જામ્યુકો દ્વારા કોમર્શીયલ બિલ્ડીંગના માલિકો પાસેથી રૂ.૩૦ કરોડ ખંખેરી લેવાનો ખેલ

  • July 13, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકા હંમેશા વિવાદના વમળમાં ઘેરાય જાય છે, આ વખતે પાણી વેરો અને મિલ્કત વેરામાં સાવ નજીવો વધારો કર્યો છે તેની સામે ૧૦ થી ૨૫ ટકા રિબેટ યોજના પણ બહાર પાડી છે, પરંતુ પાછલા બારણેથી કોર્પોરેશને એક મોટી ચાલ રમીને જે કોમર્શીયલ બિલ્ડીંગમાં ઓફીસો છે તેના માલીકો પાસેથી ૨ થી ૪ ગણો ટેકસ વસુલવા બિલ ફટકારી દેવામાં આવ્યા છે, જનરલ ટેકસ, ક્ધઝર્વન્સી ટેકસ, સોલીડ વેસ્ટ ટેકસ, એજયુકેશન ટેકસ, સ્ટ્રીટલાઇટ યુઝર્સ ચાર્જ અને આ વખતે તો એન્વાયરમેન્ટ ટેકસ પણ લગાવી દેવામાં આવ્યો છે, આમ જોઇએ તો જે ઓફીસ ધારકને રૂ.૧૪૦૦ થી ૧૫૦૦ ટેકસ આવતો હતો તેને હવે રૂ.૩૫૦૦ થી ૩૬૦૦ બીલ ફટકારી દેવાયું છે, કેટલાકને તો હવે રૂ.૬ હજારને બદલે રૂ.૨૦ હજાર ભરવા પડશે. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ ૪૦ ચો.મી. સુધીની કોમર્શીયલ મિલ્કતોમાં ટેકસ કેપ દુર કરી દેવામાં આવતાં કેટલીક ઓફીસોના સંચાલકોને વધુ ટેકસ ભરવો પડશે તે હકીકત છે અને નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કોર્પોરેશનને આ નવા નિયમથી રૂ.૩૦ કરોડ જેટલો ફાયદો થશે. 


કોર્પોરેશનની રીબેટ યોજના શરૂ થઇ ચુકી છે, તા.૨૩ ઓગષ્ટ સુધી આ યોજના ચાલશે, આ વખતે પ્રથમ વખત સોલાર નખાવનારને ૫ ટકાનું વધારાનું રિબેટ આપવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે તેમજ સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેકસ ભરનારને બે ટકા વધુ રીબેટ આપવા નિર્ણય કરાયો છે જે આવકારદાયક છે, પરંતુ કેટલાક સ્થળોએ પર્યાવરણના બહાને રૂ.૩૦નો ટેકસ પાછલા બારણેથી ઘુસાડી દેવામાં આવ્યો છે. 


જામનગર કોર્પોરેશને તા.૨૫ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ ઠરાવ કર્યો હતો પરંતુ તેની અમલવારી કરવામાં આવી ન હતી, આ ઠરાવથી કોમર્શીયલ મિલ્કતો, દુકાનો, ઓફીસ, કારખાના માટે ૨૫ ચો.મી. સુધીની મિલ્કતમાં ચો.મી. દીઠ રૂ.૮૦ના ગુણાંકમાં વેરો લેવાતો હતો, ૨૦૨૩-૨૪ના બજેટમાં આ મર્યાદા કોર્પોરેશને દુર કરી છે, હવે ૨૫ ચો.મી. સુધીની ધંધાદારી મિલ્કતોમાં ચો.મી.ના બીલમાં પ્રતિ ચો.મી. રૂ.૩૨ ઉપરાંત રૂ.૧.૭૫ લોકેશન ફેકટર, રૂ.૧ ઉમર ફેકટર, રૂ.૩ વપરાશી ફેકટર, રૂ.૧.૩૦ ભાડુત માલિકી વપરાશ ફેકટર, રૂ.૧ છાપરાવાળુ કે પાકુ બાંધકામનું ફેકટર ગણતરીમાં લઇને આ અગાઉના રૂ.૮૦ ચો.મી.ના ટેકસના બદલે હવે સીધો વધુ ટેકસ લેવાશે, આમ વેપારીઓને ૨ થી ૪ ગણા ટેકસ ભરવા પડશે. જો કે આ માટે છેલ્લા બે દિવસથી વેપારીઓ પણ દલીલ કરી રહ્યા છે.


