જૂના ટેક્સ માળખામાં ટેક્સ ભરતા કરોડો નોકરિયાતોને ઠેંગો : 80-Cની મર્યાદામાં કોઈ વધારો નહી

  • February 01, 2023 11:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જો તમે હોમ લોન ભરતા હો તો આ બજેટમાં તમારા માટે કોઈ રાહતની જાહેરાત નથી




મોદી સરકારની બીજી ટર્મનું છેલ્લું પૂર્ણ બજેટ આજે નાણાંમંત્રી નિર્મલા સિતારમણે રજૂ કરી દીધું છે. આ બજેટમાં મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળશે તેવી આશા હતી. જોકે, આ વખતે પણ આ આશા ઠગારી નીવડી છે. નિર્મલા સિતારમણે જ્યારે પોતાની બજેટ સ્પીચમાં સાત લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે તેવી જાહેરાત કરી ત્યારે સાંસદોએ તેને બેંચો થપથપાવીને આવકારી લીધી હતી, પરંતુ જ્યારે નિર્મલા સિતારમણે આ છૂટ નવા ટેક્સ માળખામાં જ મળશે તેવું કહ્યું ત્યારે સન્નાટો છવાઈ ગયો હતો. નિર્મલા સિતારમણે ઈન્કમ ટેક્સમાં જે કંઈ નાની-મોટી રાહત આપી છે, તે માત્ર નવા ટેક્સ માળખામાં જ અપાઈ છે, જો તમે જૂના ટેક્સ માળખા અનુસાર પોતાનો ઈનકમ ટેક્સ ભરી રહ્યા છો તો તમારા માટે આ બજેટમાં કશુંય નથી.




ઈનકમ ટેક્સ ભરતા કરદાતામાં મોટાભાગે નોકરિયાતો હોય છે. જેમના માટે ટેક્સ બચાવવાનું સૌથી મોટું હથિયાર 80-Cમાં મળતી દોઢ લાખ રુપિયાની છૂટ હોય છે. વીમાની રકમ, પીએફ, એફડી કે પછી પીપીએફ જેવા સેફ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટમાં કરાતું રોકાણ 80-C હેઠળ બાદ મળે છે. 2023-24ના બજેટમાં 80-Cની મર્યાદા દોઢ લાખ રુપિયાથી વધારવામાં આવશે તેવી મધ્યમ વર્ગને આશા હતી, પરંતુ નિર્મલા સિતારમણે તેમાં કોઈ છૂટ ના આપીને નોકરિયાતોને નિરાશ કરી નાખ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી 80-Cની લિમિટમાં સરકારે કોઈ વધારો નથી કર્યો. બીજી તરફ મોંઘવારી એટલી વધી ગઈ છે કે હવે આ કલમ હેઠળ અપાતી અપાતી દોઢ રુપિયાની છૂટ ખાસ ફાયદાકારક નથી રહેતી.




જો તમે 20 વર્ષની હોમ લોન લીધી હોય તો તમારા શરુઆતના 10 વર્ષમાં તો મોટાભાગની રકમ વ્યાજ ભરવામાં જ જાય છે. હોમ લોન પર વ્યક્તિ જે વ્યાજ ભરે છે તેમાં ઈન્કમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 24 હેઠળ બે લાખ રુપિયાની છૂટ મળે છે. મકાનોની કિંમતમાં જંગી વધારો થતાં હવે તેના માટે લોન પણ વધારે લેવી પડે છે. સ્વાભાવિક છે કે જો કોઈ વ્યક્તિએ 40 લાખ રુપિયાની હોમ લોન 9 ટકાના વ્યાજ પર 20 વર્ષ માટે લીધી હોય તો તેને મહિને 36 હજાર રુપિયા લેખે વર્ષના 4,32,000 હજાર રુપિયા EMIમાં ભરવા પડે. તેમાં અડધાથી ઉપર રકમ તો વ્યાજ ભરવાનું આવે, તેવામાં જો નાણાંમંત્રીએ સેક્શન 24 હેઠળ મળતી રાહતની મર્યાદા વધારી હોત તો લોન પર મકાન ખરીદનારા કરોડો લોકોને મોટી રાહત મળી શકી હોત.



નાણામંત્રીએ આજે બજેટમાં ઈન્કમ ટેક્સમાં જે કંઈ છૂટછાટો જાહેર કરી છે તે માત્ર અને માત્ર નવા ટેક્સ માળખા માટે જ કરાઈ છે. જે લોકો હોમ લોન, બાળકોની સ્કૂલની ફી, એજ્યુકેશન લોનના હપ્તા, હેલ્થ ઈન્શ્યોરન્સના પ્રિમિયમ ભરે છે તેવા લોકોને જૂના ટેક્સ માળખામાં વિવિધ કલમો હેઠળ છૂટછાટો આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત, હોમ લોન ચાલતી હોય તેવા લોકોને પણ જૂના ટેક્સ માળખામાં થોડી રાહત મળે છે. જ્યારે જે લોકોને ઈન્કમ ટેક્સમાં આવી કોઈપણ રાહત નથી જોઈતી તેવા લોકો નવા માળખામાં ઈન્કમ ટેક્સ ભરે છે, જેમાં ટેક્સેબલ આવક પર ચોક્કસ ટકા ટેક્સ તરીકે વસૂલવામાં આવે છે. નિર્મલા સિતારમણે 2020-21ના બજેટમાં ઈન્કમ ટેક્સના નવા માળખાની જાહેરાત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application