સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા કરી
કલેક્ટર ભાવિન પંડ્યાએ ટીમના સભ્યો સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની અતિવૃષ્ટિ અંગેની વિગતો રજૂ કરી
ઓગષ્ટ – ૨૦૨૪ માં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પડેલ ભારેથી અતિભારે વરસાદના કારણે થયેલ વ્યાપક નુકસાન અને તે અન્વયે રાજય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત કાર્ય, નુકસાની અને રિસ્ટોરેશન અંગેના ઓન ધ સ્પોટ ડીટેઇલ્ડ એસેસમેન્ટ માટે મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ભારત સરકાર દ્વારા ઇન્ટર મીનીસ્ટરીઅલ સેન્ટ્રલ ટીમની રચના કરવામાં આવેલ છે. જે ટીમે જામનગર પહોંચી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, પોલિસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અતિવૃષ્ટિની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી જિલ્લાની ભૌગોલિક સ્થિતિ, જુદા-જુદા તાલુકાઓમાં વરસાદની સ્થિતિ, ડેમોની સ્થિતિ, મકાનમાં નુકસાન, માનવ મૃત્યુ, ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તાર સાથે જોડતા માર્ગો, વીજ પુરવઠાની સ્થિતિ, ખેતીવાડીના પાકો, જમીનમાં નુકસાની, સર્વે અને સહાય સહિતની જાણકારી આપી હતી.
તેઓએ વધુમાં, અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી રેસ્ક્યુ, સ્થળાંતર, વીજ પુન:સ્થાપન, ઝાડ ટ્રિમિંગ, રસ્તા રીપેરીંગ, સ્વચ્છતા, આરોગ્ય વિષયક કાળજી, દવા છંટકાવ સહિતની કામગીરી વિશે પણ શીર્ષ અધિકારીઓને માહિતગાર કર્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં એન.આઈ.ડી.એમ.ના ઍકઝીક્યુટિવ ડાયરેક્ટર રાજેન્દ્ર રત્નુ, એફ.સી.ડી.ના ડાયરેક્ટર ચિન્મય પુંડલીક ગોતમારે, સિનિયર એન્જીનીયર ડો.એ.વી.સુરેશ બાબુ, સી.ડબલ્યુ.સી.ના ડાયરેક્ટર યોકી વિજય, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જિલ્લા ખેતીવાડી અધિકારી, ડીઝાસ્ટર વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, આત્મા ડાયરેકટર, જામનગર મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પી.જી.વી.સી.એલ., ફાયર, સિંચાઈ સહીત સંબધિત તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા