ઘઉં, ચણા, મરચામાં ટોકન સીસ્ટમથી જ એન્ટ્રી માવઠાની આગાહીને લઇ રાજકોટ યાર્ડ એલર્ટ

  • April 10, 2023 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણા અને મરચામાં ટોકન સિસ્ટમથી એન્ટ્રી શરૂ કરાઇ છે. હાલમાં અન્ય તમામ જણસીઓની તુલનાએ આ ત્રણ જણસીઓની જ વધુ આવક થઇ રહી હોય માવઠાની આગાહીને લઇ રાજકોટ માર્કેટ યાર્ડમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

વિશેષમાં માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી તા.19 એપ્રિલ સુધી માવઠાની આગાહી હોય હવે ત્યાં સુધી ટોકન સિસ્ટમ અમલી રહેશે. અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ટોકન મળે પછી જ ખેડૂતોના વાહનોને યાર્ડમાં પ્રવેશ અપાશે. હાલમાં ઘઉં, ચણા અને સૂકા મરચાની પુષ્કળ આવક થઈ રહી હોય આ જણસીઓને ખુલ્લા મેદાનમાં ઉતારવામાં આવી રહી છે. આગામી તા.19 એપ્રિલ સુધી માવઠાની આગાહી હોય હવેથી રોજે રોજ નિકાલ થઇ જાય તેટલા જથ્થાને જ એન્ટ્રી અપાશે જેથી વરસાદ વરસે તો ખેડૂતો, વેપારીઓ કે કમિશન એજન્ટોને નુકસાન થાય નહીં. આજે ઘઉં ભરેલા ફક્ત 200 વાહનોને એન્ટ્રી અપાઇ હતી.  ઘઉં, ચણા અને મરચા સિવાયની પ્લેટફોર્મ ઉપર ઉતરતી અન્ય તમામ જણસીમાં રાબેતા મુજબ 24 કલાક આવક ચાલુ છે. આ ઉપરાંત વેપારીઓને પણ દુકાન બહાર ખુલ્લામાં માલ નહીં રાખવા તેમજ ખેડૂતોને માલ ઢાંકીને લાવવા સૂચના અપાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application