SBI માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની પાંચમી સૌથી મોટી ફર્મ બની

  • February 22, 2024 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પીએસયુ બેન્કોના શેર્સમાં સતત ઉછાળો ; સરકારી બેંકે આઈટી જાયન્ટ ઈન્ફોસિસને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની ૫મી સૌથી મોટી ફર્મનો દરજ્જો હાંસલ કર્યો છે. સરકારી બેંકોમાં પ્રથમ સ્થાન ધરાવતી એસબીઆઈ, આઈટી એક્સપર્ટ ઈન્ફોસિસને હરાવીને આ સ્થાને પહોંચી છે. ગતરોજ એસબીઆઈના શેર્સે શેર દીઠ રૂ. ૭૭૭.૫૦ના વધારા સાથે ૫૨ સપ્તાહના હાઈ લેવલ પર પહોચ્યા છે. આ વધારાના આધારે, એસબીઆઈએ તેના માર્કેટ કેપમાં ભારે વધારો નોંધાવ્યો છે.


એસબીઆઈના રોકાણકારો માટે આ એક સારા સમાચાર છે કારણ કે આ સ્ટોક સતત રેકોર્ડ હાઈ લેવલ પર જોવા મળી રહ્યો છે અને આ સ્ટોક પીએસયુ બેન્કોના ઉદયને આગળ ધપાવી રહ્યો છે. બુધવાર, ૨૧ ફેબ્રુઆરીના રોજ ટ્રેડિંગ બંધ થયા પછી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું માર્કેટ કેપ રૂ. ૬,૮૮,૫૭૮.૪૩ કરોડ થયું હતું જ્યારે ઇન્ફોસિસનું એમકેપ રૂ. ૬,૮૭,૩૪૯.૯૫ કરોડ હતું. એટલે કે એસબીઆઈનું માર્કેટ કેપ ઈન્ફોસિસ કરતાં રૂ. ૧૨૨૮.૪૮ કરોડ વધુ થયું અને તે ૫મી સૌથી મોટી કંપની બની. એસબીઆઈ બીએસઇ પર માર્કેટ વેલ્યુએશનની દ્રષ્ટિએ ૫મી સૌથી મોટી ફર્મ બની છે અને દેશની ટોચની ૫ કંપનીઓમાં સામેલ એકમાત્ર સરકારી બેંક છે. ટોચની ૧૦ કંપનીઓની આ યાદીમાં વધુ બે ખાનગી બેંકોનો સમાવેશ થાય છે. એચડીએફસી બેંક ત્રીજા સ્થાને અને આઈસીઆઈસીઆઈ બેંક ચોથા સ્થાને છે.


છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેરબજારમાં સતત તેજી ચાલી રહી હતી. ગતરોજ નિફ્ટી ફિફ્ટી ઈન્ડેક્સ ૨૨,૧૮૬ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. એક અનુમાન મુજબ જો સતત આ રીતે વધારો થયો તો ભારતીય શેરબજાર ૫ ટ્રિલિયન રૂપિયાનું થઈ જશે, જ્યારે ભારતીય અર્થતંત્રને આ માઈલસ્ટોન સુધી પહોંચવામાં ૩ થી ૪ વર્ષનો સમય લાગશે. છેલ્લા છ મહિનામાં ભારતીય શેરબજારના માર્કેટ કેપમાં ૧ ટ્રિલિયન ડોલરથી વધુનો વધારો થયો છે, જેમાં સૌથી મોટો ફાળો સરકારી કંપનીઓના શેરમાં વધારો છે. જો પીએસયુ બેન્કોની સાથે ડિફેન્સ, રેલવે અને પાવર શેરોમાં સતત વધારો થાય તો આગામી બે મહિનામાં જ ભારતીય શેરબજાર રૂ. ૫ ટ્રિલિયનનું બની જશે.


દેશની ટોચની ૧૦ કંપનીઓ

દેશની ટોચની ૧૦ વેલ્યુએશન કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને છે. બીજા ક્રમે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ઈન્ફોસીસ, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલીવર અને આઈટીસી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application