સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ પાછો ઠેલાય તેવી શક્યતા

  • December 02, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તારીખ ૨૭ ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ રાજ્યપાલની ખાસ ઉપસ્થિતિમાં યોજાશે તેવી યુનિવર્સિટીના સત્તાવાળાઓએ હરખભેર જાહેરાત કરી છે. પરંતુ આવો પદવીદાન સમારોહ યોજાશે કે કેમ તે સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થયો છે. જો યોજાશે તો પણ ડિસેમ્બર માસમાં તેની શક્યતા ઓછી છે એવું પણ જાણકારો કહી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાણકાર વર્તુળોના કહેવા પ્રમાણે અત્યારે યુનિવર્સિટી ઓર્ડિનન્સ અને સ્ટેચ્યુટ નાબૂદ થઈ ગયા છે. નવો પબ્લિક યુનિવર્સિટી એક્ટ અમલમાં મુકવાનો નિર્ણય કરાયો છે પરંતુ તે સામે હાઇકોર્ટનો સ્ટે હોવાથી કાનુની ગુચ ઊભી થઈ છે. આ પરિસ્થિતિમાં શું કરવું તેનું માર્ગદર્શન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ પાસે માગ્યું છે. પરંતુ હજુ આ સંદર્ભે કોઈ માર્ગદર્શન મળયું નથી. પરંતુ મૌખિક એવી વાતો પણ થઈ રહી છે કે જ્યારે મેટર સબજયુડીઝ છે ત્યારે સ્પષ્ટ માર્ગદર્શન આપવાનું ટાળવામાં આવે તેવી સંભાવના છે.


બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ માટે નામ મંગાવવાનું શરૂ
જો નવા કાયદા મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને કાઉન્સિલ રચીને પદવીદાન સમારોહની કાર્યવાહી કરવાનો આદેશ અને માર્ગદર્શન શિક્ષણ વિભાગ તરફથી આવે તો ત્વરિત કાર્યવાહી થઈ શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ સલગ્ન જુદી-જુદી કોલેજો અને ભવનોના સિનિયર અધ્યાપકો ડિપાર્ટમેન્ટના વડાઓ અને પ્રિન્સીપાલ ના નામ મંગાવ્યા છે. યુનિવર્સિટી સૂત્રોના જણાવ્યા મુજબ જો આવું માર્ગદર્શન ન આવે તો પણ ભવિષ્ય મા તે ઉપયોગમાં આવવાનું જ છે અને અત્યારથી માહિતી એકત્ર કરીને રાખી હોય તો છેલ્લી ઘડીએ દોડાદોડી ન થાય. 

૪૨ દિવસની નોટિસ આપવી કે શું કરવું?
આવી જ બીજી મહત્વની અને કાનૂની ગુંચવણ એ છે કે જ્યારે પદવીદાન સમારોહ યોજવાનો હોય તેના અગાઉ ૪૨ દિવસનો મિનિમમ સમય આપીને સેનેટની મીટીંગ બોલાવવામાં આવતી હોય છે. જૂની સેનેટ અસ્તિત્વમાં રાખી આવું કરવાનું છે કે નહીં? જો નવી બોડી અસ્તિત્વમાં આવતી હોય તો તેમાં છ સપ્તાહના ટાઈમ આપવાની જોગવાઈ બાબતે શું છે ?તેનું માર્ગદર્શન પણ ઉચ્ચ શિક્ષણ વિભાગ પાસે માગવામાં આવ્યું છે.

ડિગ્રી સર્ટિફિકેટમાં નામ કોનું લખવું તે મોટી મૂંઝવણ
ડિગ્રી સર્ટિફિકેટમાં નામ કોનું લખવું તે મુદ્દે મોટી મૂંઝવણ છે. કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્ટ અને સ્ટેચ્યુટ મુજબ ડિગ્રી સર્ટિફિકેટમાં ’વી ધ ચાન્સેલર /મેમ્બર ઓફ સેનેટ/ મેમ્બર ઓફ સિન્ડિકેટ / મેમ્બર ઓફ એકેડેમિક કાઉન્સિલ / ડીન ઓફ ધ ડિપાર્ટમેન્ટ’ એવું લખીને અત્યાર સુધી ડીગ્રી સર્ટીફીકેટો આપવામાં આવતા હતા. પરંતુ અત્યારે જૂનો કાયદો નાબૂદ થયો હોવાથી તેમજ સિન્ડિકેટ કે એકેડેમિક કાઉન્સિલ જેવું કશુ રહ્યું નથી. તેના સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકઝીકયુટીવ કાઉન્સિલ અસ્તિત્વમાં આવવી જોઈએ પરંતુ તે હજી આવી નથી. કોર્ટ મેટર હોવાથી નજીકના ભવિષ્યમાં આવી નિમણૂક થાય તેવું જણાતું નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોની નિમણૂક જાહેર કરી તે સાથે જ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચી ગયો છે અને તેનો હજુ નિર્ણય આવ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application