જાણવા મળતી વિગત પ્રમાણે કોર્પોરેશનના ઠરાવ બાદ રહેણાંક ઇમારતો માટે મહત્તમ દર રૂ.૪૦થી વધુ રકમ લઇ શકાતી નથી, જેના પરીણામે ઇમારત ટેકસમાં આખરી વેરો રૂ.૨ હજાર થવા પામેલ છે, ૫૦ ચો.મી.માં (રૂ.૧૬*૧.૭૫*૧*૧.૩૦*૧.૩૦ તેમજ ૫૦ ચો.મી.માં રૂ.૪૭.૩૨ પરંતુ મહત્તમ દર રૂ.૪૦ નકકી થયો હોય એટલે ૫૦ ચો.મી.* રૂ.૪૦ થઇને કુલ વેરાની રકમ રૂ.૨ હજાર ગણવામાં આવશે.
જે મિલ્કત ધારકોએ હાલના નિયમ મુજબ ગયા વર્ષે રૂ.૨ હજાર ટેકસ ભર્યો હશે તેઓએ ઇમારત-એ બિન રહેણાંકમાં હવે રૂ.૮ હજાર ભરવા પડશે, જેઓેએ રૂ.૨૩૬૬ ભર્યા હશે તેઓએ હવે રૂ.૧૦૨૪૦ ભરવા પડશે. ટેકસની ગણતરી આટાપાટાવાળી છે, કોર્પોરેશનના પદાધિકારીઓ કહે છે કે, કેટલાક વેપારીઓને ૨ થી ૪ ગણો ટેકસ ભરવો પડશે પરંતુ બધા વેપારીઓને આટલો ટેકસ ભરવો નહીં પડે. 
કોર્પોરેશને કેપ ખોલી નાખતા આ વખતે રૂ.૩૦ કરોડની વધુ આવક થશે તેમ માનવમાં આવે છે, રીબેટ યોજના શરૂ થઇ છે, ૧૦ થી ૨૫ ટકા વળતર પણ અપાય છે પરંતુ બજેટમાં મિલ્કત વેરા અને પાણી વેરામાં તેમજ એન્વાયરમેન્ટ ટેકસ અને સોલીડ વેસ્ટ ટેકસમાં ધીરે-ધીરે વધારો કરીને રહેણાંક મકાન ધરાવતા લોકોને રૂ.૫૦૦નો ટેકસનો માર પડશે.

​​​​​​​વિકાસ કરવો હશે તો ટેકસ ભરવો પડશે તેવા નિવેદનો પદાધિકારીઓ કરી રહ્યા છે, પરંતુ આ ટેકસ ગણતરી કરવામાં આવી છે તે ફરીવાર રીચેક કરવાની પણ જરૂર છે. ઓફીસધારકોને ૧૫૦ ટકાથી માંડીને ૪૫૦ ટકા જેટલો ટેકસ વધારો કોઇપણ સંજોગોમાં પોસાય તેમ નથી, કોના કહેવાથી આ પ્રકારની ગણતરી કરવામાં આવી છે, કેટલાક વોર્ડમાં લોકો ટેકસ ભરતા જ નથી અને જયારે વ્યાજ માફી યોજના આવે છે ત્યારે લોકો થોડો ઘણો ટેકસ ભરવો પડે છે, આનો અર્થ એ થયો કે જે લોકો રેગ્યુલર ટેકસ ભરે છે અને એડવાન્સ ટેકસ ભરે છે તેવા લોકોને આખરે સહન કરવાનું જ રહેશે. કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ ફરી એકવાર સાથે મળીને આ નવી ગણતરી યોગ્ય છે કે નહીં તે અંગે વિચારણા કરવી જોઇએ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application