ઇજનેરો દ્વારા બ્રિજની ડિઝાઇનમાં રેલવે પોર્શનના હિસ્સાનો સર્વાંગી રીતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તે પૂર્ણ થયા બાદ રેલવે તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા પછી જ ટેન્ડર પ્રસિધ્ધ થઇ શકશે. ઇજનેરી સૂત્રોએ ઉમેર્યું હતું કે ચાલુ જૂન માસના અંત સુધીમાં અથવા તો જુલાઇ માસના પ્રારંભ સુધીમાં રેલવે દ્વારા અભ્યાસ પૂર્ણ થાય અને વધુ કોઈ નવા ફેરફારો સુચવાય તો તે ફેરફારો મુજબની ડિઝાઇન મુજબનું ટેન્ડર પ્રસિધ્ધ કરાશે. જો જૂન માસમાં જ રેલવે તરફથી ગ્રીન સિગ્નલ મળી જાય તો જન્માષ્ટમી આજુબાજુમાં ટેન્ડર પ્રસિધ્ધ કરાય અને ચોમાસાના ચાર મહિનામાં ટેન્ડર ફાઇનલ થઇ કરી દશેરા કે દિવાળી આજુબાજુ નવા બ્રિજ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાની ગણતરી મુજબ કામગીરી ચાલી રહી છે.




ડાયવર્ઝન માટે આજે ભોમેશ્વરથી એરપોર્ટ ફાટક સુધીના નવા રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાંઢીયા પુલના કામે ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે, નવા ઓવરબ્રિજની હજુ તો ડિઝાઇન ફાઇનલ થઈ છે. ટેન્ડર પ્રસિધ્ધ થાય અને ફાઇનલ થાય ત્યાં સુધીમાં ચોમાસાના ચારેક મહિના વીતી જશે અને ત્યારબાદ ૧૮ મહિના બ્રિજ બનતા લાગશે. આમ આગામી બે વર્ષની કલ્પના કરીને આજે ભોમેશ્વરથી એરપોર્ટ ફાટક સુધી જતા નવા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.



ભોમેશ્વરથી બ્રિજના બજરંગવાડી તરફના છેડે જવા હંગામી ધોરણે નવો રસ્તો બનશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક ડાયવર્ઝન માટે ભોમેશ્વર મંદિરથી સીધું બ્રિજના બજરંગવાડી તરફના છેડે સ્પીપા સેન્ટર-આઇઓસી ડેપો બિલ્ડીંગ તરફ નીકળી શકાય તેવો વધુ એક નવો રસ્તો હંગામી ધોરણે નિર્માણ કરાશે. ભોમેશ્વરથી બજરંગવાડી તરફ જતા રસ્તે રાજવી પરિવારની વિવાદી જમીનમાંથી આ હંગામી રસ્તો બનાવાશે તેમજ ઇજનેરી સુત્રોમાંથી જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application